તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માનવતાની મહેક:આગમાં બેઘર થયેલા પરિવારની વહારે આહિર સમાજ, વલસાડના જેસિયા ગામના પરિવારને ઘર બાંધવા ચાર લાખનું દાન આપ્યું

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક

જેના માથેથી ઘરની છત છીનવાઇ જાય ત્યારે બેઘર બનતા પરિવારની હાલત કેવી હોય શકે તે વિચાર કંપાવનારું હોય છે. વલસાડ તાલુકાના જેસિયા ગામે આહિર સમાજના એક પરિવારના ઘરમાં આગ લાગતાં આખું ઘર સ્વાહા થઇ ગયું હતું. કપડાલત્તા સુધી બળીને ખાખ થઇ જતાં આ પરિવાર માટે ઉપર આભ અને નીચે ધરતી જેવી સ્થિતિ સર્જાઇ હતી. દ.ગુ.આહિર સમાજે બેઘર પરિવારની વ્હારે આવવા દાન એકત્ર કરવાનું બીડું ઉપાડી રૂ.4 લાખ ભેગા કરી ઘરનં કામ શરૂ કરી માનવતાનું ઉદાહરણ પુરૂં પાડ્યું છે.

જેસિયા ગામમાં છગનભાઈ આહિરના ઘરમાં અચાનક આગ લાગતા ઘર બળીને ખાખ થઈ ગયું હતું. આવી આકસ્મિક આફતમાં છગનભાઈના કુટુંબને સહારો આપવા દક્ષિણ ગુજરાત આહિર સમાજના યુવાનો તેમજ અગ્રણીઓ આગળ આવી આ મુશ્કેલ ઘડીમાં સમાજના ગરીબ સભ્ય છગનભાઈના પરિવારન માટે નવું પાકું ઘર બનાવી આપવાનું બીડું હાથ ધર્યું છે.દ.ગુ.આહિર સમાજના આગેવાનો,યુવાનો સમાજના જે બેઘર થઇ ગયેલ પરિવારને થાળે પાડવા દાન ભેગું કરવા કામે લાગી ગયા હતા.

જેના અંતે ઘરના નિર્માણનું કામ શરૂ કરી દેવાતાં દક્ષિણ ગુજરાત આહિર સમાજે અન્ય સમાજો માટે પણ આવા કિસ્સાઓમાં માનવતાનું ઝરણું વહેડાવીને આફતગ્રસ્તોની વ્હારે આવવા પ્રેરણારૂપ દાખલો બેસાડ્યો છે.સમાજના અગ્રણીઓ બિપીનભાઈ આહિર, દિપકભાઈ આહિર (કછોલી), સંજયભાઈ આહિર, ગીરીશભાઈ આહિર જીતુભાઈ આહિર બાબુભાઈ આહિર, ગૌરવભાઈ આહિર કેતનભાઈ આહિર દિપકભાઈ આહિર (હાલર) દ્વારા આહિર સમાજના દરેક દાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

સોશિયલ મીડિયા થકી દાન એકત્ર કર્યું
દ.ગુ.આહિર સમાજે પીડિત પરિવારને નવું પાકું ઘર બનાવી આપવા માટે ઘરની અંદાજિત કિંમત રૂ.5.51 લાખ નક્કી કરાતા તેની જવાબદારી ખાસ કરીને સમાજના યુવાન આગેવાનોએ ઉપાડી લીધી હતી.આ બીડું સમાજના યુવાનોએ ઝડપવા સોશ્યિલ મીડિયાના માધ્યમથી સમાજના દાતાઓને ટહેલ નાંખી હતી.જેને ઉમળકાભેર સમાજે વધાવી લીધી હતી.

એડવાન્સ પેટે રૂ.1.02 લાખ અર્પણ કર્યા
ઘર બનાવવાં માટે કોન્ટ્રાકટરને એડવાન્સ પેટે રૂ.1.02 લાખ આપી કામ શરૂ કરી દીધું છે. હાલમાં અંદાજિત રૂ.4 લાખનું જેટલું દાનની રકમ ભેગા કરાઇ હોવાનું ભાગડાવડા ડે.સરપંચ ગૌરવ આહિરે સભ્યોને જણાવ્યું હતું. દ. ગુ.આહિર સમાજના સભ્યોની હાજરીમાં પિડીત છગનભાઈના હાથે કોન્ટ્રાકટર ને એડવાન્સ આપી ઘરનું કામગીરી શરૂ કરી દેવાઇ છે.

અન્ય સમાચારો પણ છે...