ફરજ પર બેદરકારી:ભિલાડ ચેકપોસ્ટ ઉપર ફરજ પર બેદરકારી સામે આવી, LRD અને હોમગાર્ડ જવાન સહિત દારૂની સગેવગે કરનારા સામે ફરિયાદ

વલસાડ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કારમાંથી દારૂની બોટલ પકડ્યા બાદ પણ કાર ચાલકને અટકાવવાની જગ્યાએ છોડી મુક્યો હતો
  • CCTVમાં ઘટના કેદ થતા LCBએ તપાસ હાથ ધરી LRD અને હોમગાર્ડ જવાન સહિત 4 સામે કાર્યવાહી કરી

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં આવેલી શ્રીખંડી ચેકપોસ્ટ ઉપર વાહન ચેકીંગ દરમિયાન LRD અને હોમગાર્ડ જવાને એક કારમાંથી દારૂની એક બોટલ પકડ્યા બાદ કાર ચાલક ઉપર કેસ કરી અટકાવવાની જગ્યાએ તેને છોડી મુક્યો હતો. આ સમગ્ર ઘટના નેત્રમ કમાન્ડ કંટ્રોલના CCTVમાં કેદ થઈ હતી. જેથી વલસાડ LCBએ ભિલાડ RTO પાસે પોલીસ જવાનોની મદદ મેળવીને કારના ચાલકને અટકાવી તપાસ હાથ ધરી હતી. જે બાદ LRD અને હોમગાર્ડ જવાનની ફરજ ઉપર બેદરકારી સામે આવતા આ બે જવાન તેમજ કારમાં સવાર 2 લોકો સહિત કુલ 4 લોકો સામે FIR નોંધવામાં આવી છે.

ઉમરગામ તાલુકાની ભિલાડ પોલીસના જવાનો દમણ તરફથી આવતા વાહનોનું ચેકીંગ હાથ ધર્યું હતું. જે દરમિયાન દમણ તરફથી આવતી કાર નંબર MH-04-KL-1712ને અટકાવી ચેક કરતા પોલીસ જવાનોને કારમાંથી શંકાસ્પદ વસ્તુ મળી આવી હતી. ત્યારબાદ શ્રખંડી ચેકપોસ્ટ પાસે આવેલા તંબુમાં કાર ચાલકને બોલાવી પોલીસ જવાનોએ કંઈક વાતચીત કરી હતી. ત્યારબાદ કાર ચાલકે કારમાંથી શંકાસ્પદ વસ્તુ નજીકની ખાડીમાં ફેકતો શ્રીખંડી ચેકપોસ્ટ આગળ લાગેલા CCTVમાં કેદ થયો હતો.

આ ઘટનાને લઈ નેત્રમ કમાન્ડ કંટ્રોલની ટીમે તાત્કાલિક વલસાડ LCBના PIને જાણ કરી હતી. જેથી વલસાડ LCBના PI J.N ગૌસ્વામીએ ભિલાડ RTO ચેકપોસ્ટ ઉપર ફરજ બજાવતા પોલીસ જવાનોને કારનો નંબર આપી કારને અટકાવવા સૂચના આપી હતી. જેથી ચેકપોસ્ટ ઉપર પસાર થતી કારને પોલીસ જવાનોએ અટકાવી પ્રાથમિક પૂછપરછ કરતા તેમને શ્રીખંડી ચેકપોસ્ટ આગળ એક અડધી બોટલ બચેલો દારૂનો જથ્થો નજીકની ખાડીમાં નાખ્યો હોવાની જણાવ્યું હતું.

આ સમગ્ર ઘટના અંગે કાર ચાલક અને એક મહિલાને શ્રીખંડી ચેકપોસ્ટ ઉપર લાવી તપાસ હાથ ધરી હતો. ભિલાડ પોલીસે કાર ચાલક અને મહિલા સામે દારૂ લઈ જવા અંગે FIR નોંધાવી હતી. સાથે શ્રીખંડી ચેકપોસ્ટ ઉપર ફરજ બજાવતા LRD અને હોમગાર્ડ જવાનની ફરજ ઉપર બેદરકારી દાખવવા બદલ બંને કર્મચારીઓ સામે પણ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...