લાપરવાહી:વલસાડમાં રેલવે અન્ડરપાસમાં ખાડાઓની ભરમાર, 40 ગામના લોકોને અવરજવરમાં નવ નેજાં પાણી

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રતિદિન 8 હજાર વાહનોની દશા ખખડી જતાં ચાલકોને હાલાકી
  • રસ્તો ધોવાઇ જવા છતાં મરામતના અભાવે મુશ્કેલી

વલસાડ શહેરમાં પૂર્વ પટ્ટીના ગ્રામ્ય વિસ્તારો અને ખેરગામ તાલુકા સહિતના 40 ગામના વાહનચાલકો માટે સેતુ સમાન છીપવાડ રેલવે અન્ડરપાસમાં નીચે વરસાદી પાણીના ખાબોચિયાથી તરબતર ખાડાઓ ઉભરાઇ રહ્યા છે.આ બિસ્માર રસ્તા પરથી પ્રતિદિન 8 હજારથી વધુ વાહનો પસાર થવા છતાં હજી સુધી મરામત કાર્ય ખોરંભે પડ્યું છે.આ અન્ડરપાસમાંથી પસાર થતા વાહનચાલકોને નવ નેજા પાણી ઉતરી રહ્યા છે.

વાહનચાલકોની હાલત કફોડી બની
ખેરગામ અને ગુંદલાવ હાઇવેથી અમદાવાદ,મુંબઇના વાહનો તથા ખેરગામ રોડ થઇ ગુંદલાવ ચોકડી થઇ હાઇવે પર જનારા વાહનોને ટૂંકા માર્ગે જવા માટે વલસાડ શહેરના છીપવાડ રેલવે અન્ડરપાસ પૂર્વ અને પશ્ચિમ દિશાની બંન્ને તરફથી આવવા જવા માટેનું મુખ્ય માધ્યમ હોવા છતાં અન્ડરપાસ નીચેના રસ્તાની હાલત ખખડધજ બની જતાં વાહનચાલકોની હાલત કફોડી બની રહી છે.અગાઉ ભારે પાલિકા અને રેલવે તંત્ર સામે ભારે વિરોધ નોંધાવવા છતાં તંત્રના પેટનું પાણી હાલતું નથી.

વાહનચાલકોને પસાર થવા ભારે કઠિનાઇનો સામનો કરવો પડે છે
ખેરગામ તાલુકાના તમામ ગામડાઓ અને પૂર્વ પટ્ટીના ગામોના વિદ્યાર્થીઓ,કામદારો,નોકરિયાતો,સામાન્ય પ્રજાજનોને વલસાડ આવવા અને વલસાડથી પરત થવા માટે છીપવાડ રેલવે અન્ડરપાસ મહત્વનો સેતુ બની રહે છે. પરંતું તાજેતરમાં અતિભારે વરસાદના કારણે છીપવાડ રેલવે અન્ડરપાસના નીચેથી પસાર થતા રસ્તા પર ખાડાઓની ભરમાર જામી છે.રસ્તો ક્યાં તે શોધીને વાહનચાલકોને પસાર થવા ભારે કઠિનાઇનો સામનો કરવો પડી રહ્યો છે.જેની મરામત માટે અગાઉ વારંવાર વિરોધ ઉભો થ‌વા છતાં પાલિકા કે રેલવે તંત્ર કોઇ જવાબદારી લેવા માગતું નથી તેવો મુદ્દો લોકો દ્વારા ઉઠાવાયો છે.

સંકલનના અભાવે પ્રશ્ન વિકટ બન્યો
વલસાડના છીપવાડ રેલવે અન્ડરપાસના નીચેના ભાગેથી પસાર થતો રસ્તો પાલિકા અને રેલવે બંન્નેની હદમાં આવે છે.છીપવાડ રેલવે ગરનાળુ પાણીના નિકાલ માટેનું હોવાનું રેલવે તંત્ર રટણ કરતું આવ્યું છે,પરંતુ હકીકતમાં વર્ષોથી આ રેલવે અન્ડરપાસ વલસાડ અને ખેરગામ રોડના 40 ગામના લોકોની અવરજવર માટે મહત્વનો સેતુ છે.સ્થાનિકોએ પાલિકા અને રેલવે તંત્રએ સંકલન સાધી પ્રજાહિતમાં રસ્તાની મરામત કરવાનું કામ હાથ ધરવાની તાતી જરૂરિયાત છે.

અનાજબજારના વેપારીઓને હાલાકી
વલસાડ શહેરમાં છીપવાડ ખાતે નાના દૂકાનદારો ટેમ્પો જેવા વાહનો લઇને અનાજ કરિયાણાની ખરીદી માટે છીપવાડ અનાજબજારમાં નિયમિત અવરજવર કરે છે.પરંતું છીપવાડ રેલવે અન્ડરપાસમાં મોટા ખાડા પડી જતાં ઉબડખાબડ રસ્તાથી ભારે હાલાકી છે.> સમીર મપારા,પ્રમુખ, હોલસેલ વેપારી મંડળ

શાસકો પૂરાણ કરાવવામાં નિષ્ફળ
વલસાડ શહેરના મુખ્ય લત્તામાં છીપવાડ રેલવે ગરનાળામાં કામગીરી કરવા માટે રેલવેની પરવાનગી જરૂરી હોય છે.પરંતું ગરનાળાના રસ્તાની મરામત માટે હાલે પુરાણની જ જરૂરત છે તે પણ પાલિકા શાસકો કરવા માગતાં નથી,જેનો ભોગ 40 ગામના લોકો બની રહ્યા છે.હાલમાં વરસાદી સીઝન ચાલી રહી છે એટલે નવો રસ્તો બનાવી શકાય તેમ નથી તે સામાન્ય લોકો પણ સારી પેઠે જાણે છે,પરંતું ખાડામાં મેટલનું પુરાણ કરતા કોણ અટકાવે તે સમજમાં આવતું નથી તેવી ચર્ચાઓ ચાલી રહી છે.

સીઓ સમક્ષ વધુ એક લેખિત ફરિયાદ
રેલવે અન્ડરપાસમાં ખખડી ગયેલા રોડની મરામત કરવા માટે વલસાડના એક રહીશ કાન્તિભાઇએ તાજેતરમાં જ ફરી ફરિયાદ કરી રસ્તા પર પડેલા ગાબડા દૂર કરી પુરાણ કરાવવા પાલિકાના સીઅોને ફરિયાદ કરી છે.આ રસ્તા પરથી એક આદિવાસી મહિલાને હોસ્પિટલ લઇને જતી એમ્બ્યુલન્સમાં જ ડીલિવરી થઇ ગઇ હતી તેવી આ અરજદારે ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...