તપાસ:વલસાડમાં પાળી સાથે બાઇક અથડાતા મુંબઇના રહીશનું મોત

વલસાડ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સુરતની ટેક્સકેમ કંપનીના કર્મી સાથે બાઇક પર જતા હતા

સુરત પાંડેસરામાં ટેક્સકેમ કંપનીમાં નોકરી કરતા મુંબઇના એક આધેડ અને સહકર્મીની બાઇક વલસાડના કુંડી હાઇવેની પાળી સાથે અથડાઇ જતાં રોડ પર પટકાયેલા આધેડનું મોત થયું હતું.જ્યારે બાઇક ચાલકને મોઢાના ભાગે ઇજા પહોંચતા વલસાડ સિવિલમાં દાખલ કરાયો હતો.

મુંબઇના ભાંડુપ ખાતે રાજબલી સોસાયટીમાં રહેતાં રાજેશ ગણપત ઓવહાળના મોટાભાઇ આનંદ ગણપત ઓહવાળ ઉ.50 સુરત ખાતે પાંડેસરાની આદિનાથ ટેક્સકેમ લી. કંપનીના રૂમમાં રહેતા હતા.શનિ રવિ રજા હોય તેમના સહકર્મી અને ઓરિસ્સાના કટકના મૂળ રહેવાસી પ્રશાંત સુરેન્દ્ર બારિક સાથે બાઇક લઇને સુરતથી મુંબઇ ઘરે જતા હતા.પ્રશાંત બારિક બાઇક હંકારી રહ્યો હતો ત્યારે વલસાડના કુંડી હાઇવે પર ઓવરબ્રિજ પર પ્રશાંતે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાતા હાઇવેની પાળી સાથે અથડાઇ ગયા હતા.

જેમાં પાછળ બેસેલા આનંદ ઓહવાળને માથામાં ગંભીર ઇજા થતા સ્થળ પર જ મોત થયું હતું.જ્યારે ચાલક પ્રશાંતને મોઢાના ભાગે ઇજા થતા 108માં વલસાડ સિવિલ ખસેડાયો હતો. ઘટનાની જાણ મુંબઇ ખાતે મરનારના ભાઇ રાજેશ ગણપતને કરાતા તેઓ પરિવારજનો સાથે ડુંગરી પીએચસી ખાતે આવી પહોંચ્યા હતા.આ મામલે મૃતકના ભાઇ રાજેશ ઓહવાળે ડુંગરી પોલીસ મથકે બેફિકરાઇથી બાઇક હંકારી તેમના ભાઇનું મોત નિપજાવવા બદલ ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી.જ્યારે બાઇક ચાલકને ગંભીર ઇજા પહોંચી હતી. છાશવારે વલસાડ શહેરમાં અકસ્માતો બનતા રહેતા હોય છે. અકસ્માત નિવારવા માટે સ્પીડ બ્રેકર મુકવાની માગ પણ ઉઠી હતી. હાલ તો પોલીસે આ કેસમાં બાઇક ચાલકનું નિવેદન લઇ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...