કપરાડા તાલુકાના ગોતળ ગામના 25થી વધુ લોકો પીકઅપ ટેમ્પામાં બેસી દાનહના દૂધની ગામે ગયા હતા. જ્યાંથી પરત ફરતા ઘોડબારી ગામ પાસે ટેમ્પો અકસ્માતે પલટી જતા એક મહિલાનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે ટેમ્પોમાં સવાર અન્ય 12 લોકોને વધતી ઓછી ઇજા થતા તેઓને સારવાર માટે ખાનવેલ અને સેલવાસ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
દૂધની ગામના બાજર ફળિયા ખાતે લગ્નવિધિ માટે કપરાડા તાલુકાના ગોતવળ ગામના 25થી વધુ લોકો પીકઅપ ટેમ્પો નંબર જીજે-15-એટી-8550માં સવાર થઇ ગયા હતા. જેઓ લગ્ન વિધિ પતાવ્યા બાદ બપોરે પરત પોતાના ગામ તરફ જઈ રહ્યા હતા. ત્યારે અચાનક પીકઅપ ટેમ્પોના ડ્રાઇવર સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવતા ટેમ્પો રોડની સાઈડ પર પલટી મારી ગયો હતો.આ અકસ્માતમાં ટેમ્પોમાં સવાર એક મહિલા મીરી રમન પારગી ઉ.વ.48નું ઘટના સ્થળે જ મોત થયું હતું.
ઘટનાને પગલે ઘોડબારી ગામના લોકો મદદ માટે દોડી આવ્યા હતા. ઘાયલા લોકોને 108એમ્બ્યુલન્સ બોલાવી ખાનવેલ તથા સેલવાસ સિવિલમાં દાખલ કરાવ્યા હતા.આ અકસ્માતમાં કુલ 12 લોકો ઘવાયા હતા જેમાંથી 8ને ખાનવેલ સબ જિલ્લા હોસ્પિટલમાં જ્યારે 4ને સેલવાસ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા પોલીસે એડી નોંધી આગળની તપાસ હાથ ધરી છે. હાલ ઈજાગ્રસ્તોની તબિયત સુધારા પર હોવાનું હોસ્પિટલના સૂત્રો જણાવી રહ્યા છે. ટેમ્પાંમાં વધુ માણસો હોવાથી આ ઘટના બની હોવાનું નજરે જોનારા કહી રહ્યા છે.
હોસ્પિટલમાં દાખલ ઇજાગ્રસ્તોની યાદી, કોઈ ગંભીર હાલતમાં નથી
અકસ્માતમાં ઘવાયેલા કુલ 12 લોકો પૈકી 8 લોકો જેમાં સુમિત્રા રાજીરામ ગોધડ ઉ.વ.44,સૂરદાની અંજુન ભડારી ઉ.વ.43,ટુલોહ્યા ગંગા બારહે ઉ.વ.47,સંજુ રંગા ધોડહળે ઉ.વ.28 જેઓને ખાનવેલ સબજીલ્લા હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતાં.જ્યારે અન્ય 4 લોકો લિપોની રાવજી પાગી ઉ.વ.49 રશ્મી ભવન પારધી ઉ.વ.47,તાઈ અર્ગુન ઠાલકર ઉ.વ.63જેઓને વિનોબાભાવે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.