સરપંચ સંમેલન:કપરાડા અને ધરમપુર ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં વિજેતા થયેલા ભાજપ સમર્થિત સરપંચોનું નાના પોઢા ખાતે સન્માન કરાયું

વલસાડ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તાલુકાઓ સમરસ થયેલી ગ્રામ પંચાયતોના સરપંચ અને સભ્યોનું સન્માન કરવામાં આવ્યું

વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડા તાલુકાની ગ્રામપંચાયના વિજેતા સરપંચો અને સમરસ ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્યોનું સન્માનનો કાર્યક્રમ જિલ્લાના નાનાપોઢા ખાતે રાજ્યના નાણાંમંત્રી અને પાણી પુરવઠા મંત્રીની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં ધરમપુર અબે કપરાડા વિસ્તારના નવા ચૂંટાઈ આવેલા સરપંચો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સન્માન સમારોહમાં સમરસ બનેલી પંચાયતના સરપંચ અને સભ્યોનું વિશેષ સમરસ પંચાયત તરીકે સન્માન કરવામાં આવ્યું હતું.

વલસાડ જિલ્લાના કપરાડા અને ધરમપુર તાલુકાના વિજેતા સરપંચોનો સન્માન સમારંભ નાનાપોઢા ખાતે યોજાયો હતો. આ પ્રસંગે રાજ્યના નાણા ઊર્જા અને પેટ્રોકેમિકલ મંત્રી કનુભાઇ દેસાઇ ,રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી નરેશભાઈ પટેલ અને રાજ્યના નર્મદા કલ્પસર અને પાણી પુરવઠા મંત્રી જીતુભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. વલસાડ જિલ્લાની 302 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઇ હતી. આથી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વિજેતા સરપંચો અને સભ્યોના સન્માન સમારંભ યોજાઇ રહ્યો છે. ત્યારે આજે ભાજપ દ્વારા કપરાડા તાલુકાના નાનાપોંઢા માં કપરાડા અને ધરમપુર તાલુકાની ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં વિજેતા થયેલા સરપંચો અને ગ્રામ પંચાયતના સભ્યોનો સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો. આ સાથે જ આ તાલુકાઓમાં પણ સમરસ થયેલી ગ્રામ પંચાયતોના પણ સરપંચ અને સભ્યોનું મંત્રીઓના હસ્તે જાહેર સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ઉપસ્થિત મંત્રીઓએ વિજેતા સરપંચોને ગામના વિકાસ માટેની તમામ મદદ કરવાની ખાત્રી આપી હતી. મહત્વપૂર્ણ છે કે રાજ્ય સરકારના પ્રધાનમંડળમાં વલસાડ જિલ્લાના મંત્રીઓ એવા જીતુભાઈ ચૌધરી અને નાણા મંત્રી કનુભાઇ દેસાઇનો સમાવેશ થાય છે. આથી બંને મંત્રીઓએ છેવાડાના એવા કપરાડા અને ધરમપુર તાલુકાના આદિવાસી વિસ્તારોની ગ્રામ પંચાયતો માં ગામના વિકાસ માટેની સરકાર તરફ થી તમામ મદદની ખાત્રી આપી હતી. આમ વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપે હવે પક્ષ તરફી માહોલ બનાવવાના પ્રયાસ શરૂ કર્યો છે. અને નવા વિજેતા સરપંચોને પણ વિશ્વાસમાં લેવા ભાજપ ના અગ્રણીઓ અને જિલ્લાના મંત્રીઓ દ્વારા પ્રયાસો કરાઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...