રોષ:વેક્સિન મહાઅભિયાનમાં રાત્રે 12 સુધી કામગીરી માટે CDHOનો તઘલખી ફતવો

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કર્મી-અધિકારીઓમાં રોષ, બે દિવસ રજા પણ મંજૂર નહી

જિલ્લામાં 17 સપ્ટેમ્બરે વેક્સિન માટે આરોગ્ય અધિકારીના તઘલખી ફતવાથી આરોગ્ય વિભાગમાં ભારે ચકચાર જાગી છે. આરોગ્ય વિભાગને સરકારે 17 સપ્ટેમ્બરે 1.50 લાખ ડોઝની ફાળવણી કરી છે. શુક્રવારે દોઢ લાખ ડોઝ આપવા માટે આરોગ્ય અધિકારી ડો.અનિલ પટેલે એક સર્કયુલર જારી કર્યો છે.

જેમાં તમામ અધિકારીઓ, કર્મચારીઓ, આરોગ્ય કેન્દ્રો, તાલુકા હેલ્થ કચેરી, અર્બન આયુષ મેડિકલ ઓફિસરો, આરબીએસકે મેડિકલ ઓફિસરો, સીએચઓ, ટેક્નિશ્યનો, ફાર્માસિસ્ટ, નર્સિસ, હેલ્થ વર્કરો, ઓપરેટરો, સામુહિક આરોગ્ય કેન્દ્રના અધિકારીઓ અને કર્મચારીઓએ વેક્સિનેશનની કામગીરી કરવાની રહેશે તેવો આદેશ કરાયો છે.

શુક્રવારે વેક્સિનેશનની કામગીરી સવારે 7 થી શરૂ કરી મોડી રાત્રે 12 વાગ્યા સુધી ચાલૂ રાખવાની રહેશે તેવો હુકમ કરતા આરોગ્ય વિભાગમાં ભારે રોષની લાગણી ઘૂઘવાઇ રહી છે.સીડીએચઓના આ નિર્ણયને તઘલખી માનવામાં આવી રહ્યું છે.

સરકારના આદેશ વિના CDHOનો હુકમ
આરોગ્ય અધિકારીએ વેક્સિન માટે કર્મંચારીઓ અને અધિકારીઓને જે વિવાદાસ્પદ હુકમ કર્યો છે તે પત્રમાં સરકાર દ્વારા આવી કોઇ સૂચના કે હુકમ કરાયો છે કે કેમ તેનો કોઇ ઉલ્લેખ કર્યો નથી. તો કયા આધારે સીડીએચઓએ કર્મચારીઓ માટે આ હુકમ કર્યો છે તેની કોઇ સ્પષ્ટતા કરી નથી. સરકારના ઉપરવટ જઇને આ હુકમ કરાયો છે કે કેમ તેવા પણ તર્કો ઉઠ્યા છેે.

મહિલા કર્મચારીઓની સુરક્ષાનો સવાલ
જિલ્લામાં 52 PHC,10 CHCમાં નર્સિંગ સ્ટાફ,ફિમેલ હેલ્થવર્કરો ફરજ બજાવી રહ્યા છે તેમજ વેક્સિન મહાઅભિયાનમાં જિલ્લામાં આંગણવાડીઓ સહિત નક્કી કરાયેલી 400 સેશન સાઇટ પર પહોંચી ફરજ બજાવતી મહિલા કર્મચારીઓ માટે સીડીએચઓનો આ ફતવો મુસીબત ઉભી કરનાર બની રહે તેમ છે.તાલુકા સ્તરના ઉંડાણના ગામડાઓના આરોગ્ય કેન્દ્રોમાં રાત્રે 12 વાગ્યા સુધી મહિલા કર્મચારીઓ કેવી રીતે રોકાશે તેમની સુરક્ષા અને ત્યાંથી પરત આવવા માટે સલામતીનું શું થશે તેની આ ફતવો જારી કરતા પહેલા કોઇ વિચારવિમર્શ કરાયો નથી તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.

અન્ય સમાચારો પણ છે...