કોરોના અપડેટ:સંક્રમણ વધતાં કલેકટર દર્દીઓના વિસ્તારમાં નિરીક્ષણ માટે નિકળ્યા

વલસાડ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

વલસાડમાં કેસો વધતાં કલેકટર ક્ષિપ્રા અગ્રેએ ખુદ વલસાડ નજીકના ભાગડાવડામાં ગ્રીનપાર્ક વિસ્તારમાં ખુદ પહોંચી જઇ કોરોના દર્દીઓની જાણકારી લીધી હતી.તેમણે પ્રાંત અધિકારી નિલેશ કુકડિયા,મેડિકલ ઓફિસર ડો.સ્વાતિ પટેલ,તાલુકા હેલ્થ ઓફિસર ડો.કમલ ચૌધરી સહિત સ્ટાફના કાફલા સાથે અનેક વિસ્તારોનું નિરીક્ષણ કર્યું હતું.કલેકટરે કોરોના દર્દીઓની ઘરમાં આઇસોલેશન દરમિયાન તેમને કોઇના સંપર્કમાં ન આવે તેની સુવિધા ઘરમાં છે કે નહિ તેની વિગતો લીધી હતી.આવા ઘરોમાં આઇસોલેશન દરમિયાન અલગ રૂમ અને શૌચાલય વિગેરેની સુવિધા છે કે કેમ તેવા પ્રશ્નો પણ કલેકટરે આરોગ્ય અધિકારીઓને પૂછ્યા હતા.

આઇસોલેશનમાં રહેતા દર્દીઓની માહિતી કોરોન્ટાઇન સુધીના દિવસોમાં મોનિટરિંગ કરવા પણ સૂચના આપી હતી.આ સાથે કલેકટરે સંક્ર્મણ ફેલાતું અટકાવવા માટે કોરોના દર્દીઓ અને પરિવારજનોએ ફરજિયાત માસ્ક,સોશ્યિલ ડિસ્ટેન્સિંગ,સેનેટરાઇઝિંગ,વેક્સિનેશન સહિતની કોવિડ-19ની ગાઇડલાઇનનું પણ ગંભીરતા પૂર્વક પાલન કરવું પડશે તેવી કડક સૂચના આપી હતી. કલેકટરે જાતે પરિસ્થિતિ જોવા રૂબરૂ મૂલાકાત લેતા વલસાડના ભાગવડા અને ગ્રીનપાર્ક વિસ્તારના રહીશોમાં ભારે રાહતની લાગણી જોવા મળી હતી.

કોરના દર્દીના સ્વજને કલેકટરને કહ્યું, ડ્રેનેજલાઇનનું કામ શરૂ થયું નથી
કલેકટર ક્ષિપ્રા અગ્રે આરોગ્યની ટીમને લઇ વલસાડના ભાગડાવડા ગામે ગ્રીનપાર્ક-4 વિસ્તારમાં પહોંચ્યા ત્યારે જ કોરોનાના 3 દર્દીની ઘર નજીક દૂષિત પાણી રસ્તા પર જોવા મળ્યું હતું.જેને લઇ સ્વચ્છતાનો પ્રશ્ન ગંભીર લાગતાં કલેકટરે આ રસ્તા પર ગંદું પાણી કેમ વહી રહ્યું છે તેવો પ્રશ્ન કર્યો હતો.

કોરોનાગ્રસ્ત દર્દીના સ્વજને કલેકટરને કહ્યું કે,પંચાયત દ્વારા ડ્રેનેજ ગટરલાઇનના પાઇપ 1 માસ પહેલા નાંખી દીધા હતા,પરંતુ હજી લાઇન નાંખવામાં ન આવતા ડ્રેનેજ પાણીના નિકાલની સમસ્યા છે તેવું કહેતા કલેકટરે પ્રાંત અધિકારી નિલેશભાઇ કુકડિયાને આ પ્રશ્ન ઉકેલવા ગામના તલાટી કમ મંત્રીને જાણ કરો અને તેનો નિકાલ લાવવા સૂચના આપો તેવી તાકીદ કરતા રહીશોએ આનંદની લાગણી વ્યક્ત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...