• Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • Along With 11 Best Teachers Of Valsad, 8 Granted Schools And 15 Talented Students Were Felicitated With 100 Percent Results In Board Exams.

સન્માન:વલસાડના 11 શ્રેષ્ઠ શિક્ષકોની સાથે બોર્ડની પરીક્ષામાં 100 ટકા પરિણામ લાવનાર 8 ગ્રાન્ટેડ શાળા અને 15 પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું સન્માન કરાયું

વલસાડ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વલસાડ જિલ્લા-તાલુકાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહ નાણામંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં યોજાયો, સંવેદના વગર કોઈ શિક્ષક બની શકે નહીઃ કનુભાઈ દેસાઈ

કોઈપણ માણસ માટે જીવનમાં આ રીતે સન્માનિત થવું પ્રેરણાદાયી કહેવાય છે. આપણે કરેલી સુંદર કામગીરીની પ્રશંસા થાય તો તે વ્યક્તિને વધુ સારી કામગીરી કરવાની પ્રેરણા મળે છે. સંવેદના વગર કોઈ શિક્ષક બની શકે નહીં. શિક્ષણને એક નોકરી તરીકે નહીં પણ કર્મયોગી સેવા તરીકે જોશો તો નવા ભારતનું નિર્માણ શક્ય છે. એમ શિક્ષક દિન નિમિત્તે વલસાડ જિલ્લા અને તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહ-2022 પ્રસંગે રાજ્યના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈએ વલસાડની સરસ્વતી ઈન્ટરનેશનલ સ્કૂલ ખાતે જણાવ્યું હતું.

કનુભાઈ દેસાઈએ શિક્ષણનું મહત્વ સમજાવી ગુજરાતે શરૂ કરેલી પહેલ અંગે વધુમાં કહ્યું કે, ગુજરાત સરકારે નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી બન્યા પછી સૌ પ્રથમ શિક્ષણની જરૂરીયાત ઉપર ભાર મુકી શિક્ષિત સમાજ જ રાષ્ટ્રનું નિર્માણ કરી શકે તે માટે શાળા પ્રવેશોત્સવ ચાલુ કર્યો, એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટે દરેક શાળાએ દરેક અધિકારી-પદાધિકારી, નેતા અને વહીવટી તંત્ર જાય છે અને ત્યારબાદ જે શિક્ષણ મળે છે તે કેવુ છે તે જાણવા માટે ગુણોત્સવ પણ શરૂ કર્યો હતો. દેશનું સૌપ્રથમ સમીક્ષા કેન્દ્ર ગુજરાતમાં બન્યું, જેમાં રાજ્યની દરેકે દરેક શાળામાં કામકાજ કેવુ ચાલે છે, શિક્ષણ કેવુ ચાલુ છે, વિદ્યાર્થીઓની હાજરી કેટલી છે, કેટલા શિક્ષકો આવે છે તે ઈન્ટેરનેટ કનેકશનથી ચાલતા સમીક્ષા કેન્દ્ર દ્વારા જાણી શકાય છે. વડાપ્રધાન ગુજરાતની મુલાકાતે આવ્યા ત્યારે આ કેન્દ્રની મુલાકાત લીધી હતી. શિક્ષણ માટે આપણો દેશ કેટલો ચિંતિત છે એ આ તમામ બાબત પરથી જણાય છે. શિક્ષકોએ સતત અપડેટ રહીને નવા આયામો સર કરવા જોઈએ. આપણે દરેકે આજીવન વિદ્યાર્થી રહેવુ જોઈએ. જીવનના દરેક તબક્કે કંઈકને કંઈક નવું શીખવા મળે છે. કોરોના કાળમાં આદિવાસી વિસ્તારમાં ઓનલાઈન ભણવા માટે નેટ મળતું ન હતું. વિદ્યાર્થીઓની આ સમસ્યા જાણી 500 જેટલા મોબાઈલ ટાવર ઉભા કરવાનું આયોજન કર્યું છે. આદિવાસી વિદ્યાર્થી ડોકટર બને તે માટે વિવિધ સ્પર્ધામાં આદિવાસી વિદ્યાર્થી આગળ રહે તે માટે ગાંધીનગરમાં કલાસ શરૂ કર્યા છે.

સમારોહમાં જિલ્લા કક્ષાના 4 શિક્ષકોને પ્રમાણપત્ર, શાલ અને રૂ. 15,000 નો ચેક તેમજ તાલુકા કક્ષાના 7 શ્રેષ્ઠ શિક્ષકોને પ્રમાણપત્ર, શાલ અને રૂ. 5,000નો ચેક આપી સન્માનિત કરાયા હતા. જ્યારે તેમની સ્કૂલના આચાર્યોનું પ્રશસ્તિપત્ર વડે સન્માન કરાયું હતું. બોર્ડની પરીક્ષામાં જિલ્લામાં 100 ટકા પરિણામ મેળવનાર 33 શાળા છે જે પૈકી 8 ગ્રાન્ટેડ શાળાના આચાર્ય અને ટ્રસ્ટીઓનું પણ સન્માન કરાયું હતું. આ સિવાય જિલ્લાની વિવિધ શાળાના 15 પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું પણ સન્માન કરાયું હતું.

જિલ્લા પંચાયત પ્રમુખ અલકાબેન શાહે ચાણક્યના વિધાનને ટાંકીને જણાવ્યું કે, શિક્ષક કયારેય સાધારણ નથી હોતો, જીવનમાં માતા પિતા કરતા શિક્ષકનું મહત્વ વિશેષ છે. માતા-પિતા જન્મ આપે છે પણ શિક્ષક અક્ષરરૂપી જ્ઞાન આપી અજ્ઞાનરૂપી અંધકાર દૂર કરી બાળકોનો સર્વાંગી વિકાસ થાય તે માટે જ્ઞાનના માર્ગે લઈ જાય છે. સડક અને શિક્ષક બંને એક સમાન છે બંનેનું કામ મંજિલ સુધી પહોંચાડવાનું છે. શિક્ષક દિનની સૌને શુભેચ્છા પાઠવી વલસાડના સંસદ સભ્ય ડો. કે.સી.પટેલે જણાવ્યું કે, દેશને આગવું સ્થાન અપાવવામાં શિક્ષકોનું યોગદાન મહત્વનું છે. કોરોનાની સ્વદેશી વેક્સિન તૈયાર કરવામાં સફળતા મળી તે શિક્ષકોને આભારી છે. એક શિક્ષક 100 માતાની જરૂર સારે છે.

સમાજ ઘડતરમાં શિક્ષકનું મહત્વ સમજાવતા ઉમરગામના ધારાસભ્ય રમણલાલ પાટકરે જણાવ્યું કે, ગુરૂજ્ઞાન મેળવી આપણે સિધ્ધિ મેળવીએ છીએ, કોઈ કલેકટર, કોઈ ધારાસભ્ય તો કોઈ મંત્રી બને છે. ગુરૂ વિના ઉધ્ધાર શક્ય નથી. છોડના વેલાને જેવો ચઢાવો તેવો ચઢે તેમ બાળકોનું ઘડતર પણ મહત્વનું છે. સમાજ સુધારક તરીકે ગુરૂ ઉપર વિશેષ જવાબદારી છે. નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી બન્યા બાદ કામ કરવાની ત્રેવડ બદલાઈ છે. તેમણે કર્મચારી અને કર્મયોગી વચ્ચેનો ભેદ સમજાવ્યો છે. આદિજાતિ વિભાગમાં છેલ્લા 5 વર્ષમાં જે રીર્ઝવ સીટ ભરાતી ન હતી તે હવે ભરાઈ જાય છે. જે શિક્ષણ પ્રત્યેની જાગૃતિ બતાવે છે. વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલે પારિતોષિક મેળવનાર શ્રેષ્ઠ શિક્ષકો અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને શુભેચ્છા આપી હતી.

પ્રેરણાત્મક ઉદબોધનમાં જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેએ જણાવ્યું કે, આપણું સંતાન આપણને એકની એક વાત 50 વાર પૂછે છે તે રીતે દર વર્ષે વિદ્યાર્થીઓ પણ વિવધ પ્રવૃત્તિ અને અભ્યાસક્રમ અંગે શિક્ષકને પૂછે છે ત્યારે શિક્ષક કંટાળ્યા વગર પ્રેમથી સમજાવે છે. વિદ્યાર્થીઓ તો અભ્યાસ કરીને આગળ નીકળી જાય છે પણ શિક્ષક ત્યાંના ત્યાં જ રહે છે એટલે આજના દિવસે શિક્ષકોને ખાસ અભિનંદન આપવા પડે. વધુમાં તેમણે પોતાના શિક્ષકોનો પણ આભાર માન્યો હતો.

આ પ્રસંગે વલસાડ નગર પાલિકાના પ્રમુખ કિન્નનરીબેન પટેલ, સરસ્વતી ઈન્ટરનેશનલ સ્કૂલના ચેરમેન ગીરીશભાઈ પંડયા તેમજ શિક્ષણ જગતના વિવિધ સંઘના પ્રમુખો ઉપસ્થિત રહ્યા હતા. સ્વાગત પ્રવચન જિલ્લા શિક્ષણાધિકારી કે.એફ.વસાવાએ કર્યું હતું. જ્યારે આભારવિધિ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બી.ડી.બારીયાએ કરી હતી. જ્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઉન્નતિબેન દેસાઈ અને સ્મૃતિબેન દેસાઈએ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...