ગુજરાત વિધાનસભા ચૂંટણી જંગ-2022:વલસાડ જિલ્લા ચૂંટણી અધિકારીના અધ્યક્ષસ્થાને જનરલ, ખર્ચ અને પોલીસ ઓબ્ઝર્વર સાથે બેઠક યોજાઈ

વલસાડ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઓબ્ઝર્વરોને પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા પાંચેય બેઠકની વિસ્તૃત માહિતી પુરી પાડવામાં આવી
  • દરેક વિધાનસભા સીટ પર ઓબ્ઝર્વરની નિમણૂંક કરાતા હવે ઉમેદવારોની તમામ ગતિવિધિ પર બાજ નજર રહેશે
  • 30 દિવસમાં ચૂંટણી સંબંધિત 77 ફરિયાદો મળી તમામનો ઉકેલ લવાયો​​​​​​​

ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી- 2022 અંતર્ગત વલસાડ જિલ્લાની 5 વિધાનસભા સીટ પર તા. 1 ડિસેમ્બરે થનારા મતદાનની તૈયારીના ભાગરૂપે ચૂંટણી પંચ દ્વારા વલસાડ જિલ્લામાં નિયુક્ત કરાયેલા જનરલ ઓબ્ઝર્વર, ચૂંટણી ખર્ચ ઓબ્ઝર્વર અને પોલીસ ઓબ્ઝર્વર સહિત કુલ 6 ઓબ્ઝર્વરની મહત્વપૂર્ણ બેઠક તા. 14 નવેમ્બરને સોમવારે સવારે 11 કલાકે વલસાડ જિલ્લા ચૂંટણી અધિકારી-વ- જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને વલસાડ કલેકટર કચેરીના સભાખંડમાં યોજાઈ હતી.

જિલ્લા ચૂંટણી અધિકારી ક્ષિપ્રા આગ્રે દ્વારા નિયુક્ત કરાયેલા ચૂંટણીલક્ષી વિવિધ કામગીરીના નોડલ ઓફિસર જેવા કે, મેનપાવર મેનેજમેન્ટ, EVM/ VVPAT મેનેજમેન્ટ, ટ્રાન્સપોર્ટ મેનેજમેન્ટ, ટ્રેનિંગ મેનેજમેન્ટ, મટીરીયલ મેનેજમેન્ટ, એમસીસી ઈમ્પ્લીમેન્ટેશન, એક્ષપેન્ડીચર મોનીટરિંગ, સ્વીપ, કાયદો અને વ્યવસ્થા, બેલેટ પેપર, મીડિયા મેનેજમેન્ટ, કોમ્યુટરાઈઝેશન, ઓબ્ઝર્વર, હેલ્પલાઈન અને ફરિયાદ, કોમ્યુનિકેશન, સ્ટાફ વેલફેર, માઈગ્રેટોરી વોટર્સ અને પીડબલ્યુડીના નોડલ અધિકારીઓની કામગીરી બાબતનું પ્રેઝન્ટેશન નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ઉમેશ શાહ દ્વારા આ બેઠકમાં વિશેષ ઉપસ્થિત રહેલા જનરલ ઓબ્ઝર્વર જી. રેખા રાની, મિતાલી નામચૂમ અને રોશની કોરાટી, ચૂંટણી ખર્ચ ઓબ્ઝરર્વર રાહુલ રાધા અને અતેશામ અન્સારી તેમજ પોલીસ ઓબ્ઝર્વર એસ.રવિ સમક્ષ કરાયું હતું.

ઓબ્ઝર્વરોએ જિલ્લામાં ચૂંટણી માટે થઈ રહેલી તૈયારી અને સજ્જતા અંગેની માહિતી મેળવી હતી. જેમાં ખાસ કરીને જિલ્લાની પ્રોફાઈલ, મતદારોની સંખ્યા, પોલિંગ સ્ટેશન, સ્ટ્રોંગ રૂમ, ચૂંટણીને લગતી સંબંધિત કામગીરીઓના દૈનિક રિપોર્ટ તેમજ ચૂંટણીના ફાઈનલ ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થયા બાદ ફાઈનલ ઉમેદવારો સાથે પાંચેય વિધાનસભા બેઠકના રિટર્નિંગ ઓફિસરો સાથે બેઠક કરવા જણાવ્યું હતું. વધુમાં પોસ્ટલ બેલેટથી કેટલા મતદારો મતદાન કરશે તેની પણ માહિતી મેળવી હતી. દરેક વિધાનસભા સીટ પર ઓબ્ઝર્વરની નિમણૂંક કરવામાં આવી છે જેઓ દ્વારા ડેઈલી રિપોર્ટ ઉપર બાજ નજર રખાશે.

વલસાડ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદારો અને અધિકારીઓ માટે ઉપયોગી થઈ શકે તે માટે બનાવેલી વલસાડ DEO એપની માહિતી પણ ઓબ્ઝર્વરોને અપાતા તેઓએ જિલ્લા ચૂંટણી અધિકારી ક્ષિપ્રા આગ્રેને અભિનંદન આપ્યા હતા. જિલ્લામાં નિયુક્ત થયેલા 6 ચૂંટણી ઓબ્ઝર્વરનું જિલ્લા ચૂંટણી તંત્રના અધિકારીઓ દ્વારા સ્વાગત કરાયું હતું.

આ બેઠકમાં ચૂંટણી ખર્ચ નિયંત્રણના નોડલ ઓફિસર અને જિલ્લા વિકાસ અધિકારી મનિષ ગુરવાની, જિલ્લા પોલીસ વડા ડો.રાજદિપસિંહ ઝાલા અને મેનપાવર મેનેજમેન્ટ અને લો એન્ડ ઓર્ડરના નોડલ ઓફિસર અને અધિક નિવાસી કલેકટર શ્રીમતી અનુસૂયા ઝા, એમસીસી ઈમ્પ્લીમેન્ટેશનના નોડલ અધિકારી અને જિલ્લા પ્રાયોજના વહીવટદાર એ.કે.કલ્સરીયા સહિત જિલ્લાની વિવિધ ટીમના નોડલ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

છેલ્લા 30 દિવસમાં ચૂંટણી સંબંધિત 77 ફરિયાદો મળી તમામનો ઉકેલ લવાયો
વલસાડ જિલ્લા ચૂંટણી તંત્રને છેલ્લા 30 દિવસમાં ચૂંટણી સંબંધિત 77 ફરિયાદ મળી હતી. જે તમામનો નિકાલ કરવામાં આવ્યો હતો. આ સિવાય વોટર હેલ્પલાઈન 1950 પર છેલ્લા એક માસમાં 208 કોલ આવ્યા હતા. જ્યારે સી- વિજિલ કમ્પલેન્ટ (આદર્શ આચારસંહિતા સંબંધિત ફરિયાદો) 31 આવી હતી. જેમાંથી 26 ફરિયાદોનો રિટર્નિંગ ઓફિસર દ્વારા નિકાલ કરવામાં આવ્યો હતો. જ્યારે 5 ફરિયાદમાં ચૂંટણી આચારસંહિતાનો કોઈ ભંગ થતો ન હતો. જેથી આ ફરિયાદો રદ્દ કરવામાં આવી છે.

2017ની ચૂંટણીમાં મહિલા સંચાલિત માત્ર 1 મતદાન મથક હતુ જેની સામે 2022માં 35 મતદાન મથક
વલસાડ જિલ્લામાં વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં મહિલા સંચાલિત માત્ર એક મતદાન મથક હતુ જેની સામે વર્ષ 2022માં 35 મતદાન મથકો મહિલા સંચાલિત હશે. વર્ષ 2017માં દિવ્યાંગ કર્મચારીઓ સંચાલિત એક પણ મતદાન મથક ન હતા જેની સામે વર્ષ 2022ની ચૂંટણીમાં 5 મતદાન મથક દિવ્યાંગ સંચાલિત હશે. મોડલ પોલિંગ સ્ટેશન વર્ષ 2017માં 1 હતા જે વર્ષ 2022માં 5 કરાયા છે. ગ્રીન પોલિંગ સ્ટેશન વર્ષ 2017માં એક પણ ન હતા જે વર્ષ 2022માં 5 તૈયાર કરાયા છે. વર્ષ 2017માં પોલિંગ સ્ટેશન ફોલિંગ અંડર શેડો એરિયામાં 16 હતા જે 2022માં 27 થયા છે. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં ક્રિટિક્લ મતદાન મથકો 29 હતા. જે 2022ની વિધાનસભા ચૂંટણીમાં 371 થયા છે. આ ચૂંટણીમાં ક્રિટિકલ 371 અને સામાન્ય 325 મળી 696 પોલિંગ સ્ટેશન વેબકાસ્ટીંગ અને સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવ્યા છે.

એક પોલિંગ સ્ટેશન દીઠ એવરેજ 953 મતદારો
વર્ષ 2011ની વસ્તી ગણતરી મુજબ વલસાડ જિલ્લાની વસ્તી 17,03,068 છે. જ્યારે 2022માં પ્રોજેક્ટેડ વસ્તી 20,65,374 છે. જેની સામે તા. 1 ઓક્ટોબર 2022ની સ્થિતિએ જિલ્લામાં 13,26,592 મતદારો છે. ગ્રામ્યમાં 1137 અને અર્બનમાં 255 મળી જિલ્લામાં કુલ 1392 પોલિંગ સ્ટેશન છે. એક પોલિંગ સ્ટેશન દીઠ એવરેજ 953 મતદારો છે.

વર્ષ 2017ની સરખામણીએ 2022માં 80 વર્ષથી વધુ વયના 9860 મતદારો વધ્યા
​​​​​​​
વલસાડ જિલ્લામાં વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં કુલ 11,48,654 મતદારો હતા જેની સામે વર્ષ 2022ની ચૂંટણીમાં 13,26,592 મતદારો છે. જેમાં 2017માં પુરૂષ મતદારો 5,94,008 અને સ્ત્રી મતદારો 5,54,646 હતા. જેની સામે 2022માં પુરૂષ મતદારો 6,82,655 અને સ્ત્રી મતદારો 6,43,922 નોંધાયા છે. વર્ષ 2017માં થર્ડ જેન્ડરમાં એક પણ મતદાર ન હતો જ્યારે વર્ષ 2022માં 15 મતદારો નોંધાયા છે. વિદેશી મતદારો 2017માં એક પણ ન હતા જ્યારે 2022માં 5 નોંધાયા છે. દિવ્યાંગ મતદારો 2017માં 2044 હતા જે 7579 વધીને 2022માં 9623 નોંધાયા છે. 80 વર્ષથી વધુ વયના 2017માં 17246 મતદારો હતો જેમાં 9860નો વધારો થતા 2022માં 27106 થયા છે.

સૌથી વધુ મતદાન મથકો કપરાડા બેઠક પર અને સૌથી ઓછા પારડી બેઠક પર
​​​​​​​
વલસાડની પાંચ વિધાનસભા બેઠક પૈકી 181- કપરાડા (અ.જ.જા.)બેઠક પર સૌથી વધુ 306 પોલિંગ સ્ટેશન છે, જ્યારે 180- પારડી બેઠક પર સૌથી ઓછા 245 પોલિંગ સ્ટેશન છે. આ સિવાય 178- ધરમપુર (અ.જ.જા.) બેઠક પર 290 પોલિંગ સ્ટેશન, 182- ઉમરગામ (અ.જ.જા.) બેઠક પર 278 પોલિંગ સ્ટેશન અને 179- વલસાડ બેઠક પર 273 પોલિંગ સ્ટેશન મળી જિલ્લામાં કુલ 1392 પોલિંગ સ્ટેશન થાય છે. જે પૈકી 808 પોલિંગ સ્ટેશન લોકેશન સાથે છે. આ તમામ મતદાન મથકો રેમ્પ, પીવાનું શુધ્ધ પાણી, ફર્નિચર, લાઈટ અને ટોયલેટની સુવિધાથી સજજ કરાયા છે.

અન્ય સમાચારો પણ છે...