યુવતી પર દુષ્કર્મ:ઉમરગામમાં એક સંસ્થામાં કામ કરતી પ્રજ્ઞાચક્ષુ યુવતી પર બે શખ્સોએ દુષ્કર્મ આચર્યું, પોલીસે નરાધમોને ઝડપી લીધા

વલસાડ5 દિવસ પહેલા
  • કૉપી લિંક

વલસાડના ઉમરગામ તાલુકાના એક વિસ્તારમાં રહેતી 24 વર્ષીય પ્રજ્ઞાચક્ષુ યુવતી એક સામાજીક સંસ્થામાં નોકરી કરે છે. જ્યાં તેમનો અંધ પતિ પણ સાથે નોકરી કરે છે. ત્યારે પ્રજ્ઞા ચક્ષુ યુવતી સાથે સાત માસ અગાઉ સંસ્થાના સંચાલક અને કર્મચારીએ દુષ્કર્મ આચર્યુ હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. તે કેસમાં ઉમરગામ પોલીસે બંનેની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે. બીજી તરફ ભોગ બનનારના પતિને કેસ પરત ખેંચી લેવા અને સમાધાન કરવા સંસ્થા દ્વારા દબાણ કરવામાં આવી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે.

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાની એક દિવ્યાંગ લોકોની સંસ્થામાં પ્રજ્ઞાચક્ષુ યુવતી તેના પતિ સાથે નોકરી કરી રહી છે. આ દરમિયાન કામ કરવાના સ્થળે સંસ્થાના સંચાલક કાનાભાઈ, તથા સંસ્થાના સુપરવાઇઝર તરીકે નોકરી કરતા દિલિપે યુવતી સાથે તેમની મરજી વિરૂધ્ધ સંબંધ બાંધ્યા હતા. દિલીપે અલગ-અલગ સમયે યુવતીની મરજી વિરુદ્ધનું કૃત્ય કરતા અંતે યુવતીએ પોલીસ મથકનો દરવાજો ખખડાવી તેમની સાથે બનેલી સમગ્ર ઘટના પોલીસને જણાવી હતી. ઉમરગામ પોલીસમાં ફરિયાદ નોંધાવતા હાલ તો આ વિસ્તારમાં ચકચાર મચી છે. ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઉમરગામ પોલીસના પીઆઇ અને તેમની ટીમે તાત્કાલિક દુષ્કર્મના બંને આરોપીની ધરપકડ કરી છે. ઉમરગામ પોલીસે યુવતી સાથે દુષ્કર્મ આચરનાર બંને ઇસમોને મેડિકલ કરાવી આગળની તપાસ હાથ ધરી છે. સંસ્થાના સંચાલકો અને આરોપીઓ દ્વારા પ્રજ્ઞાચક્ષુ યુલતીના પતિને પોલીસ મથકે કરેલી ફરિયાદ પરત ખેંચવા દબાણ કરવામાં આવી રહ્યું છે. તેવો આક્ષેપ પોલીસ મથકે આવીને કર્યો હતો. સાથે પ્રજ્ઞાચક્ષુની સંસ્થામાં રહેતા દિવ્યાંગોને વાસી ભોજન મળતું હોવાના પણ આક્ષેપ લગાવવામાં આવ્યાં હતા. પોલીસે યુવતીના પતિનું નિવેદન નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...