મોસમનો મિજાજ:3 દિ’ના વિરામ બાદ ફરી મેઘમહેર, ઉમરગામમાં સાૈથી વધુ 3.5 ઇંચ

વલસાડએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉપરવાસમાં પડેલા ભારે વરસાદથી કપરાડાના સિલ્ધા ગામે કોલકનદીના ત્રણ ચેકડેમ છલકાઇ ગયા. - Divya Bhaskar
ઉપરવાસમાં પડેલા ભારે વરસાદથી કપરાડાના સિલ્ધા ગામે કોલકનદીના ત્રણ ચેકડેમ છલકાઇ ગયા.
  • ધરમપુર પોણા 2, કપરાડા સવા 1, પારડી 1.5, વલસાડ 1.5 ઇંચ જ્યારે વાપીમાં સવા 2 ઇંચ વરસાદથી ઠંડકનો માહોલ

જિલ્લામાં ચાલૂ સપ્તાહે વચ્ચેના 3 દિવસ મેઘરાજાએ પોરો ખાતા લાંબા સમય બાદ સૂર્યનારાયણે દર્શન કરાવ્યા હતા,જેના બીજા દિવસે જ મેઘરાજાની પધરામણી થતાં ચોમાસાનું વાતાવરણ જામી ગયું હતું.ગુરૂવારે સાંજે 6 થી શુક્રવારે સાંજે 6 સુધીના 24 કલાકમાં જિલ્લાના તમામ તાલુકાઓમાં મધ્યમ ગતિએ થયેલા વરસાદના પગલે ઠંડકનો માહોલ પ્રસરી ગયો હતો.

ઓગષ્ટ દરમિયાન ફરીથી મેઘરાજાની જોરદાર અને તોફાની શરૂઆત થતાં સિઝનના વરસાદની ખેંચનો ઉકેલ આવી ગયો હતો
ચાલૂ વર્ષે જૂન અને જૂલાઇ સુધીના ગાળામાં વચ્ચેના દિવસો દરમિયાન વરસાદ થયો હતો,પરંતું રોપણી માટે આ વરસાદ પર્યાપ્ત ન થતાં ખેડૂતોમાં મોટી મુશ્કેલીમાં મૂકાઇ ગયા હતા.જિલ્લામાં નાના અને સિમાંત ખેડૂતો આકાશી ખેતી પર નભતા હોવાથી વરસાદની ખૂબ જ જરૂરિયાત રહે છે.જૂલાઇના ત્રીજા અઠવાડિયા સુધી મેઘરાજા નહિ વરસતા વરસાદ ખેંચાઇ જવાના પગલે ખેડૂતોના ધરૂ પણ સૂકાવા માડ્યા હતા.જો કે ઓગષ્ટ દરમિયાન ફરીથી મેઘરાજાની જોરદાર અને તોફાની શરૂઆત થતાં સિઝનના વરસાદની ખેંચનો ઉકેલ આવી ગયો હતો.દરમિયાન ઓગષ્ટના છેલ્લા સપ્તાહ વચ્ચે પણ સતત વરસાદ રહેતા તડકો પણ ન પડતાં લોકોમાં ઉચાટ જોવા મળ્યો હતો.જો કે છેલ્લા 3 દિવસ ઉઘાડ થતાં સૂર્યનારાયણે દર્શન દેતાં લોકોને હાશ્કારો મળ્યો હતો.

હવે ફરી શુક્રવારે મેઘરાજા જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસતા ચોમાસું વાતાવરણ પૂન: જામી ગયું હતું.સૌથી વધુ ઉમરગામ તાલુકામાં 3.5 ઇંચ વરસાદ વરસ્યો હતો.અન્ય તાલુકાઓમાં 1 થી દોઢ ઇંચ જેટલો સરેરાશ વરસાદ થતાં 3 દિવસના તડકાના વાતાવરણના અંતે વરસાદી માહોલ રહ્યો હતો.

કપરાડા કરતા ઉમરગામ તાલુકામાં આ વર્ષે વધુ વરસાદ
દરવર્ષે વલસાડ જિલ્લાના અંતરિયાળ તાલુકો કપરાડામાં સૌથી વધુ 100 ટકાથી વધુ વરસાદ પડે છે.પરંતું ચાલૂ વર્ષે અત્યાર સુધીની સિઝનમાં સૌથી વધુ વરસાદ ઉમરગામ તાલુકામાં પડ્યો છે.આ તાલુકામાં 1935 મિમિ વરસાદ થયો છે જ્યારે બીજા ક્રમે વલસાડ તાલુકામાં 1795 મિમિ અને ત્રીજા ક્રમે કપરાડા તાલુકામાં 1711 મિમિ વરસાદ પડ્યો છે.

અન્ય સમાચારો પણ છે...