એવોર્ડથી સન્માનીત કરાયા:ધરમપુરના ભગવતાચાર્ય શરદભાઇ વ્યાસને મોરારીબાપુના હસ્તે "વ્યાસ એવૉર્ડ" અર્પણ કરાયો

વલસાડ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રામાયણ અને મહાભારત ટીવી સિરિયલના નિર્માતાના પ્રતિનિધિઓ સહિત કુલ 9ને એવોર્ડથી નવાજ્યા

મોરારીબાપુ દ્વારા દર વર્ષે રામચરિત માનસ શ્રીમદ ભાગવત તથા વાલ્મિકી રામાયણના વિદ્વાનો અને આ ક્ષેત્રમાં સેવા પ્રદાન કરનાર સંસ્થાઓની વિશિષ્ટ રીતે વંદના કરવા તુલસી એવોર્ડ, વ્યાસ અને વાલ્મિકી એવોર્ડ અર્પણ કરવામાં આવે છે. ત્યારે ધરમપુરના ભગવતાચાર્ય શરદભાઈ વ્યાસને પણ આ "વ્યાસ એવોર્ડ"થી નવાજવામાં આવતા ધરમપુર અને આસપાસના પંથકમાં ખુશીની લાગણી જોવા મળી હતી.

આ ભૂમિ પર આ ઉપક્રમ સતત પ્રજવલિત રહેઃ મોરારીબાપુ
એવોર્ડ સમારંભમાં મોરારીબાપુએ જણાવ્યું કે, આ ત્રિભુવન ગ્રંથનું જે વિદ્વાનો પોતાના મુખથી ગાયન કરી રહ્યાં છે તે બધાં જ મહંતજનોની 'પાદુકા અભિષેક' કરવાનું ખૂબ ગમે છે. આ એવોર્ડ ઉપક્રમ તે માત્ર એક કડીરૂપ માધ્યમ છે. પરંતુ વાસ્તવમાં આપ સૌની વંદના અંદરથી ઊર્જાના ભાવો પ્રગટ કરે છે. "શાયરી તો સિર્ફ બહાના હૈ અસલી મકસદ તો આપકો રીજાના હૈ" તલગાજરડા ઇચ્છે છે કે, આ ભૂમિ પર આ ઉપક્રમ સતત પ્રજવલિત રહે.

આ એવોર્ડનો સંપૂર્ણ શ્રેય ભગવાન વેદ વ્યાસજીને જાય છેઃ શરદ વ્યાસ
કથાકાર શરદભાઈ વ્યાસે પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું કે, આ સન્માન દીર્ઘકાલીન ભાગવતજીની સેવા અને મોરારીબાપુની પ્રેમસભર લાગણીનુ પરિણામ છે. મારા આ એવોર્ડનો સંપૂર્ણ શ્રેય ભગવાન વેદ વ્યાસજીને જાય છે. આ એવોર્ડ પ્રાપ્ત કરનાર મહાનુભાવને સૂત્રમાલા, પ્રશસ્તિપત્ર અને સવા લાખ રૂપિયાની ભાવરાશિથી ભાવવંદના કરવામાં આવે છે. આવાં વિવિધ ક્ષેત્રોમાં પોતાનું યોગદાન કરનાર 9 મહાનુભાવોને પસંદ કરીને તેની વંદના મોરારીબાપુના સાનિધ્યમાં કૈલાશ ગુરુકુળ મહુવાના જગતગુરૂ આદિ શંકરાચાર્ય સંવાદ સભાગૃહમાં કરવામાં આવી. જ્યાં ધાર્મિક અને આધ્યાત્મિક જગતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
એવોર્ડ પ્રાપ્ત કરનારાં વિદ્વાનો
વાલ્મીકિ એવોર્ડઃ જગદગુરુ રાઘવાચાર્યજી મહારાજ (અયોધ્યા),

વિજયશંકર દેવશંકર દયાશંકર પંડ્યા (અમદાવાદ), રામાયણ સીરીયલના નિર્માતા સ્વ.રામાનંદ સાગરને અપાયેલો એવોર્ડ તેમના પુત્ર પ્રેમસાગરે સ્વીકાર્યો.

વ્યાસ એવોર્ડઃ ભાગવતાચાર્ય શરદભાઈ વ્યાસ (ધરમપુર),

આચાર્ય ગોસ્વામી મૃદુલ કૃષ્ણજી મહારાજ (વૃંદાવન)ના પ્રતિનિધિ ઉમાશંકરજીને તથા મહાભારત સીરીયલના નિર્માતા બી. આર. ચોપરાનો એવોર્ડ તેના પ્રતિનિધિ પ્રીતિબેન વખારીયાએ સ્વીકાર્યો.

તુલસી એવોર્ડઃ રામબેન હરિયાણી (જયપુર), મુરલીધરજી મહારાજ (ઓમકારેશ્વર) અને મહંત રામ હૃદયદાસજી (ચિત્રકૂટ ધામ સતના મધ્યપ્રદેશ)ની ભાવવંદના થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...