મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 72મા વન મહોત્સવ નિમિતે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના નારગોલ બીચની નજીક આવેલા કલગામ ખાતે 21માં સાંસ્કૃતિક વનનુ લોકાર્પણ કર્યું હતું. આ અવસરે તેમણે રુદ્રાક્ષના છોડનું વાવેતર કરી વૃક્ષારોપણ પણ કર્યું હતું. આ વેળાએ મારુતિનંદન વનની જાત મુલાકાત લઈ મુખ્યમંત્રીએ વનની વિગતવાર વિગતો વન વિભાગ પાસેથી મેળવી હતી. ભારતીય સંસ્કૃતિના વેદો, પુરાણો, ઉપનિષદો જેવા પૌરાણિક ગ્રંથોમાં માનવ સમાજ અને વૃક્ષો વચ્ચેના સંબંધોનો નિર્દેશ જોવા મળે છે. પૌરાણિક કાળમાં આપણા પૂર્વજોનો વસવાટ અને સહવાસ વૃક્ષો તથા વેલાઓના સાંનિધ્યમાં રહેતો હતો. પૂર્વજોએ પ્રાચીન સમયથી આ વિષયોનો ગહન અભ્યાસ કરી આ અંગેની માહિતી સંગ્રહિત કરી છે. પૂર્વજોને સુખ, શાંતિ, સમૃદ્ધિ અને આરોગ્ય માટે વૃક્ષોની અગત્યતા સમજાયેલ હતી. તેથી જ તેઓ વૃક્ષોની પૂજા કરતા હતા. હાલમાં પણ આપણા મોટાભાગના ધાર્મિક તહેવારોમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે વૃક્ષોની પૂજા થાય છે.
વૃક્ષોની માનવ સમાજ ઉપર સીધી અસર થાય છે, તેવો ઉલ્લેખ પ્રાચીન ગ્રંથો તેમજ ખાસ કરીને ચિકિત્સા શાસ્ત્રોમા છે. આજનો માનવ જ્યોતિષશાષા, વાસ્તુશાષા, આયુર્વેદ વગેરે વિષયોમાં વધુ વિશ્વાસ રાખતો થયો છે. આજના વૈજ્ઞાનિક યુગમાં આયુર્વેદિક, એલોપેથીક, હોમીયોપેથિક તેમજ બાયોકેમીકલ દવાઓ બનાવવામાં વૃક્ષો, વેલા,વનસ્પતિનાં મૂળ, છાલ, પાન, ફૂલ, ફળ ઉપયોગી થાય છે, તે સર્વવિદિત હકીકત છે. કેટલાક વૃક્ષોનું વાવેતર કરવાથી અનિષ્ટ તત્ત્વો દૂર થાય છે અને વ્યક્તિના જીવન ઉપર તેની હકારાત્મક અસર થતી હોવાની પણ માન્યતા છે. વૃક્ષોની આવી અસરો વિશે આધુનિક વિજ્ઞાન કદાચ સંમત ન પણ થાય. પરંતુ આપણી પરંપરાથી ચાલી આવતી માન્યતાઓ તેમજ આપણા પ્રાચીન ગ્રંથોમાં દર્શાવ્યા પ્રમાણે દરેક ગ્રહ, નક્ષત્ર, રાશિ સાથે તેનું આરાધ્ય વૃક્ષ સંરક્ષણથી માનવ સમાજ ઉપર તેની હકારાત્મક અસર થાય છે. ભારતીય સંસ્કૃતિમાં દર્શાવેલા માનવ અને વૃક્ષોના સંબધોને ઘ્યાને લઇ, દેશના વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ આપણા પ્રાચીન ગ્રંથોમાં દર્શાવ્યા પ્રમાણે દરેક ગ્રહ, નક્ષત્ર, રાશિ અનુસાર વર્ષ 2004થી રાજયના પાટનગર ગાંધીનગર ખાતેથી પુનિત વનથી શરૂ કરેલા વનો અંતર્ગત રાજયમાં અત્યાર સુધી આવા 20 જેટલા વનો બનાવવામાં આવ્યા છે. જે અનુસાર માંગ્લય વન, તિર્થંકર વન, હરિહર વન, ભકિત વન, શયામલ વન, પાવક વન, વિરાસત વન, ગોવિંદ ગુરૂ સ્મૃતિ વન, નાગેશ વન, શકિત વન, જાનકી વન, મહિસાગર વન, આમ્ર વન, એકતા વન, શહીદ વન, વિરાંજલી વન, રક્ષક વન, જડેશ્વર વન અને રામ વનનો સમાવેશ થાય છે. ભારતની વિવિધ સંસ્કૃતિઓને ધ્યાનમાં રાખી કરવામાં આવેલા વૃક્ષ વાવેતરોને સામાન્ય રીતે સાંસ્કૃત્તિક વનો તરીકે ઓળખવામાં આવે છે. આવા વિવિધ પ્રકારના વૃક્ષોનું મહત્ત્વ માનવજીવનના આરોગ્ય સાથે સંકળાયેલું છે.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં કલગામ ગામે તા.14મી ઓગસ્ટના રોજ 21મું મારૂતિનંદન સાંસ્કૃતિક વન ખુલ્લું મુકવામાં આવ્યું હતું. આ વન 10 એકર જમીનમાં 18 મીટર લાંબા અને 9 મીટર ઊંચાઇ ધરાવતા ધોલપુર સ્ટોન લગાવેલા ભવ્ય પ્રવેશદ્વારવાળું, નિર્માણ કરવામાં આવ્યું છે. આ વનમાં વિવિધ 135 જાતની જુદી જુદી વનસ્પતિઓના કુલ 27.54 લાખ રોપાઓનું વિવિધ વનો અંતર્ગત વાવેતર કરાયું છે. જેમાં નવગ્રહ વન, નક્ષત્ર વન, રાશિ વન, સંજીવની વન, બટરફલાય ગાર્ડન, સિંદુરીવન, પંચવાટિકા, ચિરજીંવી વન, યોગા ગાર્ડન, મેઝ ગાર્ડન, ગાર્ડન ઓફ ફેગરેન્સ, કિષ્કિન્ધા વન અને ગાર્ડન ઓફ કલર્સ વગેરે વનોનો સમાવેશ થાય છે.
આ બધા વનોને જોડતો 852 મીટર લાંબો અને 3 મીટર પહોળાઇ ધરાવતો પાથ- વે તથા 700 મીટર લંબાઇ અને 3 મીટર પહોળાઇનો સર્વિસ રોડ પણ બનાવાયો છે. આ બે ભાગોને જોડતા રામ-સેતુ અને લક્ષ્મણ-ઝૂલાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
આ વનોમાં નવ ગ્રહ આધારિત નવગ્રહ વન, નક્ષત્ર આધારિત નક્ષત્ર વન, રાશિ આધારિત રાશિ વન, પાંચ પવિત્ર છાંયાવાળા ઘટાદાર વૃક્ષોનું પંચવાટિકા વન, બાળકો માટે બટરફલાય વન, કેસરી રંગના વૃક્ષો ધરાવતું સિંદૂરી વન, જુદા જુદા પ્રકારની ખાસ સુગંધવાળા મનુષ્યના શરીરના રોગો દૂર કરનારા ગાર્ડન ઓફ ફેગરેન્સ વન, કર્મયોગી વન, રંગબેરંગી ફૂલો ધરાવતાં ગાર્ડન ઓફ કલર્સ વન, રામાયણમાં દર્શાવેલા કિષ્કિંન્ધા વન, માનવ શરીરના 7 ચક્રો આધારિત સંજીવની વન, મેઇઝ ગાર્ડન, યોગા ગાર્ડનનો સમાવેશ થાય છે.
આ વનમાં પ્રવાસીઓ માટે ફૂડ પ્લાઝા, શૌચાલય, લોન એરિયા, બાળકોના આનંદપ્રમોદ માટે બાલવાટિકા અને વિવિધ રમત- ગમતના સાધનો મૂકવામાં આવ્યા છે. સહેલાણીઓ માટે બેઠક વ્યવસ્થા અને ગઝીબો તથા વાહનો માટે વિશાળ પાર્કિગની સુવિધા કરવામાં આવી છે. આ વન દમણથી 15 કિ.મી. સેલવાસથી 30 કિ. મી. અને નારગોલ બીચથી 14 કિ. મી. ના અંતરે આવેલું છે. મારૂતિ વન બનાવવાથી કલગામ વિસ્તારમાં ટુરિઝમ વધશે અને સ્થાનિક લોકોને રોજગારીની વધુ તકો મળી રહેશે. સાથે ઉમરગામ ખાતે આવેલા બીચ ઉપર પણ વિકાસ થશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.