વરસાદ:વલસાડ જિલ્લામાં 14 દિવસ બાદ ધોધમાર વરસાદ, વલસાડમાં 3 ઇંચ, વાપીમાં 3.5 ઇંચ

વલસાડ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પારડી 2 ઇંચ,ધરમપુર 1 ઇંચ,કપરાડા 2.5 ઇંચ, વલસાડમાં વૃક્ષ-વિજપોલ ધરાશાયી

વલસાડ જિલ્લામાં ચોમાસાની ચાલૂ ઋતુ દરમિયાન 14 દિવસથી મેઘરાજાએ લાંબો વિરામ લીધા બાદ મળસ્કે ભારે ગાજવીજ અને કડાકા ભડાકા સાથે મેઘરાજાની રિએન્ટ્રી થઇ હતી.જેમાં વલસાડ અને વાપી પંથકમાં ભારે પવનના સુસવાટા સાથે ધોધમાર વરસાદ વરસતાં પાણી પાણી થઇ ગયા હતા.આ સાથે ધરમપુર, કપરાડામાં પણ વરસાદ પડતાં ગરમાટામાંથી રાહત મળી હતી.

જૂલાઇ માસ દરમિયાન અતિભારે વરસાદે સમગ્ર જિલ્લાના ધમરોળી નાંખ્યું હતું.ઉપરવાસમાં ધરમપુર અને કપરાડા તાલુકામાં અતિભારે વરસાદના પગલે ઔરંગાનદીમાં સળંગ 4 વખત પૂર આવતાં વલસાડ શહેર અને કાંઠાના વિસ્તારોમાં ભારે તબાહી સર્જાઇ હતી.લોકોના ઘરોમાં પાણી ભરાઇ જતાં ઘરવખરીને ભારે નુકસાન થયું હતું.ત્યારબાદ વરસાદની ગતિ ધીમી પડી ગઇ હતી.17 ઓગષ્ટ સુધી વરસાદી સિઝન જારી રહ્યા બાદ વાતાવરણમાં ઉઘાડ થતાં લોકોઅ રાહત અનુભવી હતી.પરંતું પછીના દિવસોમાં છેલ્લા 14 દિવસથી વરસાદે હાથ તાળી આપતા વાતાવરણમાં ભારે ગરમાટો અને બફારો સર્જાયો હતો.

દરમિયાન ગુરૂવારે મળસ્કે 2.30થી 3 વાગ્યાના સુમારે અચાનક ભારે ઘરેરાટી અને વિજકડાકા શરૂ થઇ ગયા હતા.ભારે પવન અને વાદળોની મેઘગર્જના સાથે વરસાદ ચાલૂ થઇ જતાં વલસાડ તાલુકામાં 3 ઇંચ અને વાપી તાલુકામાં 3.5 ઇંચ ધોધમાર વરસાદ ઝિંકાતા ઠેર ઠેર પાણીના દશ્યો જોવા મળ્યા હતા.વલસાડના ભદેલીમાં ભારે પવન અને વરસાદ વચ્ચે એક વૃક્ષ પડતાં વિજપોલના બે ટૂકડા થઇ ગયા હતા. વરસાદી માહોલથી વાતાવરણમાં ઠંડક વ્યાપી હતી.

ડાંગરના ખેતરોને પાણી મળતાં પાકને ફાયદો
છેલ્લા 14 દિવસથી ડાંગરના પાકને ખેતીલાયક વરસાદની જરૂર હતી.થોડો વરસાદ પડે તો ખેતરોમાં ડાંગરના પાકને ફાયદો થઇ શકે અને ડાંગરની કણીઓ લચકદાર બની શકે તે માટે વરસાદની આવશ્યકતા વર્તાઇ હોવાનું કેટલાક ખેડૂતોએ જણાવ્યું હતું.દરમિયાન વલસાડ જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં માફક વરસાદ પડતાં ડાંગરના પાક માટે અનૂકુળ વાતાવરણ સર્જાયું હોવાની કેફિયત ખેડૂતો દ્વારા દર્શાવાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...