દારૂ લેવા પડાપડી:વલસાડના ડુંગરી હાઈવે પર દારૂ ભરેલી કાર પલટી, રાહદારીઓએ હાથમાં આવી એટલી બોટલો લઈ ચાલતી પકડી

વલસાડએક મહિનો પહેલા
  • દારૂ લઈ જઈ રહેલા કારમાં સવાર લોકો કાર મૂકી નાસી છૂટ્યા
  • પોલીસ પહોંચી ત્યારે કારમાં દારૂ અને બીયરના ખાલી ખોખા જ મળ્યા હોવાની ચર્ચા

વલસાડ જિલ્લાના ડુંગરી નેશનલ હાઈવે પર આજે ધોળે દિવસે દારૂબંધીના લીરેલીરા ઉડતા જોવા મળ્યા હતા. દમણથી સુરત તરફ જઈ રહેલી એક ક્રેટા કાર પલટી ખાઈ ગયા બાદ રસ્તા પર દારૂની રેલમછેલ થતા રાહદારીઓએ તક ઝડપી દારૂની બોટલો લઈ ચાલતી પકડી હતી. દારૂબંધી હોવા છતા કેટલાક લોકોએ દારૂની બોટલો લેવા માટે રીતસરની પડાપડી કરી હતી. જેનો વીડિયો હાલ વાઈરલ થયો છે. પોલીસ દારૂની હેરાફેરી કરી રહેલા કારચાલકો ઉપરાંત વીડિયોમાં દેખાતા લોકો સામે પણ કાર્યવાહી કરે તેવી શક્યતા છે.

રસ્તા પર દારૂની રેલમછેલ થતા રાહદારીઓએ તક ઝડપી
દમણ તરફથી GJ05-GO-7205 નંબરની ક્રેટા કાર પુરપાટ ઝડપે ડુંગરી નેશનલ હાઈવે પરથી પસાર થઈ રહી હતી. ડુંગરી બ્રિજ ઉતરતી સમયે કોઈ કારણોસર કાર ડિવાઈડર સાથે અથડાતા પલટી ગઈ હતી. કારમાં સવાર લોકોને તો સામાન્ય ઈજા થઈ હોય દારૂના જથ્થા સાથેની કાર મૂકી નાસી છૂટ્યા હતા. રસ્તા પર દારૂની રેલમછેલ થતા જ કેટલાક રાહદારીઓએ તક ઝડપી લીધી હતી અને હાથમાં જેટલી બોટલો આવી એટલી લઈને ચાલતી પકડી હતી. લોકોએ પોલીસનો કોઈ ડર રાખ્યા વગર જ દારૂની બોટલો લેવા પડાપડી કરતા જોવા મળ્યા હતા.

દારૂ લેવા કરાયેલી પડાપડીનો વીડિયો વાઈરલ
સોશિયલ મીડિયામાં જે વીડિયો વાઈરલ થયો છે. તેમાં 20થી વધુ લોકો દારૂની બોટલો લેવા માટે પડાપડી કરતા જોવા મળી રહ્યા છે. મોડા પહોંચેલા કેટલાક લોકો તો કારની અંદર ડોકિયું કરતા પણ જોવા મળ્યા હતા. જેથી અંદર એકાદ-બે બોટલ રહી ગઈ હોય તો તે પણ લઈ જવા થાય. સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલા આ વીડિયોને જોઈ લોકો હસી રહ્યા છે. તો સાથે દારૂબંધીના કાયદાને લઈ સવાલો પણ ઉઠી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...