વલસાડ શહેરના વોર્ડ નં.2માં ગટરના બાંધકામમાં સ્લેબ નાંખવા કપચીનો ભૂકો અને સાગોળ જેવું મિશ્રણ નિકળતાં સ્લેબ બેસી પડવાની ઘટનામાં જાગૃત નાગરિકોએ વલસાડ પાલિકાના સીઓને કડક કાર્યવાહી કરવા દાદ માગી છે. ગટરના આ કામમાં કોન્ટ્રાકટરે વેઠ ઉતારી હોવાનું માલૂમ પડતાં પાલિકાના માજી પ્રમુખ રાજૂ મરચાં સ્થળ પર પહોંચી નિરીક્ષણ કરતા સ્લેબમાં તિરાડો નજરે પડી હતી. ગટરના સ્લેબની ચકાસણી કરતા કપચીનો પાવડર અને સાગોળ જેવું ભેળસેળ જણાયું હતું.
ઘટનાના કારણે સ્થાનિક રહીશોમાં પણ રોષ વ્યાપી ગયો હતો.છેવટે રાજૂ મરચાં અને પાલિકાના સ્થાનિક સભ્ય ઉર્વશી પટેલે કામ બંધ કરાવી દીધું હતું. અને આખો સ્લેબ તોડવો પડશે તેમ જણાવ્યું હતું. ભ્રષ્ટ કામગીરી સામે પગલાં ભરવા એક જાગૃત નાગરિકે પાલિકાના ચીફ ઓફિસર સંજય સોની અને પ્રમુખને ઉદ્દેશી ફરિયાદ કરી કામમાં ગોબાચારી થઇ હોવાનો આક્ષેપ સાથે સીએમ,શહેરીવિકાસ અને પ્રાદેશિક નગરપાલિકા કમિશનર સમક્ષ પણ લેખિત જાણ કરી તપાસની માગ કરી છે.
ઓર્ડર રદ કરી કામોની ગેરંટી આપવા પણ મુદ્દો ઉઠાવાયો
પાલિકાના જે કોઇ કોન્ટ્રાકટરો કામો કરે તેની ગેરંટી માગવાનો પણ મુદ્દો રજૂ કરાયો છે.જે કામો હાથ ધરવામાં આવે છે તેની ગેરંટી પણ આપવામાં આવે તેવી માગ કરાઇ છે.જે કોન્ટ્રાકટરે આ તકલાદી ગટર બનાવી છે તેનો ઓર્ડર રદ કરી ડિપોઝિટ જપ્ત કરવા અને જે કામો કોન્ટ્રાકટર દ્વારા થાય છે તેની ગેરંટી માગવામાં આવે તેવી રાવ કરાઇ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.