પેટા ચૂંટણી:સંઘ પ્રદેશમાં પેટા ચૂંટણીને લઈ ફ્લાઈંગ સ્કવોર્ડની ટીમ દ્વારા ચેંકિંગ હાથ ધરાયું, પ્રદેશના જુદા-જુદા વિસ્તારમાંથી કુલ રૂપિયા 39 લાખ જપ્ત કરાયા

વલસાડ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પેટાચૂંટણી સંદર્ભમાં ચૂસ્ત આચારસંહિતા અને ચૂંટણીલક્ષી ગાઈડલાઈનનું વહીવટીતંત્ર દ્વારા પાલન કરવામાં આવી રહ્યુ છે
  • નરોલી વિસ્તારમાંથી એક વ્યક્તિ પાસેથી રૂપિયા 15 લાખ જપ્ત કરવામાં આવ્યાં

વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દાદરા અને નગર હવેલીમાં લોકસભાની ખાલી પડેલી સીટ માટે પેટા ચૂંટણી યોજાવાની છે. જેને લઈ દાદરા નગર હવેલી વિસ્તારમાં ફ્લાઈંગ સ્કવોર્ડની ટીમે વાહન ચેકીંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન પોલીસે રોકડા રૂપિયા સાથે વાહન ચાલકોને ઝડપી પાડયા હતા. અત્યાર સુધીમાં ફ્લાઈંગ સ્કવોર્ડની ટીમે કુલ રૂપિયા 64 લાખ કબ્જે કર્યા હતા.

વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં યોજાનારી લોકસભાની પેટાચૂંટણી સંદર્ભમાં ચૂસ્ત આચારસંહિતા અને ચૂંટણીલક્ષી ગાઈડલાઈનનું વહીવટીતંત્ર દ્વારા પાલન કરવામાં આવી રહ્યુ છે. જે માટે ફલાઈંગ સ્ક્વોર્ડની 4 ટીમ અને સ્ટેટિક સ્ક્વોર્ડની 18 ટીમ તથા પોસ્ટની રચના કરવામાં આવી છે અને પોલીસ તથા એક્સાઈઝ વિભાગ સાથે મળી પ્રદેશમાં ગેરકાયદે દારૂ કે અપ્રમાણસરની રોકડ રકમ વગેરેની હેરાફેરી પર અંકુશ મુકવા માટે સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. જેમાં આજે પ્રદેશના જુદાજુદા વિસ્તારમાંથી કુલ રૂપિયા 39 લાખ જેટલી જંગી રકમ જુદા-જુદા કેસમાં જપ્ત કરવામાં આવી છે અને પ્રથમદર્શી રીતે એના કેસ નોંધવામાં આવ્યાં છે.

આ રકમ નરોલી, ખાનવેલ, ટોકરખાડા, લાયન્સ સ્કૂલ વિસ્તાર, માંદોની, સિંદોની, દાદરા વગેરે જગ્યાએથી વિવિધ વ્યક્તિઓ પાસેથી જપ્ત કરી છે. હાલમાં ચૂંટણીની ગાઈડલાઈન મુજબ કોઈપણ વ્યક્તિ રૂપિયા 50 હજારથી વધારેની રોકડ રકમ કોઈપણ વ્યાજબી કારણ વગર લાવી કે લઈ જઈ શકતી નથી. જો એવી રકમ કોઈ પાસે ઝડપાય તો એને જપ્ત કરવામાં આવે છે અને પછી યોગ્ય તપાસ બાદ એ ૨કમ ચૂંટણીલક્ષી હેરાફેરી માટે હતી કે કાયદેસરના વ્યવહાર માટે હતી એ નક્કી કરી નિર્ણય કરવામાં આવે છે. આજે નરોલી વિસ્તારમાં સૌથી વધુ 15 લાખ રૂપિયા એક ગેસ એજન્સીના માલિક પાસેથી જપ્ત કરવામાં આવ્યાં હોવાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે, આચારસંહિતા લાગુ થયા પછી સંઘપ્રદેશમાં આ રીતે કુલ 64 લાખ જેટલી રકમ જપ્ત થઈ ચૂકી છે.

અન્ય સમાચારો પણ છે...