નારગોલ બીચ ખાતે રામસેતુ ફિલ્મનું શૂટિંગ:રામસેતુ ફિલ્મના શૂટિંગ માટે અક્ષય અને જેક્લીન નારગોલ બીચ પર આવી પહોંચ્યા, શૂટિંગ કરી અક્ષયે ચાહકોનું અભિવાદન જીલ્યું

વલસાડ14 દિવસ પહેલા
  • અક્ષય અને તેમની ટીમ કોરોના નેગેટિવ જાહેર થતાં ફિલ્મનું અધૂરું શૂટિંગ શરૂ થયું
  • અક્ષય અને પ્રોડક્શન હાઉસે અધૂરા શૂટિંગ માટે નારગોલ અને દમણ બીચની પસંદગી કરી
  • રામસેતુ ફિલ્મ માટે એક ગીત અને બાકીના મહત્વના ભાગોનું શૂટિંગ અહિંના બીચ પર કરવામાં આવશે

અભિનેતા ખિલાડી અક્ષય કુમાર પોતાની આવનારી ફિલ્મ રામસેતુ માટે ઉમરગામના નારગોલ અને દમણ બીચ ખાતે શૂટિંગ કરવા અભિનેત્રી જેક્લીન સાથે સોમવારે મોડી સાંજે દમણ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા અને મંગળવારે રામસેતુ ફિલ્મનું શૂટિંગ નારગોલ બીચ ખાતે શરૂ કર્યું હતું. નોંધનીય છે કે અક્ષય કુમાર અને જેક્લીનની નવી ફિલ્મ રામસેતુના શૂટિંગ માટે શ્રીલંકાના દરિયા કિનારાની પસંદગી થઈ હતી, પરંતુ શ્રીલંકાની કોવિડ ગાઈડલાઈનને લઈને ફિલ્મના શૂટિંગ માટે પ્રોડક્શન હાઉસને પરમિશન ન મળતાં ઉમરગામ અને દમણના બીચની પસંદગી કરવામાં આવી હતી. નારગોલ બીચ શાંત અને સુંદર બીચ હોવાથી તેમજ લોકેશન ફિલ્મની સ્ટોરીને અનુકૂળ હોવાથી નારગોલ અને દમણના બીચ પર પસંદગી મુકવામાં આવી હતી.

લોકડાઉન દરમિયાન પ્રોડક્શન હાઉસની ટીમ વલસાડ જિલ્લાના તમામ બીચ અને લોકોશનના ફોટા પાડી ગયા હતા. ફોટોગ્રાફ્સના આધારે અક્ષય અને પ્રોડક્શન હાઉસે નારગોલ અને દમણ બીચની પસંદગી કરી હતી. અક્ષયના રામસેતુ ફિલ્મ માટે એક ગીત અને બાકીના મહત્વના ભાગોનું શૂટિંગ અહિંના બીચ પર કરવામાં આવશે. જેની માટે અક્ષય કુમાર અને જેક્લીન સોમવારે મોડી સાંજે દમણ એરપોર્ટ ઉપર શૂટિંગ ટીમ સાથે આવી પહોંચ્યા હતા. જ્યાં દમણ કોસ્ટગાર્ડની ટીમે અક્ષય અને જેક્લીનનું સ્વાગત કર્યું હતું. નોંધનીય છે કે દમણની ડેલટીન હોટલમાં અક્ષય અને તેમની શૂટિંગ ટીમ રોકાઈ છે.

અક્ષય કુમારની આગામી ફિલ્મ રામસેતુ તૈયાર થવા જઈ રહી છે. આ ફિલ્મના એક ગીત અને કેટલાક મહત્વના ભાગોનું શૂટિંગ કરવાનું બાકી છે. આ ભાગ શ્રીલંકાના દરિયા કિનારે શૂટ થવાના હતા, પરંતુ ફિલ્મના પ્રોડક્શન હાઉસે શ્રીલંકામાં શૂટિંગ માટે કોવિડ ગાઈડલાઈન દર્શાવી પરવાનગી આપી ન હતી. ઉપરાંત અક્ષય અને તેમની ટીમ કોરોના સંક્રમિત જાહેર થતાં ફિલ્મનું શૂટિંગ અધૂરું રહ્યું હતું. આથી અક્ષય અને તેમની ટીમ નેગેટિવ આવ્યા બાદ ફિલ્મના શૂટિંગ માટે ઉમરગામ અને દમણના દરિયા કિનારાની શૂટિંગ માટે પસંદગી કરવામાં આવી છે. નારગોલ બીચ ઉપર મંગળવારે રામસેતુ ફિલ્મના બાકી રહેલા મહત્વના શુટિંગની ફરી શરૂઆત કરાઈ હતી. અક્ષય અને શૂટિંગ ટીમમાંથી કેટલાક લોકો સંક્રમિત જાહેર થતા અને કોવિડ ગાઈડલાઈનને લઈને શ્રીલંકા સરકારે અક્ષયના પ્રોડક્શન હાઉસને શૂટિંગ કરવા આપેલી પરમિશન રદ્દ કરી હતી. જેથી મંગળવારે દિવસ દરમિયાન નારગોલ બીચ ઉપર અક્ષયે તેમની ટીમ સાથે શૂટિંગ કર્યું હતું. શૂટિંગ પૂર્ણ થયા બાદ અક્ષયે તેમના ચાહકોનું અભિવાદન જીલ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...