નજીવી બાબતે મારામારી:વલસાડના વાઘલધરામાં નડતરરૂપ બાઈક ખસેડવા મુદ્દે કાર ચાલક અને બાઈક ચાલક બાખડ્યા, સામસામે ફરિયાદ નોંધાઇ

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડુંગરી પોલીસે બંને પક્ષની અરજી મેળવી આગળની તપાસ હાથ ધરી

વાઘલધરાના જેસીયા ફળિયાથી હાઇવે તરફ જતા મુખ્ય માર્ગ ઉપર ટ્રાફિકને નડતરરૂપ બાઈક ખસેડવાના મુદ્દે કાર ચાલક અને બાઈક ચાલક વચ્ચે મારામારી થઈ હતી. જેના પગલે ડુંગરી પોલીસ મથકે બંને ચાલકો દ્વારા સામસામી ફરિયાદ અરજી આપવામાં આવી હતી.

વલસાડ તાલુકાના વાઘલધરા ગામના જેસીયા ફળિયામાં રહેતા કાંતિભાઈ મોરારભાઈ પટેલ પોતાની કાર લઈ ચીખલી તરફ જઈ રહ્યા હતા. જે દરમિયાન હાઇવે ઉપર જવાના મુખ્ય માર્ગ ઉપર બાબુભાઇ ચૌહાણે ટ્રાફિકને નડતરરૂપ બાઇક પાર્ક કરી હતી. જેથી ચાલક બાબુભાઇ ચૌહાણને તેમની નડતરરૂપ પાર્ક કરેલી બાઈક ખસેડવા કાંતિભાઇ પટેલે કહ્યું હતું અને રસ્તો ખુલ્લોકરી આપવા જણાવ્યું હતું. બાઈક ચાલક બાબુભાઈ ચૌહાણે બાઈક ન ખસેડવા તેમજ કાંતિભાઈને તેમની કાર અન્ય રોડ ઉપરથી લઈ જવા જણાવ્યું હતું.

જેના પગલે બંને ચાલકો વચ્ચે ઉગ્ર બોલાચાલી મારામારીમાં બદલાઇ હતી. સ્થાનિક લોકો અને રાહદારીઓ વચ્ચે પડી મારામારી કરતા 3 ઇસમોને છુટા પાડ્યા હતા. ડુંગરી પોલીસ મથકે કાર ચાલક કાંતિભાઈ મોરારભાઈ પટેલે બાઈક ચાલક બાબુભાઈ સુખાભાઈ ચૌહાણ અને અશ્વિન બાબુભાઈ ચૌહાણ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જ્યારે બાબુભાઈ ચૌહાણે કાર ચાલક કાન્તીભાઈ પટેલ વિરૂદ્ધ પોલીસ મથકે ફરિયાદની અરજી આપી હતી. ડુંગરી પોલીસે બંને પક્ષની અરજી મેળવી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...