વલસાડમાં મોગરાવાડી અને અબ્રામા ઝોન અને ઇસ્ટ રેલવે યાર્ડથી પોલીસ હેડક્વોર્ટર્સ સુધીના રોડ ઉપર આડેધડ માર્જિનમાં લારીગલ્લા કેબિનોના દબાણો વધી જતાં ચીફ ઓફિસરે તાત્કાલિક દૂર કરવા બાંધકામ શાખાને લેખિત સૂચના જારી કરી છે.
વલસાડ નગરપાલિકાની હદમાં આવતા મોગરાવાડી અને અબ્રામા ઝોનમાં ઝડપથી વિકાસ થઇ રહ્યો છે.આ વિસ્તારમાં નવી સોસાયટીઓ વધવા સાથે ધંધા રોજગાર પણ વધી રહ્યા છે.જેને લઇ આ વિસ્તારના મુખ્યમાર્ગો પર લોકોની અવરજવર પણ વધી છે.આ સંજોગોમાં આ વિસ્તારોમાં લારીગલ્લાના દબાણો વધ્યા છે.
ખાસ કરીને ઇસ્ટ રેલવે યાર્ડ થી લઇ અબ્રામા ઝોનના પોલીસ હેડ ક્વોર્ટર્સ સુધીના મુખ્ય રોડના માર્જિનમાં લારી ગલ્લા કેબિનના દબાણો બેરોકટોક વધી જતાં સામાન્ય લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.જેને ધ્યાને લઇ નગરપાલિકાના ચીફ ઓફિસરે જાહેર બાંધકામ શાખા અને સિટી ઇજનેર હિતેશ પટેલને માર્જિનમાં આવતા દબાણો દુર કરી રસ્તાની જગ્યા ખુલ્લી કરવા લેખિત આદેશ કર્યો છે.
સભ્યોની દબાણો પાછળ ભૂંડી ભૂમિકા
સીઓ શૈલેષ પટેલે મોગરાવાડી અબ્રામામાં રોડ માર્જિનના દબાણો દૂર કરવા અંગે નોંધ લેતા જણાવ્યું છે કે,મોગરાવાડી અને અબ્રામા ઝોનમાં જે માર્જિનના દબાણો થયા છે તેમાં કેટલાક પાલિકાના સભ્યો તથા નાગરિકો દ્વારા વારંવાર લારીગલ્લા,દૂકાનો, પાથરણાના દબાણો થયા છે.જેમાં વાહનચાલકોને ભારે તકલીફ સાથે અડચણ ઉભી થાય તેવી રજૂઆતો મળી છે,ઉપરાંત તેનાથી અકસ્માત થવાનો ભય દેખાતા કાર્યવાહી કરવા પર ભાર મૂકાયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.