પરશુરામજીની જન્મ જયંતિ નિમિત્તે વલસાડ શહેરના મુખ્ય માર્ગો ઉપર વલસાડ જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી. ઠેર ઠેર શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ. વલસાડ શહેરના મુખ્ય માર્ગો 'જય પરશુરામ'ના નાદથી ગુંજી ઉઠ્યા હતા. કોરોના મહામારીના 2 વર્ષ બાદ જનજીવન સામાન્ય થતા ભવ્ય રેલીનું આયોજન બ્રહ્મ સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું. ભીડભંજન મહાદેવ મંદિર ખાતે યોજાયેલી આરતીમાં પરશુરામ ભગવાનને કોરોના મહામારીમાંથી લોકોને બચાવવા પ્રાર્થના કરવામાં આવી હતી. સાથે જલ્દી જનજીવન સામાન્ય કરવા ભગવાન પાસે ભક્તોએ પ્રાર્થના કરી હતી.
કોરોના મહામારીના 2 વર્ષ બાદ વલસાડ શહેરના મુખ્ય માર્ગો ઉપર પરશુરામ જયંતિ નિમિત્તે સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા ભગવાન પરશુરામની શોભાયાત્રાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. શોભાયાત્રા વશિયરના પ્રમુખ પાર્ક 4થી નીકળી હાલર તળાવ થઈ ટાવર થઈ ભીડભંજન મહાદેવ મંદિર સુધી હર્ષોલ્લાસ સાથે સર્વે હિન્દૂ સંગઠનોનાં ભાવિ ભક્તો સાથે પહોંચી હતી. શહેરના મુખ્ય માર્ગો ઉપર ઠેર ઠેર પરશુરામ જયંતિ નિમિત્તે નીકળેલી શોભાયાત્રાનું ભક્તોએ ભાવપૂર્વક સ્વાગત કર્યું હતું. જય પરશુરામનાં ઉદઘોષ થી શહેરના મુખ્યમાર્ગો ગુંજી ઉઠ્યા હતા.
શહેરમાં દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ખૂબજ શાંતિપૂર્ણ રીતે પરશુરામ જયંતીની શોભાયાત્રા સંપન્ન થઈ હતી. ભીડભંજન મહાદેવ મંદિરનાં શિવજી મહારાજ દ્વારા 108 દીવાની આરતીનું આયોજન કરવામા આવ્યું હતું. આરતી દરમ્યાન કોરોના મહામારી સામે વલસાડ અને ભારત દેશ અને દુનિયાને મુક્ત કરાવવા તેમજ વહેલી તકે દેશ અને દુનિયામાં લોકોનું જાણ જીવન સામાન્ય કરવા ભક્તોએ પ્રાર્થના કરી હતી. કાર્યક્રમનાં આયોજક તરીકે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ, વલસાડ જિલ્લા અને બ્રાહ્મણ સમાજ ટ્રસ્ટ વલસાડ તેમજ અન્ય હિન્દૂ સંગઠનો મળીને કામગીરી હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.