સામા ચોમાસે માથાનો દુ:ખાવો:વલસાડમાં ડ્રેનેજના તુટેલા ચેમ્બરો જોખમી,નવા નાંખવા નગરપાલિકાના ડ્રેનેજ શાખાની બેદરકારી

વલસાડ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રસ્તા પર ડ્રેનેજ ગટર ચેમ્બરના ઢાંકણાં તૂટેલાં રહેતા અકસ્માતની ભીતિ, ચોમાસામાં ખુલ્લી ગટરમાં માનવ કે પ્રાણી ગરક થવાની સંભાવના

વલસાડમાં ચોમાસા પહેલા પાલિકા ગટર સફાઇના કામો હાથ ધરવા મોટાપાયે આયોજન કરાયું હતું.જેમાં ડ્રેનેજ ગટરોની સફાઇ અને કચરા,કાદવ ઉલેચવા માટેની કામગીરી શરૂ કરાઇ હતી,પરંતુ તૂટેલા ચેમ્બરોને બદલવા માટેની ફુરસદ હજી પાલિકાને મળી નથી.પાલિકાના સીઓ સંજય સોની દ્વારા ડ્રેનેજ શાખાને કડક સૂચનાઓ આપી આ કામો ચોમાસા પહેલા પૂરાં કરી દેવા માટે તાકીદ કરી હતી.તેમ છતાં ડ્રેનેજ શાખા દ્વારા હજી ચેમ્બરો બદલવા માટે આયોજન કરાયું નથી.

વલસાડ શહેરના દાણાબજારમાં ડ્રેનેજ ચેમ્બરના ઢાંકણા બેસી ગયા છે કેટલાક તૂટી ગયા છે જેમાંથી ડ્રેનેજના પાણી ઉભરાતા રસ્તા પર પણ દૂષિત પાણી ફેલાતાં વેપારી લત્તામાં ચોમાસામાં વધુ મુશ્કેલી ઉભી થવાની ફરિયાદ ઉઠી છે.વેપારીઓએ 2 સપ્તાહથી પાલિકાના ડ્રેનેજ વિભાગને રજૂઆાતો કરી મરામત કામ અને ચેમ્બરના તૂટેલા ઢાંકણાં બદલવા માટે ટહેલ નાખી હતી.આ શાખાના કર્મચારીઓ દ્વારા હા હવાલો કર્યા પછી પણ કોઇ કાર્યવાહી કરવામાં ન આવતાં વેપારી આલમમાં રોષની લાગણી ફેલાઇ છે.

દાણાબજારના તૂટેલા ચેમ્બર જોખમી
વલસાડના દાણાબજારમાં દશેરા ટેકરી ઉતરતાં વૈભવ કોમ્પલેક્ષ સામે રોડની બાજૂમાં પસાર થતી ડ્રેનેજ લાઇનના ચેમ્બરના ઢાંકણાં બેસી ગયા છે.કેટલાક ઢાંકણા તૂટી ગયા છે.જે માટે પાલિકાની ડ્રેનેજ શાખામાં ફરિયાદ કરવામાં આવી હતી ત્યારે મરામત કામગીરી કરવા હૈયાધરપત આપી હતી,પરંતું બે સપ્તાહથી વધુ સમય થઇ ગયો છતાં છીપવાડના દાણાબજારમાં હજી આ કામો પાર પાડવા પાલિકાના કર્મચારીઓને સમય મળ્યો નથી.

આરસીસી ઢાંકણ નાંખ્યા તે પણ તૂટી ગયા
વલસાડ શહેરમાં રોડ પર ડ્રેનેજ ચેમ્બરો તૂટી ગયા છતાં પાલિકા દ્વારા ચેમ્બરના નવા ઢાંકણાના બદલે સિમેન્ટ આરસીસી ઢાંકણા નાંખવામાં આવ્યા છે.જેના કારણે રોડ પર પસાર થતાં વાહનો આ ચેમ્બરો ઉપરથી જતા આરસીસી ઢાંકણાં તૂટી ગયા છે.

ચેમ્બર ઉભરાતાં પાણી રસ્તા પર અને મચ્છરોનો ઉપદ્રવ ‌‌‌વધી રહ્યો છે
તૂટેલા ચેમ્બરોમાંથી સવારના સમય દરમિયાન વપરાશી અને દૂષિત પાણી ઉભરાઇને બહાર નિકળી આવતાં પાણી ફેલાઇ રહ્યું છે.જેના કારણે વેપારીઓની દૂકાને આવતા ગ્રાહકો તથા દૂકાનદારોને દુર્ગંધનો સામનો કરવો પડી રહ્યો છે.આ સાથે બંધિયાર પાણી થતાં મચ્છરોનો પણ ઉપદ્રવ થતાં આસપાસના રહીશોના આરોગ્યને નુકસાન થવાનો ભય સતાવી રહ્યો છે.

ચોમાસામાં પાણીને લઇ સમસ્યા સર્જાશે
કેટલાક ચેમ્બરો ઉભરાતા રોડ પર દૂષિત પાણી આરોગ્યને પણ જોખમાવી રહ્યા છે.વિસ્તારક ધારાસભ્ય આર.સી.પટેલ વલસાડ આવ્યા હતા ત્યારે રજૂઆતો કરાઇ છે.હવે પાલિકા ચોમાસા પહેલા નવા ચેમ્બર નહિ નાંખે તો વરસાદમાં આ ચેમ્બરોથી વધુ સમસ્યા સર્જાશે અને ગંદા પાણી રોડ પર ફેલાઇ જશે. - સમીર મપારા,પ્રમુખ, છીપવાડ હોલસેલ વેપારી એસોસિએશન

પ્રશ્નોનો રિપોર્ટ રજૂ કરવા સૂચના આપી છે
વલસાડમાં વોર્ડમાં જ્યાં પણ પ્રાથમિક સુવિધાના જે પ્રશ્નો જોવામાં આવે તો સફાઇ,ડ્રેનેજ સહિતની કામગીરી માટે જે તે વોર્ડના સુપરવાઇઝરોને જાતે જ આ બાબતે પાલિકાને રિપોર્ટ કરવા જણાવાયું છે.આવા તમામ પ્રશ્નોનું રિપોર્ટિંગ આપવા અને તેનો નિકાલ થયો કે નહિ તેનો પણ રિપોર્ટ રજૂ કરવા તાકીદ કરાઇ છે.જો કામગીરીમાં વધુ વિલંબ થાય તો કાર્યવાહી કરવામાં આવશે. - સંજય સોની, ચીફ ઓફિસર

અન્ય સમાચારો પણ છે...