રોષ:દાનહમાં આત્મદાહના પ્રયાસની ઘટનાથી આદિવાસીઓમાં રોષ

સેલવાસ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આદિવાસી એકતા પરિષદે એકશન કમિટી બનાવી, પ્રશાસન સામે માનવ અધિકાર પંચથી લઇ સુપ્રિમ સુધી જવાની તૈયારી

સેલવાસના આમલી ગામે ટ્રાન્સપોર્ટ નગરમાં પ્રશાસન દ્વારા કથિત સરકારી જમીન ઉપર વર્ષોથી ઘર બાંધી રહેતા જયંતીભાઈ બરફ નામના આદિવાસી પરિવારનું ઘર તોડવા જતા જયંતીભાઇએ પ્રશાસનની કાર્યવાહી સામે શરીરે કેરોસીન છાંટી આત્મ વિલોપન કરવાનો પ્રયાસ કર્યો હતો.આ ઘટનાના સમગ્ર દાનહમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે જેમાં પીડિત જયંતીભાઇ અને તેના પરિવારને ન્યાય અપાવવા દાનહ આદિવાસી એકતા પરિષદે એકશન કમિટી બનાવી પ્રશાસનના પગલાની તપાસ કરી કાનૂની રાહે પગલાં પ્રશાસનના અધિકારીઓ સામે પગલાં ભરવાની તજવીજ હાથ ધરી છે.

સેલવાસ શહેરના વોર્ડ નંબર 1માં વર્ષોથી ઘર બનાવી રહેતા જયંતીભાઇ અને તેના પરિવારનું ઘર 17નવેમ્બરના રોજ પ્રશાસનના અધિકારીઓ અને તેમની ટીમ દ્વારા ડિમોલિશન કરવા હેતુ આવ્યા હતા.જંયતીભાઇ અને તેનો પરિવાર બેઘર થઇ જવાનો હોવાની બિકે તેણે પ્રશાસનિક અધિકારીઓ સમક્ષ ઘર ન તોડવા આજીજી કરી હતી પરંતુ અધિકારીઓ ન માનતા આખરે જયંતીભાઇએ પોતાના શરીરે કેરોસીન છાંટી દીવાસળી ચાંપી આત્મ વિલોપન કરવાનો પ્રયાસ કર્યો હતો જેમાં જયંતીભાઇ 50થી 60 ટકા જેટલા ગંભીર રીતે દાઝી જતા તેમને સેલવાસ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ ઘટનાને લઇ સમગ્ર દાનહ આદિવાસી સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.

આદિવાસી એકતા પરિષદે આક્ષેપ કર્યો હતો કે, પ્રશાસન દ્વારા કરવામાં આવી રહેલી હેરાનગતિને કારણે નાસીપાસ થઇ જયંતીભાઇએ આત્મવિલોપન કરવાની કોશિશ કરી હતી. જેઓ આજે જીવન મરણ વચ્ચે ઝોલા ખાય છે. આ બનાવને આદિવાસી એકતા પરિષદે ગંભીરતાથી લઇ પીડિત પરિવારને ન્યાય અપાવવા માટે એક એક્શન કમિટી બનાવી છે.

જે આ આખા કેસની તપાસ કરશે કે, આ આદિવાસી પરિવારને કેમ એમના ઘરમાંથી બેઘર કરવામાં આવી રહ્યાં હતાં. જેઓ કેટલીક પેઢીઓથી આ ઘર અને આ સ્થાન પર રહી રહ્યા હતા.આ આખા બનાવની તપાસ માટે એક એક્શન કમિટીમાં કાયદા જાણી અને વકીલોની ટીમ અને રાજસ્વ સબંધિત જાણકાર લોકોને તથા સામાજિક અને ઉત્પીડન મામલાને ગંભીરતાથી જાણતા લોકોને સામેલ કરવામાં આવ્યા છે.

આદિવાસી એકતા પરિષદની બનાવવામાં આવેલી આ એક્શન કમિટી એક સપ્તાહમાં પોતાનો રિપોર્ટ સોંપશે. ત્યાર બાદ આદિવાસી એકતા પરિષદ આ મામલાને ભારતીય માનવાધિકાર આયોગ, આંતરરાષ્ટ્રીય માનવાધિકાર આયોગ અને જનજાતિ આયોગ અને સુપ્રીમ કોર્ટ સમક્ષ ઉઠાવવામાં આવશે અને અપીલ કરી પ્રશાસનના આ રવૈયાના વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવશે.

પ્રશાસન જનપ્રતિનિધીઓનું પણ સાંભળતું નથી, મનમાની કરે છેઃ સેલવાસ પાલિકા સભ્ય
સેલવાસના દયાત ફળિયામાં રહેતા આદિવાસી પરિવારના મોભીએ પ્રશાસન દ્વારા ઘર તોડી પાડવાની કાર્યવાહીથી વ્યથિત થઇ આત્મ વિલોપન કરવાના કરેલા પ્રયાસની ઘટના સંદર્ભે નગરપાલિકાના સભ્ય સુમન પટેલે પ્રશાસનની નિતી સામે રોષ ઠાલવતા જણાવ્યું હતું કે,પ્રશાસન અને પ્રશાસનના અધિકારીઓ દ્વારા આદિવાસીઓના ઘરો તોડી તેઓને આપઘાત કરવા સુધી મજબુર કરી રહ્યું છે. પ્રશાસનિક અધિકારીઓ આ વિસ્તારના ચૂંટાયેલ જન પ્રિતિનિધિઓનું પણ કંઈ સાંભળવામાં આવતું નથી અને એમની સાથે પણ ખરાબ વ્યવહાર કરવામાં આવે છે. દયાત ફળિયાની આત્મ વિલોપનના પ્રયાસની ઘટનાને આદિવાસી સમાજ તથા દરેક જાતિના લોકો પ્રશાસનના કૃત્યને સખત શબ્દોમાં વખોડી ઘોર નિંદા કરી રહ્યા છે. આ અંગે પાલિકા સભ્ય સુમન પટેલે કલેક્ટરને પણ લેખિત ફરિયાદ કરી પીડિત પરિવારને ન્યાય અપાવવાની માગ કરી આદિવાસી લોકો સાથે આવો અત્યાચાર કરવો એ તદન ખોટું હોય તેની સખ્ત શબ્દોમાં નિંદા કરી હતી. વાતચીત અને સમજાવટથી દરેક સમસ્યાનું નિરાકરણ કરી શકાતું હોવા છતાં પ્રશાસન હાલ નિષ્ફ્ળ દેખાઈ રહ્યું હોવાનું જણાવ્યું હતું

અન્ય સમાચારો પણ છે...