• Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • At Arnala Pati In Pardi, Women Were Trained To Make Rexin Bags, To Start Their Own Business With Rs. A Loan Of 30 Thousand Will Be Given

મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનો પ્રયાસ:પારડીના અરનાલા પાટીમાં મહિલાઓને રેક્ઝિન બેગ બનાવવાની તાલીમ અપાઈ, પોતાનો ધંધો શરૂ કરી શકે તે માટે રૂ. 30 હજારની લોન અપાશે

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક

મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે ગુજરાત સરકાર દ્વારા વિવિધ યોજનાનું અમલીકરણ કરવામાં આવે છે. તાલીમ બાદ બહેનો પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કરી આર્થિક રીતે પગભર બની શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા સહાય આપી પગભર કરવામાં આવી રહી છે. ત્યારે હાલમાં વલસાડ જિલ્લાના પારડી તાલુકાના અરનાલા પાટી ગામમાં મહિલા અને શિક્ષિત યુવતીઓને ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ સંચાલિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અંભેટી અને ગુજરાત માટીકામ કલાકારી અને રૂરલ ટેક્નોલોજી ઈન્સ્ટીટ્યુટ, ગુજરાત સરકારના પારડી કેન્દ્ર દ્વારા રેક્ઝિન બેગ બનાવવાની તાલીમ આપવામાં આવી છે. તાલીમ બાદ તેઓ પોતાનો ધંધો શરૂ કરી શકે તે માટે બાજપાઈ બેંકેબલ યોજના હેઠળ રૂ. 30 હજારની લોન પણ મળશે. જેના માધ્યમથી મહિલા અને યુવતીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવા માટે ઉંચી ઉડાન ભરી છે.

સરકારે તાલીમ બાદ લોન મળી રહે તેવી વ્યવસ્થા કરી
ભારત સરકાર દ્વારા સ્ટાર્ટઅપ ઈન્ડિયાની પહેલ કરવામાં આવી છે. જેના થકી રોજગારીનું સર્જન થઈ શકે અને મજબૂત ઈકોસીસ્ટમ બની શકે તેવા પ્રયાસ રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાયા છે. પ્રજાહિતને હંમેશા વરેલી ગુજરાત સરકારે તાલીમ બાદ લોન મળી રહે તેવી વ્યવસ્થા કરી છે. જેના થકી મશીનરી તેમજ કાચો માલ ખરીદી ધંધો કરી શકાશે. રાજ્ય સરકારના ઉદ્યોગસાહસિકતાના ઉદેશ્યને સાકાર કરવા માટે વલસાડ જિલ્લાના પારડી તાલુકાના અરનાલા પાટી ગામમાં 29 મહિલા અને યુવતીઓને ઈકો ફ્રેન્ડલી રેક્ઝિન બેગ બનાવવાની તાલીમ આપવામાં આવી છે. આ તાલીમમાં મહિલાઓ રેક્ઝિન મટીરીયલમાંથી વિવિધ આર્ટીકલ્સ જેવા કે, શોપિંગ બેગ, પર્સ, ટ્રાવેલિંગ બેગ, શેવિંગ કીટ પાઉચ, વોટર બોટલ પાઉચ, સાઈડ પર્સ અને કોલેજ બેગ બનાવતા શીખી ગઈ છે. જેના થકી તેઓ આર્થિક રીતે પગભર બનશે.

મહિનાનું રૂ. 5 હજાર સ્ટાઈપેન્ડ અને રૂ. 30 હજારની સહાયઃ ગૃહવૈજ્ઞાનિક
અંભેટીના કૃષિ વિજ્ઞાન કેન્દ્રના ગૃહ વૈજ્ઞાનિક પ્રેમિલાબેન આહિરે જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા ઉદ્યોગસાહસિકતા વિકાસ ઉપર વિશેષ ભાર મુકાઈ રહ્યો છે. જેના થકી રોજગારીના દ્વાર પણ ખુલી રહ્યા છે. અહીં અરનાલા પાટી ગામમાં તાલીમ લઈ રહેલી સ્વ સહાયજૂથની 29 બહેનોને બે મહિના તાલીમ માટે રૂ. 5000 આપવામાં આવશે અને ત્યારબાદ બાજપાઈ બેંકેબલ યોજના હેઠળ રૂ. 30 હજારની સરકારી સહાય પણ મળશે.

સ્ટાર્ટઅપ ઈન્ડિયા અને આત્મનિર્ભરતાના સંકલ્પને સાકાર કરીશઃ તાલીમાર્થી
તાલીમાર્થી સોનલબેન પટેલે જણાવ્યું કે, હું એમ.એ વીથ ઈંગ્લિશ સાથે પોસ્ટ ગ્રેજ્યુએટ થઈ છું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્ટાર્ટઅપ ઈન્ડિયા અને આત્મનિર્ભર ભારતના સંકલ્પને પૂર્ણ કરવા માટે આ તાલીમમાં ભાગ લીધો છે. તાલીમ બાદ સરકારી સહાયથી મશીનરી અને કાચો માલ મેળવી રેક્ઝિન બેગ બનાવવાની શરૂઆત કરી આત્મનિર્ભર બનીશ અને અન્ય લોકોને પણ રોજગારી મળી રહે તે દિશામાં પ્રયાસ કરીશ. સરકાર દ્વારા મળતી આ તાલીમ અમારા માટે ખૂબ જ ઉપયોગી બની છે.

જે યુવતીઓ ક્યારેય મશીન ચલાવતી ન હતી તે બેગ સહિતની વસ્તુ બનાવતા શીખીઃ ઈન્સ્ટ્રક્ટર
ગાંધીનગરથી આવેલા ગુજરાત માટીકામ કલાકારી અને રૂરલ ટેક્નોલોજી સંસ્થાના ઈન્સ્ટ્રક્ટર વિનોદ પંડયાએ જણાવ્યું કે, જે મહિલા-યુવતીઓ જીંદગીમાં ક્યારેય મશીન ચલાવતા શીખી ન હતી તે તેઓ માત્ર 2 મહિનાની તાલીમમાં આકર્ષક ઈકો ફ્રેન્ડલી બેગ સહિતના આર્ટીકલ બનાવતા શીખી છે. પારડી તેમજ વાપીમાં અનેક જીઆઈડીસી અને દુકાનો છે જ્યાં મહિલાઓ બેગ તેમજ ઉપયોગી વસ્તુ બનાવી વેચીને આત્મનિર્ભર બની શકે છે.

અન્ય સમાચારો પણ છે...