તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઔરંગા જેટી ભયજનક:કૃત્રિમ કુંડ બનાવવા પહેલા ઔરંગા ઓવારાનો ભયજનક નજારો

વલસાડ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 60 વર્ષથી આ જગ્યાએ નવિનીકરણ થયું નથી, ઓવારાના પીલરો ખારા પાણીના કારણે સડી ગયા
  • કોવિડ-19ની ગાઇડલાઇનના કારણે મોટી વિસર્જનયાત્રા નહિ નિકળે પણ કાયમી કોકડું ઉકેલવા કાઉન્સિલરે કલેકટરને ઘા નાંખી
  • સરકારમાંથી ગ્રાન્ટ મેળ‌વી બ્યુટિફિકેશન કરાવવામાં પાલિકા તંત્ર ઉદાસીન

ગણેશ વિસર્જનની વાત આવે ત્યારે અચૂક વલસાડના ઔરંગાના ઓવારા અને જેટીનો પ્રશ્ન સપાટી ઉપર આવે છે.કોરોનાકાળ અગાઉ વલસાડ શહેરના 400થી વધુ નાની મોટી ગણેશ મૂર્તિઓના વિસર્જન માટ ઉપયોગી રહેલો ઔરંગાનદીના બંદરનો ઓવારો હાલે વેરાન,ભયજનક અને જર્જરિત પડ્યો છે.આ વર્ષે પણ માત્ર 15 વ્યક્તિની મર્યાદામાં ઔરંગા ઓવારે બનનારા કૃત્રિમ કુંડમાં વિસર્જનની મંજૂરીને લઇ મોટાભાગના ભક્તો વિસર્જન સ્થાપન સ્થળે કરવા સહમત થયા છે,પરંતુ ઔરંગા ઓવારાની મરામતનો મુદ્દો 60 વર્ષથી વણઉકેલ્યો પડ્યો છે.

વલસાડ શહેરને અડીને વહેતી ઔરંગાનદીના પટ ઉપર બંદર રોડ પર વર્ષોથી ગણેશ વિસર્જનની વિધિ થતી આવી છે.ગત વર્ષે તો ગણેશ ઉત્સવની ઉજવણી થઇ ન હતી અને આ વર્ષે સરકારે નાની મૂર્તિઓની સ્થાપના કરવા અને માત્ર 15 વ્યક્તિની મર્યાદામાં વિસર્જનની છુટ આપી છે.તેમાંય ઔરંગાનદીના ઓવારે કૃત્રિમ કુંડ બનાવી તેમાં મૂર્તિઓની વિસર્જન વિધિ કરવા માટે સૂચના આપવામાં આવી છે.આ સંજગોમાં બંદર રોડ ઉપર ઔરંગાના ઓવારાની હાલત છેલ્લા 10 વર્ષથી એકદમ ખાડે ગઇ છે.જેટીના પાયા દરિયાઇ પાણીમાં ખવાઇ જતા પીલરો સડી ગયા છે.

પરંતું ઓવારાની મરામત અને બ્યુટિફિકેશન માટે વલસાડ નગરપાલિકા દ્વારા આજદિન સુધી કોઇ નક્કર પ્રયાસો થયા નથી.આગામી વર્ષોમાં ગણેશોત્સવ દરમિયાન વિસર્જન કરવામાં ભક્તોને મુશ્કેલીમાંથી છુટકારો મળે તે જરૂરી છે. ગણેશ વિસર્જન માટે વલસાડ શહેરના ગણેશ ભક્તો માટે મહત્વ ધરાવતો ઔરંગા નદીના ઓવારાની યોગ્ય મરામત અને બ્યુટિફિકેશન માટે વલસાડ પાલિકાના શાસકો સરકાર પાસે ગ્રાન્ટ મેળ‌વી તેને ઉપયોગી બનાવી શક્યા નથી.

1963માં પટ ઉપર જેટી બનાવી હતી
વલસાડ ઔરંગાનદીના પટ ઉપર સરકાર દ્વારા 1963ની સાલમાં ઓવારો જેટી બનાવવામાં આવી હતી.આ જેટી ઉપર ભરતીના સમયે વહાણો લાંગરવામાં આવતા હતા.સમયાંતરે આ ઓવારાની હાલત જર્જરિત થવા માડી હતી.આ ઓવારો ગણેશ વિસર્જન માટે ભક્તો માટે ખુબ ઉપયોગી હોવા છતાં છેલ્લા 60થી વધુ વર્ષોથી તેની મરામત કાર્યવાહી સામે આંખ આડા કાન કરવામાં આવ્યા છે.

વિસર્જનમાં બ્રાહ્મણો સ્નાન કરવાનું ટાળે છે
વલસાડની ઔરંગા નદીના ઓવારે જેટીને વધુ સુવિધા સાથે નવિનીકરણ કરવામાં આવતું ન હોવાની ફરિયાદ કાઉન્સિલર પ્રવિણ કચ્છીએ કરી છે.તેમણે જણાવ્યું કે,ઔરંગા ઓવારે ગણેશ વિસર્જનના પ્રસંગે ધાર્મિક વિધિ માટે ભૂદેવો આવતા હોય છે.ગણેશજીને વિદાય આપતી વેળા કેટલાક ભૂદેવો સ્નાન કરતા હોય છે પરંતું ઔરંગાનદીનું પાણી પણ હવે પાલિકાના ડ્રેનેજનું પાણી આવતા આ કોઇ ભૂદેવ સ્નાન કરવાનું ટાળે છે.

ઔરંગાના ઓવારાનું નવીનીકરણ કરવા સરકારે ગ્રાન્ટ આપવી જોઇએ
વલસાડની ઔરંગાનદીનું બંદર ખુબ પ્રાચીન છે.અહિં સાગી લાકડા,નળિયાનો વેપાર ધમધમતો હતો.આ બંદરે આવેલો ઓવારો વર્ષોથી ગણેશ વિસર્જન માટે ઉપયોગી રહ્યો છે.વર્ષોથી આ ઓવારા અને જેટીની મરામત માટે પ્રશ્ન હોવા છતાં તે માટે પાલિકા દ્વારા કોઇ કાર્યવાહી કરાતી નથી.વલસાડ કલેકટરને ઔરંગા જેટી અને ઓવારાની મરામત માટે રજૂઆતો કરી છે.- પ્રવિણ કચ્છી,કાઉન્સિલર,વલસાડ

ઔરંગા ઓવારો વિસર્જન સાથે પિકનિક સ્પોટ તરીકે વિકસાવવાની જરૂર
વલસાડના ઔરંગા નદીના ઓવારો અત્યંત જર્જરિત થઇ ગયો છે.જેટીની મરામત અને બ્યુટિફિકેશન કરવી ખુબ જરૂરી છે.અહિં પ્લાન્ટેશન,બાંકડા,ડામર રોડ જેવી સુવિધા ઉભી કરી તેને પિકનિક સ્પોટ બનાવી શકાય તેમ છે.પરંતુ કોઇ તંત્ર ધ્યાન આપતું નથી.જેટી જર્જરિત અને જોખમી બની ગઇ છે.ગણેશ વિસર્જન માટે આ ઓવારો વલસાડ માટે ખુબ ઉપયોગી છે.- રોહિત રાણા,સ્થાનિક રહીશ

અન્ય સમાચારો પણ છે...