ગૌતસ્કરી:વલસાડ પારનેરામાં 2 ગાયને ઇન્જેક્શન મારી બેભાન કર્યા બાદ ઉઠાંતરી કરવાનો પ્રયાસ

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્થાનિકોએ જોઈ લેતાં ગૌતસ્કરો કાર લઇ છૂ

પારનેરામાં ફરી ગૌતસ્કરો મોડી રાત્રે કાર લઇને બે ગાયને ઇન્જેક્શન મારી બેભાન કરી ઉઠાવી જવાની કોશિશ કરતાં સ્થાનિકોની સતર્કતાથી કાર લઇને ભાગી છુટ્યા હતા.

વલસાડ તાલુકામાં છાશવારે ગૌતસ્કરીના બનાવો સામે આવતાં એસપી ડો.રાજદિપસિંહ ઝાલાએ કડક રૂખ અપનાવ્યો હતો. પોલીસે મહારાષ્ટ્રના ભીંવડી નાસિક સુધી પહોંચી ગૌતસ્કરોને ઝડપી જેલના હવાલે કર્યા છે.તેમ છતાં હજી તસ્કરો પોલીસને પડકાર આપતા હોય તેમ ગૌતસ્કરી કરવા ધમપછાડા કરી રહ્યા છે.રવિવારે મોડી રાત્રે વલસાડના પારનેરા ગામે મુકુન્દ વિસ્તારમાં એક કાર લઇને ગૌતસ્કરો ગાયને પકડવા આવ્યા હતા.જ્યાં તેમણે બે ગાયને ઇન્જેક્શન મારીને બેભાન કરી દીધી હતી.ત્યારબાદ કારમાં આ ગાયોને ભરી ઉઠાવી જવાનો પ્રયાસ કરતા કેટલાક સ્થાનિકોને નજરે ચઢી જતાં લોકોનું ટોળુ ભેગું થઇ ગયું હતું.જેના પગલે લોકો પકડી પાડે તે પહેલા જ ગભરાઇ ગયેલા ગૌતસ્કરો ગાયો ત્યાં જ મૂકીને કારમાં ફરાર થઇ ગયા હતા.

આ ઘટનાની વલસાડ રૂરલ પોલીસને જાણ કરાતા પોલીસ સ્થળ પર પહોંચી ગઇ હતી.જ્યાં નાકાબંધી કરીને ગૌતસ્કરોને પકડવા કાર્યવાહી હાથ ધરી હતી.જો કે હજી આ ગૌતસ્કરો પકડાયા ન હતા. પારનેરામાં ગૌતસ્કરીનો પ્રયાસ લોકોની સતર્કતાને લઇ નિષ્ફળ રહ્યો હતો.આ ઘટનાની અગ્નિવીર સેવા દળને કરવામાં આવતા આ સંસ્થાના કાર્યકરો પણ પારનેરા મુકુન્દ કંપની રોડ ઉપર પહોંચી ગયા હતા.જ્યાં બેભાન થયેલી ગાયોની સારવાર કરી તેમને ચાલતી કરી દીધી હતી.

અન્ય સમાચારો પણ છે...