દક્ષિણ ગુજરાતના લેટેસ્ટ ન્યૂઝ:કડોદરામાં વાપીથી મધ્યપ્રદેશ જવા નીકળેલા યુવકપર હુમલો,કતલખાને લઈ જવાતા 48 પશુ સાથે ત્રણ ઝડપાયા

વ્યારાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
યુવકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. - Divya Bhaskar
યુવકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

1.કડોદરામાં અજાણ્યા શખ્સે યુવાનને ગળાના ભાગે ચપ્પુના ઘા ઝીંકી દીધા
કડોદરા નજીકથી પસાર થઈ રહેલ યુવાન ઉપર કોઈ અજાણ્યા શખ્સે ચપ્પુ વડે હુમલો કરતાં ચકચાર મચી ગઈ હતી. યુવાન વાપીથી નીકળી એમ.પી.પોતાના ગામ જતો હતો તે દરમ્યાન યુવાન કડોદરા અકડામુખી હનુમાન મંદિરે દર્શન કર્યા બાદ ત્યાંથી નીકળી ખુલ્લા મેદાનમાં કુદરતી હાજતે ગયો હતો અને ત્યાંથી પરત આવતો હતો તે સમયે યુવાનને કોઈ અજાણ્યા ઇસમે પાછળથી આવી એકાએક ગળાના ભાગે ચપ્પુના ઘા ઝીંકી ભાગી છૂટ્યો હતો ઘટના બાદ કડોદરા પોલીસે યુવાનને સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યો હતો.

2.કતલના ઇરાદે લઈ જવાતા 48 પશુઓ ભરેલ ટેમ્પા સાથે ત્રણ ઝડપાયા
ગૌ રક્ષકોને બાતમી મળી હતી કે એક ટેમ્પામાં મોટી સંખ્યામાં પાડા ભરીને કતલ ખાને લઈ જવાઈ રહ્યા છે જે ટેમ્પાનું પાઈલોટિંગ એક કાર કરે છે આ બાતમી આધારે ગૌ રક્ષકોએ મંગળવારે વહેલી સવારે 6 વાગ્યાના અરસામાં દસ્તાન ફાટક નજીક વોચ ગોઠવી હતી તે દરમ્યાન એક કાર નંબર GJ-05-CR-1188 આવતા તેને રોકી હતી અને પાછળ આવતો આઇસર ટેમ્પો GJ-05-AZ-8943ને અટકાવ્યો હતો ટેમ્પાની પાછળ ચેક કરતા ક્રુરતા પૂર્વક પાણી અને ઘાસ વગર ટૂંકા દોરડા વડે 48 જેટલા પાડાને બાંધી કતલ ખાને લઈ જવાઈ રહ્યા હોવાનું માલુમ થયું હતું જે બાદ ગૌ રક્ષકોએ પલસાણા પોલીસને જાણ કરતા પલસાણા પોલીસે આઇસર ટેમ્પા ચાલક શબ્બીર સત્તાર શેખ (રહે.રજાનગર બીસમિલાહ ચૌક ભાઠેના) તેમજ પાઈલોટિંગ કરી રહેલ કાર ચાલક મુસ્તાક ખાલીક શેખ (રહે.ભાઠેના) તેમજ કારચાલકની બાજુમાં બેથેલ રઈન રઈશ શેખ (રહે.ઝૂંપડપટ્ટી ન.ડી./8 ઉમરવાડા સુરત) નાઓની ધરપકડ કરી 76 હજાર પાડાની કિંમત તેમજ 5 લાખ ટેમ્પાની કિંમત અને 2 લાખ કારની કિંમત ગણી 7 લાખ 76 હજારનો મુદ્દામાલ કબ્જે કરી ત્રણેય વિરુદ્ધ ગુન્હો દાખલ કરી પાડાને પાંજરાપોળ મોકલવાની તજવીજ હાથધરી હતી

3.બેન્કની સાધારણ સભા યોજાઈ
ધી સુરત ડિસ્ટ્રિક્ટ કૉ-ઓપરેટિવ બેન્ક લી.ની વાર્ષિક સાધારણ સભા બુધવારના રોજ બારડોલી નજીક આવેલા કેદારેશ્વર મહાદેવ મંદિરના હૉલ ખાતે બેન્કના ચેરમેન નરેશભાઇ ભિખાભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં એજન્ડાના તમામ કામો મંજૂર કરવામાં આવ્યા હતા.સભામાં બેન્કના મેનેજિંગ ડાયરેક્ટર મહાવીરસિંહ ચૌહાણે ગત વર્ષની વાર્ષિક સાધારણ સભાની કાર્યવાહીનું વાંચન કર્યું હતું. બાદમાં બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ વતી બેન્કના ચેરમેન નરેશભાઇ પટેલે 31મી માર્ચના રોજ પૂરા થતાં વર્ષનો અહેવાલ તથા 2019-20ના વર્ષનું સરવૈયું અને નફા તોટાનો હિસાબ રજૂ કર્યો હતો. જેને ઉપસ્થિત બેન્કના ભાગીદારોએ સર્વાનુમતે મંજૂર રાખ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત રહેલા જિલ્લા સહકારી સંઘના પ્રમુખ ભિખાભાઈ ઝેડ પટેલ જણાવ્યુ હતું કે, સહકારી પ્રવૃત્તિને મૂલ્ય આધારિત ચલાવવાની છે. કેટલીક સંસ્થાઓમાં મૂલ્યોનું ધોવાણ થઈ રહ્યું છે. ત્યારે જિલ્લામાં ટોચની સંસ્થાઓ જેવી કે, સુરત ડિસ્ટ્રિક્ટ બેન્ક, સુમુલ તેમજ અન્ય મોટી સંસ્થાઓએ મૂલ્યોનું ધોવાણ અટકાવી નાની સંસ્થાઓને પ્રોત્સાહન પૂરું પાડવાની જવાબદારી નિભાવવી જરૂરી છે.

4.નવાગામથી તસ્કરો ઇકો કાર લઈ ગયા
કામરેજ તાલુકાનાં નવાગામ ખાતે શિવનગર મહાવીર કરિયાણા સ્ટોરની ઉપર રહેતા સંતોષકુમાર શંજરલાલ શાહ (ઉ.વ-34) નાઓ કરિયાણાની દુકાન ચલાવી ગુજરાન ચલાવે છે. તેમણે પોતાની ઇકો કાર નંબર જીજે-05-આરજી-2298 પોતાની દુકાનની સામે આવેલ સર્વિસ રોડ ઉપર પાર્ક કરી હતી. કોઈ અજાણ્યા તસ્કરો 1.50 લાખની કિંમતની ઇકો કારની ચોરી કરી લઈ ગયા હતા. બનાવ અંગે કામરેજ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

5.યુવાને મહિલાને તમાચા મારી દીધા
કામરેજ તાલુકાનાં નવાગામ ખાતે આવેલ કોલોની ફળિયામાં રહેતા ટીનાબેન દીપકભાઈ પટેલ (35) નાઓ મજૂરી કરી ગુજરાન ચલાવે છે. તેમના પતિનું વર્ષ 2006માં મૃત્યુ થયું હતું. ગત તા-9 ઓકટોબરના રોજ તેમના સાસુ કંચનબેન તેમના ઘરની દીવાલ સાથે પતરું મૂકી દીધું હતું. જેથી આવવા જવાનો રસ્તો બંધ થઈ ગયો હતો જેથી ટીનાબેને સાસુ કંચનબેનને આ પતરું ખસેડવા કહેતા તે તેમની દીકરીના પુત્ર કલ્પેશ સુરેશભાઇ પટેલને બોલાવી લાવી હતી કલ્પેશે ટીનાબેનને અપશબ્દો બોલી ગાલ ઉપર તમાચા મારી દીધા હતા. અને જાનથી મારી નાંખવાની ધમકી આપી જતો રહ્યો હતો. બનાવ અંગે ટીનાબેને કામરેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

6.સોનગઢમાંથી 16 બોટલ બિયર સાથે એક ઝડપાયો
સોનગઢ પોલીસ સ્ટાફ વાહન ચેકીંગ કરી રહ્યો હતો ત્યારે મંગળવારે સાંજે હાઇવે પર થી એક ઈસમ હાથમાં થેલો લઈ શંકાસ્પદ સ્થિતિમાં પસાર થયો હતો. પોલીસે આ ઈસમને અટકાવી એની પાસે રહેલ થેલો તપાસતા એમાંથી પરમીટ વિના લાવવામાં આવેલ 16 જેટલી બિયર ની બાટલીઓ કે જેની કિંમત 1600 થાય છે એ મળી આવી હતી. આ અંગે સોનગઢ પોલીસે બંદર રોડ નવસારી ખાતે રહેતા કલ્પેશભાઈ માધવભાઈ ઓડ ની સામે પ્રોહી.એક્ટ મુજબ ગુનો દાખલ કર્યો હતો અને એનો કોર્ટની ગાઇડલાઇન પ્રમાણે કોરોના ટેસ્ટ કરાવવાની તજવીજ હાથ ધરી હતી.

7. તાપી જિલ્લામાં તોલમાપના કાયદાનો ભંગ કરનારા
૪૪ વેપારીઓને દંડગ્રાહકો પાસેથી છાપેલી કિંમત કરતા વધુ કિંમત લેવી, વજન કરતા ઓછુ આપવું જેવી અનેક રીત રસમો અપનાવીને ગ્રાહકો સાથે છેતરપિંડી કરનારાઓ સામે તોલમાપ વિભાગ દ્વારા દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહી છે. મદદનીશ નિયંત્રક કાનુની માપ વિજ્ઞાન ગ્રાહક સુરક્ષા અધિકારીશ્રી બી.આર.વિશાણાના માર્ગદર્શન હેઠળ કચેરીના જુનિયર/સિનીયર નિરીક્ષકો દ્વારા ઓક્ટોબર મહિના દરમિયાન વેપારી/એકમોની ઓચિંતી તપાસણી કરી વજનમાપ તથા પી.સી.આર. કાયદાના ભંગ બદલ સુરત અને તાપી જિલ્લાના ૪૪ વેપારી એકમો પાસેથી રૂા.૨૪,૫૦0નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. જયારે વેપારી એકમો પાસેથી ચકાસણી અને મુદ્રાંકનની કામગીરી માટેની રૂા.૨૫,૦૯,૫૬૪ ની સરકારી ફીની વસુલ કરવામાં આવી હતી.

8.મહુવા તાલુકાના ખરવાણ ગામની આંગણવાડી કાર્યકરને એવોર્ડ એનાયત
નાના બાળકોથી લઈને ધાત્રી માતાઓ, કિશોરીઓના આરોગ્યની સંભાળ લઈને શ્રેષ્ઠ કામગીરી બદલ સુરત જિલ્લાકક્ષાનો ૨૦૧૮-૧૯ના એવોર્ડ મહુવા તાલુકાના ખરવાણ ગામની આંગણવાડીની કાર્યકર સંગીતાબહેન પટેલને રૂા.૩૧ હજાર તથા તેડાગર ઉર્મિલાબેન પટેલને રૂા.૨૧ હજાર જિલ્લાકક્ષા માતા યશોદા એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. સંકલિત બાળ વિકાસ વિભાગની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભો નાના ભુલકાઓ સુધી પહોચે અને તેમનામાં ઉચ્ચ સંસ્કારોનું સિંચન કરવાના પ્રયાસોની કદર થઇ છે.

9. જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાશે
બારડોલી પ્રાંત, કામરેજ તાલુકામાં નાયબ કલેકટર કામરેજ પ્રાંત, માંગરોળ તાલુકામાં નાયબ કલેકટર માંડવી પ્રાંત, પલસાણા તાલુકામાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી(પંચાયત), ચોર્યાસી તાલુકામાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી(મહેસૂલ), માંડવી તાલુકામાં જિલ્લા પુરવઠા અધિકારીશ્રી સુરત, ઉમરપાડા તાલુકા ખાતે નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી(વિકાસ), મહુવા તાલુકામાં નિયામકશ્રી, સરદાર પટેલ લોકપ્રશાસન સંસ્થા(સ્પીપા)સુરતના અધિકારીઓ હાજર રહેશે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે અરજદારોએ દર મહિનાની તા.૧૦મી નવેમ્બર સુધીમાં તાલુકા કક્ષાએ મામલતદારને તાલુકા સ્વાગત કાર્યક્રમ એમ લખી તથા જિલ્લા કક્ષાના નિકાલ કરવાના કામ માટેની અરજી જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં મોકલી આપવી.

10. બુહારી ખાતેકર્મચારી વિરુધ્ધ મારામારીની ફરિયાદ થઇ
બુહારી ખાતે દેસાઈ ઓટોમોબાઇલ્સ નામની મોટર સાઈકલની દુકાનમાંથી તા. 03/07/2019 ના રોજ કણજોડ નિશાળ ફળીયા ખાતે રહેતા જીગ્નેશભાઈ વદનભાઈ ચૌધરીનાઓએ ડેસ્ટીની 125 વી.એક્સ મોટર સાઇકલ હપ્તા ઉપર ખરીદ કરેલ હતી, જે મોટર સાઇકલનું રજીસ્ટ્રેશન કરાવવાનું હતું, પરંતુ મોટર સાઇકલ બી.એસ.- 4 હોય જેથી 14 થી 15 માસ સુધી રજીસ્ટ્રેશન થયેલ ન હતું, ત્યારબાદ તા. 06/10/2020ના રોજ દેસાઈ ઓટો તરફથી બીજી ડેસ્ટીની 125 વી.એક્સ બી.એસ.- 6 આપેલ હતી, નવી ગાડી લેવા માટે રૂ. 10823/- વધુ ચૂકવ્યા બાદ અઠવાડિયામાં રજીસ્ટ્રેશન કરાવી આપવાનું કહયા બાદ ફરિયાદી શો રૂમ પર પોતાના ઓળખપત્રો આપી રજીસ્ટ્રેશન બાબત ગયા હતા, અને વાયદાઓ કરતા પરત આવી જતા હતા, તા. 09112020 ના રોજ બપોરના બે કલાકે ફરિયાદી દેસાઈ ઓટોમોબાઇલ્સ પર ગયા હતા, અને રજીસ્ટ્રેશન અને ફૂટરેશની માંગણી કરતા દેવાંગભાઈ અને પ્રતિકભાઈએ જણાવેલ કે ફૂટરેશ હાલમાં નથી, અને જૂની મોટર સાઇકલનો નિકાલ થશે ત્યારે રજીસ્ટ્રેશન કરાવી આપવા દેવાંગભાઈએ કહી ગાળા ગાળી અને તમાચા મારેલ અને ત્યારબાદ દેવાંગ અને પ્રતિકભાઈએ ઝપાઝપી કરી શરીરે મુઠ માર માર્યા અંગે જીગ્નેશભાઈએ દેસાઈ ઓટોના દેવાંગભાઈ અને પ્રતિકભાઈ જે દેસાઈ ઓટોમા નોકરી કરતા હોવાના અને તેમના પુરા નામ અને સરનામા ખબર ન હોવા અંગે પોલીસ ફરિયાદ કરેલ છે, આ અંગે વધુ તપાસ પીએસઆઇ પ્રતીક અમીન કરી રહયા છે.