• Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • As Information Is Circulating About The Inclusion Of 4 Villages Of Gujarat In Dadra Nagar Haveli, There Is A Hint Of Protest Among The Villagers.

"અમારે ગુજરાતમાં રહેવું છે":4 ગામોને દાદરા નગર હવેલીમાં શામેલ કરવાની માહિતી વહેતી થતાં વિરોધનો સુર, આંદોલનની ચીમકી

વલસાડ4 મહિનો પહેલા
  • કપરાડાની મેઘવાળ, મધુબન, રાયમલ, નગર જૂથ ગ્રામ પંચાયતને સંઘપ્રદેશમાં શામેલ કરવાની માહિતી વાયરલ થઈ
  • જરૂર પડ્યે કલેક્ટર, ધારાસભ્ય, રાજયકક્ષાના પ્રધાનો, મુખ્યમંત્રી સુધી રજુઆત કરાશે

દાદરા નગર હવેલીની સરહદથી જોડાયેલા ગુજરાતના 4 જેટલા ગામોને સંઘપ્રદેશમાં સામેલ કરવાની માહિતી વહેતી થતાં જ કપરાડા તાલુકાના 4 ગામોના લોકોમાં વિરોધનો સુર ઉઠ્યો છે. વર્ષો પહેલા વિકાસથી વંચિત ગામ હોવાથી સ્થાનિક આગેવાનો અને લોકોએ રજૂઆત કરીને સંઘ પ્રદેશમાં વિસ્તાર સમાવી લેવા માંગ કરવામાં આવી હતી. હાલ ગુજરાત સરકાર દ્વારા વિકાસ ગામના લોકો સુધી પહોંચાડતા સ્થાનિક લોકોની ગુજરાતમાં જ રહેવા દેવા માંગ ઉઠવા પામી છે. કપરાડાના 4 ગામોને સંઘ પ્રદેશમાં મર્જ કરવામાં આવ્યા હોવાની વાત સોશિયલ મીડિયામાં વાયરલ થતા સ્થાનિક લોકોમાં વિરોધના સુર ઉઠ્યા છે.

ગુજરાતના વલસાડ જિલ્લાના અને સંઘપ્રદેશ દાદરા નગર હવેલીની સરહદથી જોડાયેલી મેઘવાળ, મધુબન, રાયમલ, નગર જૂથ ગ્રામ પંચાયતને સંઘપ્રદેશમાં સામેલ કરવાની વર્ષો જૂની માંગ અંગે આગામી 28 મી જાન્યુઆરી એ ગોવામાં યોજાનાર Western Council Standing Committee મિટિંગમાં નિર્ણય લેવાય તેવી માહિતી બાદ ગામલોકોમાં વિરોધનો સુર ઉઠ્યો છે. ગામલોકોનું કહેવું છે કે અમારે ગુજરાતમાં રહેવું છે અને આ અંગે કલેક્ટર, રાજ્ય પ્રધાન, મુખ્યપ્રધાન સમક્ષ રજૂઆત કરી આંદોલન કરીશું.

ગુજરાત રાજ્યના વલસાડ જિલ્લાનો કપરાડા તાલુકો સંઘપ્રદેશ દાદરા નગર હવેલીની સરહદથી જોડાયેલ તાલુકો છે. મુખ્યત્વે આદિવાસી સમાજ ધરાવતા આ વિસ્તારમાં એક સમયે પ્રાથમિક સુવિધાઓનો અનેકગણો અભાવ હતો. જેને લઈને સંઘપ્રદેશની સરહદે આવેલા મેઘવાળ, મધુબન, રાયમલ અને નગર ગામ પૈકી મેઘવાળ ગામના લોકોએ ગામને સંઘપ્રદેશમાં સમાવવા રજુઆત કરી હતી.

આ અંગે કપરાડાના સ્થાનિક રમણ થરાદે જણાવ્યું હતું કે વર્ષો જૂની આ માંગ સાકાર થાય તે પહેલાં ગુજરાત સરકારે અહીં પાયાની તમામ સુવિધાઓ પુરી પાડી ગામમાં વિકાસ ના વાવટા ફરકાવી દીધા છે. ત્યારે, ભૂતકાળની એ માંગ હવે ગામલોકો માટે આફત બની છે. ગામલોકોનું કહેવું છે કે અમારે ગુજરાતમાં રહેવું છે. અને આ અંગે કલેકટર, રાજ્ય પ્રધાન, મુખ્યપ્રધાન સમક્ષ રજૂઆત કરી આંદોલન કરીશું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગામલોકોને અન્ય પ્રશ્નો પણ મુંઝવી રહ્યા છે. જેમ કે ગામોનો સંઘપ્રદેશ માં સમાવેશ કરવામાં આવ્યા બાદ તેમના આધારકાર્ડ, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ, જમીનના દસ્તાવેજ વગેરે અંગે કેવા નિર્ણય લેવાશે. આ બધું ગુજરાત રાજ્યનું છે તો તેને સંઘપ્રદેશ માં કઈ રીતે બદલાવશે. બીજું એક સમયે વિકાસથી વંચિત આ ગામો માં હાલ સંઘપ્રદેશ ના ગામ કરતા પણ વધુ સારો વિકાસ ગુજરાત સરકારે કર્યો છે. પાણી, લાઈટ, રસ્તા, આરોગ્ય અને શિક્ષણની તમામ સુવિધાઓ તેમને મળી રહી છે. એટલે ગામલોકો ગુજરાત સાથે જ નાતો જાળવી રાખવા માંગે છે.

આ અંગે પંચાયત સભ્ય મહેશ ભોયાએ જણાવ્યું હતું કે વર્ષો પહેલા વિકાસથી વંચિત ગામલોકોએ કરેલી માંગ હવે ફળીભૂત થઈ રહી હોવાના ભણકારા વાગતા ગામલોકો તેને આફત સમાન ગણી વિરોધ કરી રહ્યા છે. હાલ આ અંગે જરૂર પડ્યે વલસાડ કલેકટર, સ્થાનિક ધારાસભ્ય અને રાજયકક્ષાના પ્રધાનો, ગુજરાતના મુખ્યપ્રધાન સુધી રજુઆત કરશે અને તેનો ઉકેલ નહિ આવે તો આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે.

અન્ય સમાચારો પણ છે...