વલસાડ શહેરમાં એક મહિના અગાઉ ઔરંગા નદીમાં આવેલા પૂરના કારણે રેલના પાણી અનેક જગ્યાએ ભરાયા હતા. ત્યારે વિસ્તારમાં રોગચાળો ફાટી ન નીકળે તેની તકેદારીના ભાગરૂપે બગડી ગયેલો અનાજનો જથ્થો ઔરંગા નદીના કિનારે નાખવામાં આવ્યો હતો. જેના કારણે હાલ માથું ફાડી નાખે તેવી અસહ્ય દુર્ગંધ ફેલાઈ છે. તેમજ વાસના કારણે લોકોની હાલત દયનીય બની ગઈ છે. ત્યારે આગામી દિવસોમાં દશામાની મૂર્તિ અને તાજીયા જુલુસનું વિસર્જન કરવામાં આવનાર હોવાથી નગરપાલિકા દ્વારા નદી કિનારેથી સડી ગયેલા અનાજના જથ્થાને તાત્કાલિક હટાવી સાફ-સફાઈ કરાવી દવાનો છંટકાવ કરવામાં આવે તેવી માંગણી પાલિકાની પૂર્વ પ્રમુખે કરી છે.
દુકાનોમાં ભારી ભરાતા અનાજનો જથ્થો બગડી ગયો હતો
ઉપરવાસમાં ભારે વરસાદ પડતા વલસાડ શહેરની ઔરંગા નદીમાં આવેલા પૂરના કારણે શહેરના નીચાણવાળા વિસ્તાર એવા છીપવાડ, બરૂડિયાવાડ, તરીયાવાડ, કાશ્મીર નગર, યાદવ નગર, વલસાડ પારડી, બંદર રોડ, કૈલાસ રોડ સહિતના વિસ્તાર તેમજ નદી કિનારે આવેલા ગામોમાં રેલના પાણી ફરી વળતા લોકોને ભારે નુકસાન પહોંચ્યું હતું. વલસાડ શહેરના છીપવાડમાં આવેલા દાણા બજાર વિસ્તારમાં 60થી વધુ દુકાનોમાં પાણી ભરાવાના પગલે ભારે નુકસાન થયું હતું. ત્યારે વિસ્તારમાં રોગચાળો ફાટી ન નીકળે તેની તકેદારીના ભાગરૂપે બગડી ગયેલું અનાજ તેમજ કઠોળને વલસાડની ઔરંગા નદીના કિનારે નાખવામાં આવ્યો હતો.
રોગચાળો ફાટી નીકળવાની ભીતિ
આ બગડેલું અનાજ અને કઠોળના કારણે નદી કિનારના વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ ફેલાઈ છે. જેના કારણે રોગચાળો ફાટી નીકળવાની દહેશત ઉભી થઈ છે. જેથી વલસાડ નગરપાલિકા પૂર્વ પ્રમુખ રાજુ મરચાએ સડી ગયેલા અનાજના જથ્થાને તાત્કાલિક હટાવવા કે પ્લાસ્ટિકના કટ્ટાને ખાલી કરી નદીમાં નાખી દેવાની માગણી કરી છે.
અસહ્ય દુર્ગંધ ફેલાતા લોકોની હાલત દયનિય બની
ઔરંગા નદીના કિનારે નાખવામાં આવેલો સડેલા અનાજના જથ્થામાંથી માથું ફાડી નાખે એવી અસહ્ય દુર્ગંધ આવતા લોકોની હાલત દયનિય બની ગઈ છે. આગામી બે દિવસ બાદ દશામાની મૂર્તિ અને તાજીયા જુલુસનું નદીમાં વિસર્જન કરવામાં આવનાર છે. ત્યારે આ પહેલા ઔરંગા નદીના કિનારા પર નાખવામાં આવેલા સડી ગયેલા અનાજના જથ્થાને સાફ-સફાઈ કરાવી દવાનો છંટકાવ કરવામાં આવે તેવી માગણી કરાઈ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.