કોરોના સાથે સ્વાઈનફ્લૂ:વલસાડ જિલ્લામાં બે વર્ષ બાદ સ્વાઈનફ્લૂએ દેખા દીધી, આજે નવા બે કેસ નોંધાયા; ઉમરગામની સંક્રમિત મહિલાનું મોત

વલસાડ3 દિવસ પહેલા
  • વલસાડ જિલ્લામાં હાલ સ્વાઈન ફ્લૂના 9 એક્ટિવ કેસ
  • સામાન્ય લક્ષણ જણાઈ આવે તો તાત્કાલિક N1H1નો ટેસ્ટ કરવી લેવા આરોગ્ય વિભાગની સૂચના

વલસાડ જિલ્લામાં ચાલુ વર્ષે ફરી સ્વાઇન ફ્લૂની દસ્તક જોવા મળી છે. આજે વધુ 2 સ્વાઇન ફ્લુ સંક્રમિત દર્દીઓ સાથે જિલ્લામાં 9 સ્વાઇન ફ્લૂ સંક્રમિત દર્દીઓ જાહેર થયા છે. જે પૈકી ઉમરગામની 60 વર્ષીય મહિલાનું વલસાડ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. જ્યારે 6 જેટલા સ્વાઇન ફલૂ સંક્રમિત દર્દીઓએ આરોગ્ય વિભાગની ગાઈડ લાઈન મુજબ સારવાર મેળવી ડિસ્ચાર્જ થયા છે. આરોગ્ય વિભાગે લોકોને તકેદારી રાખવા અંગે અપીલ કરી છે.

વલસાડમાં બે વર્ષ બાદ સ્વાઈન ફ્લૂએ દેખા દીધી
વલસાડ જિલ્લામાં ચાલુ વર્ષે સ્વાઇન ફ્લૂની દસ્તક જોવા મળી છે. 2 વર્ષ બાદ સ્વાઇન ફલૂ ફરી જોવા મળી રહ્યો છે. સ્વાઇન ફલૂ સંક્રમિત દર્દીઓને તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે. કોવિડ અને સ્વાઈ ફ્લુના લક્ષણો અને સારવાર તેમજ ગાઈડલાઈન સરખી જ છે, સ્વાઇન ફલૂમાં વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે N1H1નો ટેસ્ટ કરવામાં આવે છે. લક્ષણ ધરાવતા ધરાવતા લોકોએ તકેદારીના ભાગ રૂપે સામાન્ય લક્ષણો ધરાવતા લોકોએ તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્ર ઉપરથી સારવાર મેળવી લેવા અપીલ કરવામાં આવી છે.

વલસાડમાં સ્વાઈન ફ્લૂના દર્દીની સારવાર માટે અલાયદો વોર્ડ
વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે સ્વાઇન ફલૂ માટે 15 બેડનો સાદો વોર્ડ અને 6 બેડનો ICU વિભાગમાં વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે 15 જેટલા N1H1માં ટેસ્ટ કરવામાં આવ્યા હતા. પૈકી કુલ 9 જેટલા દર્દીઓ સ્વાઇન ફલૂ સંક્રમિત જાહેર થયા હતા. પૈકી ઉમરગામ તાલુકામાં એક 60 વર્ષીય વૃદ્ધાએ સ્વાઇન ફલૂ સંક્રમિત દર્દીએ નજીકના ખાનગી ક્લિનિકમાં સારવાર કરાવી વાપીની એક ખાનગી હોસ્પિટમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. જ્યાંથી વધુ સારવાર માટે વલસાડ સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમ્યાન મહિલાનું મોત નિપજયું હતું. જેને લઈને વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ દોડતી થઈ છે

સ્વાઇન ફ્લુના લક્ષણો

  • શરદી-ખાંસી
  • ગળામાં દુખાવો
  • ભારે તાવ રહેવો
  • શરીર દુઃખવું અને નબળાઈ રહેવી
  • શ્વાસ ચઢવો
  • ઝાડા-ઉલટી સહિતના અન્ય લક્ષણો

બાળકોમાં સ્વાઇન ફ્લૂના લક્ષ્ણો
બાળકોમાં સ્વાઈન ફ્લૂનાં લક્ષણોમાં ઝડપી શ્વાસોચ્છવાસ અથવા શ્વાસ લેવા માટે ભારે મહેનત, ત્વચાનો રંગ વાદળી થઈ જવો, પૂરતું પ્રવાહી પીવાય નહીં, જાગવું નહી કે આંતરક્રિયા કરવી નહીં, એટલા ચીડીયા થઈ જવું કે બાળક તેને ઊંચકવામાં આવે તેમ ઈચ્છે નહીં, ફલૂ જેવાં લક્ષણોમાં સુધારો થાય, પરંતુ પછી તાવ અને ખરાબ ઉધરસ સાથે પાછાં આવે, લાલ ચકામા સાથે તાવ, ખાઈ ન શકાય, રડે ત્યારે આંસુ ન નીકળે વગેરે.

કોને પ્રભાવિત કરી શકે
હળવાં લક્ષણોમાં તાવ, ગળાના સોજો, ઉધરસ, માથાનો દુ:ખાવો, સ્નાયુ કે સાંધામાં દુ:ખાવો અને ઉબકા અને ઊલ્ટી કે અતિસારનો સમાવેશ થઈ શકે. જેમનામાં આ લક્ષણો તીવ્ર માત્રામાં હોય તેમાં વધુ જોખમ હોય છે તેમાં સમાવિષ્ટ છે,અસ્થમા, ડાયાબિટીસ, જાડાપણા સાથે, હૃદયરોગ, બાળકો અને સગર્ભા સ્ત્રીઓ. આ ઉપરાંત, અગાઉ ખૂબ તંદુરસ્ત વ્યકિતઓ માટે પણ ઓછી ટકાવારીમાં દર્દીઓને વાયરલ ન્યૂમોનિયા કે તીવ્ર શ્વાસોચ્છવાસ તકલીફના લક્ષણો વિકસી શકે. આ સાથે જ શ્વસનની વધેલી તકલીફ તરીકે દેખાય છે અને સ્વાઈન ફ્લૂ લક્ષણોની પ્રારંભિક શરૂઆત પછી 3-6 દિવસોમાં ખાસ કરીને થાય છે.

મહિલાનો પારડીમાં અંતિમ સંસ્કાર કરાયા
ઉમરગામની મહિલાનું સ્વાઇન ફ્લ્યુથી મોત થતાં તેના મૃતદેહને સિવિલમાંથી પીએમ બાદ ખુબ જ સાવધાનીથી પીપીઇ કિટ સાથે કર્મચારીઓએ એમ્બ્યુલન્સમાં પારડી લઇ જવામાં આવી હતી.જ્યાં તેણીનું ખુબજ સાવચેતી સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું.

સ્વાઈન ફ્લૂમાં માસ્ક પહેરવું જોઈએ
પારડીના તબીબ ડો. એમ.એમ કુરેશીના જણાવ્યા મુજબ ઇન ફ્લ્યુથી ગભરાશો નહી, શરદી, ખાંસી અને તાવ ધરાવતા હોય તેવા રોગીઓથી દૂર રહેવું. આંખ, નાક અને મોંઢાને સ્પર્શ કર્યા બાદ કોઈ વસ્તુને સ્પર્શ ટાળવો, સ્પર્શ કરવો હોય તો પહેલાં સાબુ અથવા એન્ટિસેપ્ટિક દ્રવ્યથી હાથ ધોવા જોઈએ. છીંક અથવા તો ઉધરસ આવે ત્યારે મોંઢા અને નાક પર રૂમાલ રાખવો. રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય તે પ્રકારનું ભોજન લેવું જોઈએ. દહીં ખાવું જોઈએ નહીં અને તેની જગ્યાએ છાશ પી શકો છો. ઉકાળેલું પાણી પીવું અને પોષકયુક્ત શાકભાજી અથવા તો ફળો ખાવા જોઈએ. ભીડભાડવાળી જગ્યાએ જવાની જગ્યાએ ઘરે આરામ કરવો જોઈએ. જાહેર સ્થળોએ માસ્ક પહેરવાં જોઈએ. આ રોગ ફેલાતો અટકાવવા માંદા માણસો માટે માસ્ક પહેરવાનું ફરજીયાત છે.

અન્ય સમાચારો પણ છે...