વલસાડ જિલ્લામાં સવા માસ સુધી વરસાદ ખેંચાઇ ગયા બાદ લાંબી આતુરતા વચ્ચે ગુરુવારે મેઘરાજાની ધમાકેદાર ઇનિંગથી ડાંગરના સૂકાઇ રહેલા પાકને જીવતદાન મળ્યું છે.આ સાથે ધરતીપુત્રોમાં આનંદની લહેર ફરી વળી હતી.જિલ્લાના તમામ તાલુકાઓમાં ધોધમાર વરસાદ ખાબકતાં ઠેર ઠેર જળબંબાકાર થઇ ગયા હતા.જિલ્લામાં બુધવારે રાત્રે 12 થી ગુરૂવારે સાંજે 4 સુધીના 18 કલાકમાં સૌથી વધુ પારડી તાલુકામાં 6.5 ઇંચ,વાપી 6.5 ઇંચ,વલસાડ 6 ઇંચ,ધરમપુર 4 ઇંચ,કપરાડા 2.5 ઇંચ અને ઉમરગામમાં 3 ઇંચ વરસાદ ઝિંકાયો હતો.
નવસારીમાં પણ 78 મિમી જેટલો સારો વરસાદ પડ્યો છે. અન્ય 4 તાલુકામાં પણ અઢીથી સાડા ત્રણ ઈંચ વરસાદ પડ્યો છે. નવસારીને અડીને આવેલા ડાંગમાં પણ સારો વરસાદ પડ્યો છે, જેમાં વઘઇમાં તો 3.92 ઈંચ પડ્યો હતો. સુરત જિલ્લામાં બારડોલી, કામરેજમાં 1 ઇંચ, મહુવામાં 1.5 ઇંચ, માંડવીમાં 1.4 ઇંચ.માંગરોળમાં 1.7 ઇંચ, પલસાણામાં 2 ઇંચ, જ્યારે ઉમરપાડામાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે.
તાપી જિલ્લામાં વાલોડમાં 3 ઇંચ અને ડોલવણમાં 4 ઇંચ વરસાદ પડ્યો હતો.ભરૂચ જિલ્લામાં અંક્લેશ્વરમાં 2 ઇંચ, ભરૂચમાં પોણા બે ઇંચ તેમજ હાંસોટમાં સવા ઇંચ વરસાદ વરસ્યો હતો. આકાશમાંથી સતત મેઘમહેર થવાને કારણે શહેરના વિવિધ માર્ગો પર તેમજ નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં. અમરેલીમાં અનરાધાર ત્રણ ઇંચ વરસાદ ખાબકી ગયો હતો. ઉપરાંત લીલીયામા સાડા ત્રણ ઇંચ, ચિતલમા ત્રણ, બાબરામા એક અને લાઠીમા અડધો ઇંચ વરસાદ થયો હતો. જસદણ અને આટકોટ પંથકમાં પણ વરસાદ પડ્યો છે.
છીપવાડા ગરનાળામાં પાણી ભરાતાં વાહનવ્યવહારને અસર
વલસાડ શહેરમાં ગુરુવારે સવારથી પડી રહેલા વરસાદને લઈને શહેરના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો થયો હતો. વલસાડ શહેર અને ખેરગામને જોડતા છીપવાડ રેલવે ગરનાળામાં વરસાદી પાણીનો ભરાવો થયો હતો, જેને લઈને વલસાડ નગરપાલિકાની પ્રી-મોન્સૂન કામગીરી સામે પ્રશ્નાર્થ ઊઠ્યો હતો. વલસાડ ખેરગામ રોડ પર આવેલા છીપવાડ રેલવે ગરનાળામાં વરસાદી પાણીનો અને રેલવેની ગટરના પાણી આવતાં એનો ભરાવો થયો હતો, જેને લઈને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. છીપવાડ ગરનાળામાં વાહનોની અવારજવર બંધ થતાં વાહનચાલકોને 5 કિલોમીટરનું ચક્કર કાપવાની ફરજ પડી હતી.
નર્મદા બંધની જળ સપાટીમાં 12 કલાકમાં 7 સેમી વધારો
સરદાર સરોવર નર્મદા બંધ ગત વર્ષે 28 ઓગસ્ટ 2020 ના રોજ સાંજે 5 કલાકે 138.68 મીટરને પાર કરતા ડેમના 23 દરવાજા ખોલવામાં આવ્યા હતા. ત્યારે નર્મદા નિગમના MD ડો.રાજીવ ગુપ્તા એ પ્રથમ ટ્વિટ કરી દેશને શુભેચ્છાઓ પાઠવી હતી જોકે આ વર્ષે હાલત કઈ જુદીજ છે. નર્મદા જિલ્લામાં સિઝનનો અત્યાર સુધી માત્ર 487 MM વરસાદ પડ્યો છે એવીજ રીતે મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર માં વરસાદ ખૂબ છે પરંતુ સરદાર સરોવરથી ઓમકારેશ્વર ડેમ સુધીના જે 250 મીટર નો કેચમેન્ટ વિસ્તાર છે જેમાં વરસાદ ખૂબ ઓછો છે. ત્યારે હાલ નર્મદા બંધની જળસપાટી 115.85 મીટર થઇ છે. છેલ્લા 12 કલાકમાં માત્ર 7 સેમીનો વધારો નોંધાયો છે.
અબ્રામા વિસ્તારમાં પાણીનો ભરાવો થતાં રહીશો પરેશાન
વલસાડ શહેરમાં પડેલા વરસાદને લઈને અબ્રામા મણિબાગ સોસાયટીમાં વરસાદી પાણીનો ભરાવો થયો હતો. સવારે માત્ર 1 કલાક વરસાદ પડતાં નગરપાલિકાના પ્રમુખના ઘર નજીકમાં વરસાદી પાણીનો ભરાવો થતાં લોકોનાં ઘરમાં પાણીનો ભરાવો થયો હતો. પાલિકા દ્વારા વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવી હતી. લોકોએ આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની માગ કરી હતી.
મધુબન ડેમની સપાટી 75.35 મીટર નોંધાઈ
મધુબન ડેમમાં હાલ 6928 ક્યૂસેક પાણીની આવક થઈ રહી છે. ડેમના 2 દરવાજા 1 મીટર ખુલ્લા રાખી 10 હજાર 318 ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ભેરવી ખાતે ઓરંગા નદીની સપાટી 0.99 મીટર નોંધવામાં આવી છે. જ્યારે અબ્રામા ખાતે 4.88 મીટર પાણી નોંધાયું છે તો પારડીની પાર નદી ઉપર 1 મીટર અને કોલક નદી પર 0.60 મીટર સપાટી નોંધાઈ છે.
6 તાલુકામાં 71 હજાર હેકટર ડાંગરના પાકનું વાવેતર હેક્ટરમાં | |
તાલુકો | વાવેતર |
ધરમપુર | 14790 |
કપરાડા | 19000 |
પારડી | 9100 |
ઉમરગામ | 10390 |
વલસાડ | 14055 |
વાપી | 3615 |
કુલ | 70950 |
મોનસૂન મીટર | |
તાલુકા | ઈંચ |
વલસાડ | 6.5 |
પારડી | 6.5 |
વાપી | 6.5 |
તાલુકા | ઈંચ |
ઉમરગામ | 3 |
ધરમપુર | 4 |
કપરાડા | 2.5 |
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.