દમણમાં કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલના અધ્યક્ષ સ્થાને ઇન્ડસ્ટ્રી એક્સ્પોનું ઉદ્ઘાટન કરાયું હતું. જેમાં પ્રશાસક પ્રફુલ પટેલે દાવો કર્યો હતો કે, દમણમાં 5 વર્ષમાં માફિયા રાજ દૂર કર્યુ છે. દમણ અને દાદરા નગર હવેલીમાં માફિયાગીરી ચાલી રહી હતી. ત્યારે કંપની સંચાલકોથી લઈને લેબર સુધીના લોકો માફિયાગીરીથી કંટાળી ચુક્યા હતા. છેલ્લા 5 વર્ષમાં તમામ માફિયાઓને સંઘ પ્રદેશથી દૂર કરી પ્રજાને રાહત આપવાનું કામ BJP સરકારે કર્યું હોવાનો દાવો પ્રફુલ પટેલે કર્યો છે.
વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દમણ ખાતે એક્સ્પોનું ઉદ્ઘાટન કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલના અધ્યક્ષ સ્થાને કરાયું હતું. દમણ એક્સ્પોમાં સંઘ પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીની 60 જેટલી કંપનીઓએ ભાગ લીધો હતો. આ એક્સ્પોના ઉદ્ઘાટન પ્રસંગે પ્રશાસક પ્રફુલ પટેલે 5 વર્ષ પહેલાના સંઘ પ્રદેશની વાત કરતા જણાવ્યું હતું કે, અહીં માફિયા રાજ ચાલતું હતું. માફિયાઓ દ્વારા ઉદ્યોગપતિઓને ધમકીઓ આપવામાં આવતી હતી. જેને લઈને સંઘ પ્રદેશમાં નવા ઉદ્યોગકારો ઉદ્યોગ સ્થાપવામાં સંકોચ અનુભવતા હતા.
વધુમાં જણાવ્યું કે, કંપનીમાં લેબર કોન્ટ્રકથી લઈને તમામ વસ્તુઓ માફિયા પાસેથી ખરીદવી પડતી હોવાનું ઉદ્યોગકારો જણાવી રહ્યા હતા. લેબરોને રોજગારીની જરૂરી તકો ઉભી થતા માફિયાઓ અટકાવતા હતા. સંઘ પ્રદેશમાં ઉદ્યોગકારો પાસે વારંવાર ખડણીઓ માંગવામાં આવતી હતી. માફિયા લોકો નક્કી કરતા તમારી કંપનીમાં કઈ વસ્તુ ક્યાં ભાવે આવશે અને કોણ કયું કામ કરશે. તમામ કામો માફિયા લોકો જણાવે તેમ કરવામાં આવતા હોવાથી નવા ઉદ્યોગકારો સંઘ પ્રદેશમાં ઉદ્યોગ સ્થાપતા પહેલા ગભરાતા હતા. જેથી દમણથી ઉદ્યોગકારો ઉદ્યોગ બંધ કરી પલાયન કરી રહ્યા હતા.
પ્રફુલ પટેલે જણાવ્યું કે, 5 વર્ષમાં તમામ માફિયાઓને દૂર કરીને લોકોને માફિયા રાજમાંથી મુક્તિ આપવાનું કામ કર્યું છે. જેને લીધે સંઘ પ્રદેશ વિસ્તારમાં 60 જેટલા નવા ઉદ્યોગોની સ્થાપના થવાથી સ્થાનિક રોજગારી વધી છે. સ્થાનિક લોકોમાં બેરોજગારી ઘટાડી શકાય છે. માફિયા રાજમાંથી મુક્તિ મળતા સ્થાનિક લોકો આજે શાંતિ અનુભવી રહ્યા છે. દમણ એક્સ્પોમાં 60 કંપનીઓએ ભાગ લીધો તે તેનું ઉત્તમ ઉદાહરણ છે. તેમ પ્રશાસક પ્રફુલ પટેલે જાહેર સ્ટેજ ઉપરથી જણાવ્યું હતું. જેને લઈને ઉપસ્થિત લોકોમાં ભારે ચર્ચાનો વિષય રહ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.