વલસાડ જિલ્લામાં જિલ્લા વિકાસ અધિકારી મનીષ ગુરવાનીની પ્રેરણાથી સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં બાળકોની મૌખિક અભિવ્યક્તિ વિકસાવવા, ‘બોલેગા બચપન' અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત જિલ્લાના કપરાડા તાલુકાના ખડકવાળ ગામની સુંદર ફળીયા પ્રાથમિક શાળામાં ‘બોલેગા બચપન' કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમ ધો.1-2, ધો.3-5 અને ધો.6-8 એમ ત્રણ વિભાગમાં આયોજિત કરાયો હતો. જેમાં ક્લસ્ટર રિસોર્સ સેન્ટર મનાલા હસ્તક આવતી શાળાઓના શાળાના 33 જેટલા વિદ્યાર્થીઓ એ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં ત્રણેય વિભાગોમાં પ્રથમ ત્રણ વિજેતાઓને દાતાઓ ઓ.એન.જી.સી.ના પરિમલભાઈ પટેલ અને શાળાના શિક્ષિકા ભાવનાબેન પટેલના સહયોગથી અનુક્રમે રૂ.200, 150 અને 100 નું પ્રોત્સાહક ઇનામ અને તેમજ શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી.
ખડકવાળ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ભાગ લેનારા વિદ્યાર્થીઓને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર એનાયત કરાયા હતા. આ કાર્યક્રમના સફળ આયોજનમાં મનાલા ક્લસ્ટરના સી.આર.સી. સંજયકુમાર મકવાણા, બિલોનીયા પ્રા. શાળાના સુનિલભાઈ પટેલ, ખડકવાળ પ્રાથમિક શાળાના ભાવનાબેન, બુરલા ત.ફ. પ્રાથમિક શાળાના નારણભાઇ જાદવ સહિત મનાલા ક્લસ્ટરની શાળાઓનો સહયોગ પ્રાપ્ત થયો હતો. ઉલ્લેખનીય છે કે, વિદ્યાર્થીઓનું ભવિષ્ય સુધરે અને ભવિષ્યમાં શ્રેષ્ઠ વક્તા તરીકે નામના મેળવી શકે તેવા શુભ આશયથી મનાલા કલસ્ટરની તમામ 13 શાળાઓમાં પણ અગાઉ આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.