વલસાડ ધરમપુર રોડ ઉપર રૂરલ પોલીસે એક વાનમાંથી શંકાસ્પદ સરકારી અનાજનો જથ્થો મંગળવારે ઝડપી પાડી વાનચાલકની અટકાયત કરી છે.વાનમાંથી બિલ વિનાનો ઘંઉનો 178 કિલો અને ચોખાનો 656 કિલોગ્રામ ગેરકાયદે અનાજનો જથ્થો કબજે કરી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
વલસાડ નજીક રૂરલ પોલીસ મંગળવારે સાંજે પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે ઇકો વાનમાં બિલ વગરનો શંકાસ્પદ સરકારી અનાજનો જથ્થો જઇ રહ્યો હોવાની બાતમી મળી હતી.જેના પગલે પોલીસે વલસાડ ધરમપુર રોડ ઉપર કચીગામ પાસે આ વાન માટે વોચ ગોઠવી હતી.દરમિયાન વલસાડથી ધરમપુર તરફ જઇ રહેલી બાતમીવાળી વાન આવતા તેને અટકાવી ઝડતી લેતાં 6 ગુણીમાં ભરેલો ઘંઉનો 178 કિલો તેમજ ચોખાનો 656 કિલો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસે વાનચાલક પાસે બિલ માગતા તે રજૂ કરી શક્યો ન હતો.પોલીસે પૂછપરછ કરી ચાલકે વલસાડ, પારડી, ધરમપુર અને કચીગામ વિગેરે ગામોમાંથી આ જથ્થો ખરીદી ખેરગામમના વડપાડા ખાતે આવેલી તેમની કરિયાણાની દૂકાનમાં વેચાણ માટે લઇ જતો હોવાનું જણાવ્યું હતું.જોકે બિલો ન રજૂ કરતા આ જથ્થો સરકારી અનાજનો હોવાની શંકા ઉઠતાં પોલીસે 41 (ડી) મુજબ અનાજનો જથ્થો અને વાન કબજે લઇ ચાલકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. આ અગાઉ પણ પારડી તેમજ કપરાડા વિસ્તારથી ગેરકાયદે રીતે સરકારી અનાજનો જથ્થો લઇ જતાં આરોપીઓની અટક કરાઇ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.