વલસાડથી ચીખલીના ખુડવેલમાં પીએમ મોદીની સભામાં લઇ જવા માટે રાત્રિથી જ એસટી બસોને સરોધી અને કુંડી વચ્ચે હાઇવે પાર્કિંગ કરતી વેળા ટાયરનું ઘર્ષણ થતાં બસમાં આગ ફાટી નિકળવાના પગલે ભારે દોડધામ મચી ગઇ હતી.
ખૂડવેલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેર સભામાં વલસાડ તાલુકાના વિવિધ ગામોમાંથી મળસ્કેથી જનમેદની લઇ જવા માટે બસોની ફાળવણી કરી ગુરૂવારે રાત્રે જ તમામ બસોને વલસાડ નજીક સરોધી અને કુંડી ગામ વચ્ચે હાઇવે પર એક ખાનગી જગ્યામાં નક્કી કરેલા પાર્કિંગ સ્થળે પહોંચી જવા સૂચના આપવામાં આવી હતી.
શુક્રવારે મળસ્કે મુસાફરોને લઇને પીએમના કાર્યક્રમમાં જવાનું નક્કી થયું હતું.પરિણામે પીએમના કાર્યક્રમમાં જવા નિકળેલી એસટી બસો રાત્રે જ કુંડીના પાર્કિંગ સ્થળે પહોંચી ગઇ હતી.જેમાં એક બસ કુંડી ગામે નક્કી કરાયેલી પાર્કિંગની જગ્યામાં પાર્ક કરવા જતાં ખાડામાં ઉતરી ગઇ હતી.
ચાલકે બસને ખાડામાંથી બહાર કાઢવા રિવર્સ લેતાં પાછલા ટાયરમાં ભારે ઘર્ષણ થવાના પગલે તણખા ઝરતાં એકાએક આગ લાગી ગઇ હતી.જોત જોતામાં જ ભીષણ આગ લાગતાં બસ બળીને ખાક થઇ ગઇ હતી.જો કે સદનસીબે ડ્રાઇવરે સમયસૂચકતા વાપરી આગની જ્વાળામાં લપેટાઇ ગયેલી બસની કેબિનમાંથી કૂદીને બહાર નિકળી આવી જીવ બચાવી લીધો હતો.જો કે બસમાં કોઇ મુસાફર ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી.
લોકલ ટ્રીપો રદ થતાં મુસાફરો રઝળ્યા
શુક્રવારે ચીખલીના ફડવેલ ગામે મોદીના કાર્યક્રમ માટે જિલ્લામાંથી 800 બસ ફાળવાતા અલગ અલગ ગામોની અસંખ્ય ટ્રીપ રદ થતાં હજારો મુસાફરો અટવાયા હતાં અને ખાનગી વાહનોમાં ઉચુ ભાડૂ ખર્ચી મુસાફરી કરવાની નોબત આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.