વલસાડમાં વાપી જી.આઈ.ડી.સી ખાતે આદિનાથ જૈન સંધમાં જૈનાચાર્ય શ્રમણ ચન્દ્રસૂરીજી, આચાર્ય પ્રશમચન્દ્રસૂરીજી આદિ 14 ઠાણાંનું સામૈયા પૂર્વક પ્રવેશ કરવામાં આવ્યો હતો. પં.રાજરક્ષિતવિજયજી, મુનિ નયરક્ષિતવિજયજી તથા સકળ સંઘે પૂજયનું અભિવાદન કર્યું હતું. સંધ પ્રમુખ કીરિટભાઈએ પૂજય અશોકસૂરીજી દાદાના ઉપકારનું સ્મરણ કર્યું હતું.
પં.રાજરક્ષિતવિજયજીએ જણાવ્યું કે, નવપદમાં આજે ચારિત્રપદનો મહાન દિવસ છે. સંઘના પુણ્યોદયે 14 ચારિત્રધરો આપણા સંઘના આગણે પધાર્યા છે. આપણને ચારિત્રધર ગમે છે પરંતુ ચારિત્ર ગમે છે ખરૂં? કુમારપાળરાજા, વસ્તુપાલ મંત્રી જેવા સેંકડો શ્રાવકો ચારિત્ર જીવન માટે તલપતા હતાં. "માનવજીવનનો એક જ સાર, સંયમ વિના નહી ઉદ્ધાર" હવે આ સ્લોગનમાં ફેરફાર કરવા જેવો છે. "મારા જીવનનો એક જ સાર, સંયમ વિના નહી ઉદ્ધાર"
આચાર્યએ જણાવ્યું કે, ચારિત્ર પદ ઉદયમાં લાવવા માટે રોજ એક-બે સામાયિક કરવું જોઈએ. વિરતિની પ્રાપ્તિ માત્ર માનવભવમાં જ થાય છે. પં.સંયમચન્દ્રવિજયજીએ જણાવ્યું કે, જીવનમાં ભક્તિ-આચરણ અને પરિણતિ લાવવી જોઈએ. ચૈત્ર અને આસો માસમાં પ્રથમ નવ દિવસ શક્તિની ઉપાસના થાય છે. છેલ્લા નવ દિવસ શૌર્યની ઉપાસના થાય છે. સંબંધો કાચના ગ્લાસ જેવા હોય છે તૂટી જવાનો પણ ડર લાગે અને તૂટયા પછી લાગી જવાનો પણ ડર લાગે છે. આપણે કોઈપણ આરાધના યથાશક્તિએ કરીએ છીએ કે, યથામતિ એ આત્મસાક્ષીએ વિચારવું જોઈએ? શ્રીપાળ અને મયણાએ ચારિત્રપદની આરાધના કરી. જેમજેમ તેમનું પુણ્ય વધતું ગયું તેમ તેમ વૈર અને વૈભવ છોડતા ગયાં. તે જ નવપદની સાચી ભક્તિ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.