સત્તા પરિવર્તન:બિહારના CM નીતિશે ગઠબંધન તોડ્યું તો, સંઘપ્રદેશ દાનહ જિ.પં.ના જેડીયુના 15 સભ્યો ભાજપમાં જોડાયા

સેલવાસ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માત્ર 2 સભ્યો જીતનારી ભાજપે જેડીયુના સભ્યોના સહકારથી જિલ્લા પંચાયત કબજે કરી
  • રાષ્ટ્રીય રાજનિતીમાં જેડીયુએ ભાજપને પછડાયું, 4 દિવસથી ભાજપના નેતાઓએ જેડીયુના સંપર્કમાં રહી ઓપરેશનને પાર પાડયું

તાજેતરમાં રાષ્ટ્રીય કક્ષાની રાજનીતિમાં બિહાર વિધાનસભામાં જેડીયુએ ભાજપ સાથે છેડો ફાડી આરજેડી સાથે સરકાર બનાવી સૌનેં ચોંકાવી દીધા હતા, પરંતુ દાનહની રાજનિતિમાં ઉલટી સ્થિતિ જોવા મ‌ળી રહી છે. દાનહ જિ.પં.ના જેડીયુના 15 સભ્યો ભાજપમાં જોડાયા છે. જેના કારણે દાનહ જિ. પં. ના કુલ 20 સભ્યો પૈકી હવે 18 સભ્યો સાથે ભાજપ સત્તામાં આવશે. ભાજપે સત્તા પરિવર્તનનું મોટુ ઓપરેશન પાર પાડ્યું છે.

દાનહમા ચાર દિવસથી રાજકીય હલચલ ચાલી રહી હતી. જેમા જેડીયુના જીલ્લા પંચાયત અને પાલિકાના સભ્યોને ભાજપામા જોડવાની રાજનિતી ચાલી રહી હતી. દાનહ જીલ્લા પંચાયતની કુલ 20 બેઠકો છે. જેમાથી 3 જ સીટ ભાજપ પાસે હતી . બાકીની 17 બેઠકો જેડીયુના સભ્યો હતાં. જેમાથી હાલમા જીલ્લા પંચાયતના 15 સભ્યોએ ભાજપા સંગઠનને સમર્થન આપી જેડીયુમાંથી રાજીનામુ આપ્યુ છે. કલેક્ટરને લેખિત પત્ર સોપવામા આવ્યો હતો. અટલભવન સેલવાસ ખાતે 15 સભ્યોને ભાજપ પ્રદેશ પ્રમુખ દિપેશ ટંડેલના હસ્તે ખેશ પહેરાવી ભાજપમાં પ્રવેશ અપાયો હતો.

હાલમા સેલવાસ પાલિકામા ભાજપાની સત્તા છે અને હવે જીલ્લા પંચાયતના જેડીયુના 15 સભ્યો સામેલ થતા જીલ્લા પંચાયતમા પણ હવે ભગવો લહેરાશે. જેડીયુ પાર્ટીનો પ્રદેશમાથી અંત જેવી સ્થિતિ સર્જાઇ છે. જીલ્લા પંચાયત પ્રમુખ નિશા ભાવરે જણાવ્યુ કે પ્રધાનમંત્રીના નેતૃત્વમા સૌનો વિકાસ મંત્ર પર અમને વિશ્વાસ છે. મોદીની સરકાર દાનહના વિકાસના માટે સમર્પિત છે જેથી મોદીજીના નેતૃત્વમા કામ કરીશું. ભાજપા પ્રદેશ અધ્યક્ષ દિપેશ ટંડેલે જણાવ્યુ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાના નેતૃત્વમા અમે પ્રદેશને ભાજપામય કરીશુ. કેન્દ્ર અને પ્રદેશ અને જીલ્લા પંચાયતમા વિકાસનુ ટ્રિપલ એન્જિન હવે દોડશે.

15 જેડીયુના આ સભ્યો ભાજપમાં જોડાયા
વૈશાલી પટેલ-દાદરા, વંદનાબેન પટેલ-નરોલી, જશોદાબેન પટેલ-ખરડપાડા, ગોવિંદભાઇ ભુજાડા-ગલોન્ડા, મીનાબેન વરઠા-કિલવણી, રેખાબેન પટેલ-મસાટ, દિપકકુમાર પ્રધાન-રખોલી, પ્રવીણભાઈ ભોયા-સાયલી, દીપકભાઈ પટેલ-આંબોલી, વિજય ટેમ્બરે-કૌચા, મમતાબેન સવર-દુધની, નિશાબેન ભાવર-ખાનવેલ, સુમનબેન ગોરખના-રુદાના, પાર્વતીબેન નડગે-માંદોની,વિપુલભાઈ ભુસારા-સિંદોનીનો સમાવેશ થાય છે.

નગર પાલિકાના ત્રણ સભ્યોને પણ ભાજપમાં પ્રવેશ અપાયો
સેલવાસ નગરપાલિકાના વોર્ડ નંબર ત્રણના સભ્ય સુમનભાઈ પટેલે પણ ભાજપાનો ખેસ ધારણ કર્યો છે.આ અવસરે ભાજપા પ્રદેશ પ્રમુખ દિપેશ ટંડેલ,સ્ટેટ સેક્રેટરી વિજ્યા રાહટકર,સ્ટેટ જનરલ સેક્રેટરી વિવેક ધાડકર,પ્રદેશના પદાધિકારીઓ કાર્યકર્તાઓ જીલ્લા પંચાયતના સભ્યો સહિત મોટી સંખ્યામા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

JDUને છોડવાનો નિર્ણય લીધો છે
જેડીયુના પ્રદેશ પ્રમુખ ધર્મેશ ચૌહાણે જણાવ્યુ કે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારના નેતૃત્વમા સંયુક્ત જનતા દળે ભાજપાનો સાથ છોડી દીધો છે. રાષ્ટ્રીય જનતા પાર્ટીને (આરજેડી)સમર્થન આપ્યું છે. આ નિર્ણય વિરુદ્ધ દાનહ જીલ્લા પંચાયત સભ્યોએ જનતા દળને છોડવાનો નિર્ણય લીધો છે . જ્યારે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમા અંત્યોદયના આધાર પર નવો આત્મનિર્ભર બની રહ્યુ છે, ત્યારે જનતા દળનો કેન્દ્રીય નેતૃત્વનો આ ફેંસલો જનતાદ્રોહી છે જનમતનો વિશ્વાસઘાત કરવાવાળો છે .જેના માટે અમે સંયુક્ત જનતા દળને છોડવાનો નિર્ણય લીધો છે.

જેડીયુના બે સભ્યોએ હજુ નિર્ણય લીધો નથી
દાનહ જિ. પં.માં કુલ 20 સભ્યોનો સમાવેશ થાય છે. જેમાં 17 સભ્યો જેડીયુના અને 3 સભ્યો ભાજપના છે. સોમવારે જેડીયુના 15 સભ્યો વિધિવત ભાજપમાં જોડાયા છે. હજુ બે જેડીયુના સભ્યોએ ભાજપમાં પ્રવેશવા અંગેનો નિર્ણય લીધો નથી. જો કે ભાજપે જિ. પં.અને પાલિકામાં જેડીયુનો દબોદબો પુરી દીધો હોઇ તેવી સ્થિતિ ઉદભવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...