વલસાડ જિલ્લામાં તા. 1 ડિસેમ્બરના રોજ મતદાન થનાર છે ત્યારે આજે તા. 14 નવેમ્બર ઉમેદવારી પત્ર ભરવાની અંતિમ તારીખ હોવાથી વિવિધ પાર્ટીના ઉમેદવારોનો ધસારો વધ્યો હતો. સોમવારે છેલ્લા દિવસે જિલ્લાની 5 વિધાનસભા બેઠક પર કુલ 37 ઉમેદવારી પત્રો ભરાયા હતા. હવે ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની છેલ્લી તા. 17 નવેમ્બર હોવાથી તે દિવસે સંપૂર્ણ ચિત્ર સ્પષ્ટ થશે.
વલસાડ જિલ્લામાં ચૂંટણીનો રંગ જામી રહ્યો છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના માર્ગદર્શન અને નેતૃત્વમાં ચૂંટણીના તમામ નોડલ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ચૂંટણી તૈયારીને આખરી ઓપ અપાઈ રહ્યો છે. તા. 5 નવેમ્બરે જાહેરનામુ બહાર પડ્યા બાદ ઉમેદવારી પત્રો રજૂ કરવાના આજે છેલ્લા દિવસે 5 વિધાનસભા બેઠક ઉપર કુલ 37 ફોર્મ ભરાયા હતા.
178- ધરમપુર વિધાનસભાબેઠક ઉપર 11, 179- વલસાડ વિધાનસભા બેઠક ઉપર 9, 180 પારડી વિધાનસભા બેઠક પર 5, 181 કપરાડા વિધાનસભા બેઠક પર 3 અને 182- ઉમરગામ વિધાનસભા બેઠક પર 9 ઉમેદવારી પત્રો ભરાયા હતા. વલસાડ બેઠક પર સમાજવાદી પાર્ટીના ઉમેદવાર કમલેશ ભરતભાઈ યોગી (ઉ.વ. 34, રહે. રામ મંદિર, બોરડી ફળિયા, વાંકલ, ધરમપુર રોડ, તા.જિ.વલસાડ), આમ આદમી પાર્ટીના ઉમેદવાર રાજેશ મંગુભાઈ પટેલ (ઉ.વ. 56, રહે. સંઘની સામે, માસ્તર રોડ, વલસાડ), આમ આદમી પાર્ટીના ડમી ઉમેદવાર તરીકે ઉર્વશી રોહનભાઈ પટેલ (ઉ.વ.31, રહે. 1103-2, માસ્તર રોડ, વલસાડ), ભારતીય જનતા પાર્ટીના ડમી ઉમેદવાર દર્શનાબેન કિશોરભાઈ પટેલ (ઉ.વ.51, રહે. પટેલ ફળિયા, મેહ, તા.જિ.વલસાડ), ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવાર કમલભાઈ શાંતિલાલ પટેલ (ઉ.વ.48, રહે. 219, કણબીવાડ,રાબડા, તા.જિ.વલસાડ), ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ડમી ઉમેદવાર ગણપતભાઈ ડાહ્યાભાઈ પટેલ (ઉ.વ.63, રહે. મોટા ફળિયા,બીનવાડા, તા.જિ.વલસાડ), પ્રજા વિજય પક્ષના ઉમેદવાર મહેશ વિનાયકરાવ આચાર્ય ઉ.વ.57, રહે. વશીયરવેલી, અતુલ રોડ, વશીયર, તા.જિ.વલસાડ), રાષ્ટ્રીય સમાજ પક્ષના ઉમેદવાર હેમંતકુમાર ગોપાળભાઈ ટંડેલ (ઉ.વ.40, રહે. જુની બાવરી, સરસ્વતી સ્ટ્રીટ, કોસંબા,તા.જિ.વલસાડ) અને ભારતીય રીપબ્લિકન પાર્ટીના ઉમેદવાર રાજેશભાઈ ઠાકોરભાઈ ગોહિલ (ઉ.વ.53, રહે. પ્રાઈમરી સ્કૂલ, જેસીયા ફળિયા, વાઘલધરા, તા.જિ.વલસાડ)એ 179- વલસાડ વિધાનસભા મતદાર વિભાગના ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકાર નિલેશ કુકડીયા સમક્ષ ઉમેદવારી પત્ર ભર્યા હતા. આ 9 ઉમેદવારો પૈકી મહેશ આચાર્ય અને હેમંત ટંડેલે અપક્ષ તરીકે પણ ઉમેદવારી નોંધાવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.