વલસાડના ડુંગરી હાઇવે પરથી બાઇક પર પાછળ બેસી ધરાસણા જઇ રહેલા મહિલા અને પરિવારના યુવકની બાઇકને પાછળથી ધસી આવેલી ટ્રકે ટક્કર મારતાં મહિલાનું ગંભીર ઇજા થતા મોત થયું હતું.આ મહિલા લગ્ન પ્રસંગ પતાવી ઘરે જઇ રહી હતી.અકસ્માત કરી ટ્રક ચાલક ફરાર થઇ ગયો હતો.
વલસાડના ધરાસણામાં રહેતા કાર્તિક કુમાર પટેલના ફોઇ કંચનબેન બચુભાઇ પટેલ ચીખલી નાંદરખામાં લગ્ન પ્રસંગે ગયા હતા.જ્યાં લગ્ન પતાવી તેઓ કુટુંબના યુવક યશ સાથે બાઇક પર બેસીને ડુંગરી ધરાસણા પરત થઇ રહ્યા હતા ત્યારે ડુંગરી રેલિયા ફળિયા નેશનલ હાઇવે પર સાંજે 5 વાગ્યાના સુમારે એક કાળમૂખી ટ્રક પૂર ઝડપે ધસી આવી બાઇકને પાછળથી ટક્કર મારતા કંચનબેન અને બાઇકચાલક યશ રોડ પર પટકાયા હતા.આ અકસ્માત કરી ટ્રકચાલક ટ્રક હંકારી જઇ ભાગી ગયો હતો.
ઘટનાની જાણ 108ને કરાતાં માથાના અને પગમાં ગંભીર ઇજા પામેલા કંચનબેન અને પગમાં ફ્રેકચર પામેલા યશને ચીખલીની સ્પંદન હોસ્પિટલમાં દાખલ કરાયા હતા જ્યાં કંચનબેનને મૃત જાહેર કરાયા હતા.આ મામલે કાર્તિકકુમાર સતિષભાઇ પટેલ અજાણ્યા વાહનચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.