હેલ્પ લાઈન પર મદદ મળી:અભયમે વાપીના વ્યસની પતિ પાસેથી બાળકો લઈ માતાને સોંપ્યા

વલસાડ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પત્ની પાસેથી 2 બાળકોને લઇને પતિ ચાલી ગયો હતો

વલસાડ જિલ્લાના વાપી તાલુકાના એક ગામમાં વ્યસની પતિના ઝગડાથી કંટાળી પિયરમાં રહેતી પરિણીતાના બે બાળકોને પતિ લઈને જતો રહ્યો હતો. વલસાડ જિલ્લાના વાપી તાલુકાના એક ગામની પીડિતા દ્વારા 181 અભયમ મહિલા હેલ્પ લાઈન પર મદદ અર્થે ફોન આવ્યો હતો. જેમાં પરિણીતાએ જણાવ્યું કે, તેઓ તેમના પતિ સાથે 10 વર્ષથી રહે છે અને બે સંતાનમાં એક દીકરો અને દીકરી છે.

તેણીના પતિ વ્યસની હોય ઘરમાં રોજે રોજ નાની નાની બાબતોમાં હસ્તક્ષેપ કરી છેલ્લા 5 વર્ષથી માનસિક રીતે હેરાન કરી ત્રાસ આપતા હતા. જે કારણોસર તેણી 15 દિવસ અગાઉ બંને સંતાનને લઈને પિયર જતા રહ્યા હતા. બાદમાં પતિ મહાશય તેમની પત્નીના પિયર જઈ પહોંચ્યા હતા. પિયર પહોંચતા પત્નીએ પતિને વ્યસન છોડી દેશો તો જ હું મારા બંને બાળકોને લઈને ઘરે આવીશ એમ કહ્યું હતું. તેમ છતાં પતિ બંને બાળકોને લઇને ચાલી ગયો હતો.

જેથી ચિંતિત બનેલી માતાએ બાળકોનો કબજો મેળવવા માટે 181 અભયમ મહિલા હેલ્પ લાઈન પર ફોન કરી મદદ માગતા વલસાડ 181 અભયમની ટીમ પહોંચી જઈ પતિ સાથે વાતચીત બંને બાળકોને માતાની સૌથી વધુ જરૂર છે એમ કહી કાયદાનું જ્ઞાન પણ કરાવી હવેથી બાળકોને લઈ ન જવા માટે પતિને અભયમની ટીમે સમજાવ્યો હતો.

પતિ વ્યસન છોડી દે તો હું ફરી સાસરે જવા માટે તૈયાર છું, પણ જયાં સુધી વ્યસન છોડે નહીં ત્યાં સુધી હું સાસરે નહીં જાઉ એમ કહેતા અભયમે માતા સાથે બંને બાળકોનું મિલન કરાવી તેમની ઈચ્છા મુજબ પિયર મોકલ્યા હતા. બાળકોનો કબજો મળતા માતાએ 181 વલસાડ ટીમનો ગદગદિત થઈ આભાર માન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...