રાજયના આદિજાતિ વિકાસ, અન્ન અને નાગરિક પુરવઠા તેમજ વલસાડ જિલ્લા પ્રભારી મંત્રી નરેશભાઇ પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લામાં આગામી ચોમાસા પહેલા ધરમપુર અને કપરાડાના અંતરિયાળ વિસ્તારના લોકોને પીવાનું પાણી મળી રહે તે માટે કપરાડા તાલુકાની અસ્ટ્રલ જૂથ પાણી પુરવઠા યોજના, સુજલામ સુફલામ યોજના અને નલ સે જલ યોજના અંતર્ગત જિલ્લામાં સંબધિત વિભાગ દ્વારા કરાયેલા આયોજન અને પ્રગતિ હેઠળના કામોની સમીક્ષા બેઠક કલેકટર કચેરી વલસાડના સભાખંડમાં આજરોજ યોજાઇ હતી.
બેઠકમાં મંત્રીએ કપરાડા તાલુકાના એસ્ટોલ ખાતે દમણગંગા નદી પર રૂા. 576 કરોડના ખર્ચે તૈયાર થનારી એસ્ટોલ જૂથ પાણી પુરવઠા યોજનાની સમીક્ષા કરી હતી. મંત્રીએ સમીક્ષા કરતાં જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડાના 174 ગામો અને 1028 ફળિયા માટે શુધ્ધ પીવાનું પાણી પૂરૂ પાડનારી મહત્વાકાંક્ષી યોજનાનું વર્ષ 2018માં તેઓએ ભૂમિપૂજન કરેલું તે યોજના હવે આગામી ચોમાસા પહેલા પૂર્ણ કરવા અને કામોમાં ગુણવત્તા જળવાય તે જોવા માટે પાણી પુરવઠા વિભાગ અને વાસ્મોના સંબધિત અધિકારીઓને તાકીદ કરી હતી.
આ યોજનામાં પાણી પુરવઠા વિભાગે મંત્રીને પ્રેઝટેશન દ્વારા આ યોજના હેઠળના 174 ગામો અને 1028 ફળિયા પૈકી અત્યાર સુધી 151 ગામો અને 961 ફળિયાઓમાં પાણી પુરવઠો શરૂ કરી દેવામાં આવ્યો છે તેમ જણાવ્યું હતું. જયારે વાસ્મોએ ધરમપુર અને કપરાડાના 174 ગામો 1202 ફળિયા પૈકી 915 ફળિયામાં પાણીના વિતરણની લાઇનની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે જયારે 287 ગામોમાં કામગીરી પ્રગતિમાં છે તેમજ 558 ફળિયામાં એસ્ટોલ જૂથ યોજના સાથે જોડાણ કરીને નલ સે જળ યોજના અંતર્ગત દરેક ઘરોમાં પાણી પૂરૂ પાડવામાં આવ્યું છે. સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ વલસાડ જિલ્લામાં નર્મદા અને જળસંપત્તિ વિભાગ હેઠળના કામો, મનરેગાના કામોના આયોજન અને થયેલ કામગીરીની પ્રગતિની બેઠકમાં હાજર રહેલા પાણી પુરવઠા અને જળસંપત્તિ રાજય મંત્રી જીતુભાઇ ચૌધરીએ પ્રભારી મંત્રીને જાણકારી આપી હતી.
રાજયમંત્રી જીતુભાઇ ચૌધરીએ જિલ્લામાં સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત લોકભાગીદારી, મનરેગા અને વિભાગ દ્વારા તળાવો ઉંડા કરવા, ચેકડેમ ડીસીલ્ટીંગ, જળાશય ડિસીલ્ટીંગ, ચેકડેમ રીપેરીંગ, નહેરોની સાફસફાઇ, રેઇન વોટર હાર્વેસ્ટીંગની કામગીરી, નદીની સફાઇ કામની પ્રગતિની માહિતી મેળવી હતી. જે મુજબ લોકભાગીદારીથી જિલ્લામાં રૂા.7.45 કરોડના ખર્ચે કુલ 86 કામો, મનરેગા હેઠળ રૂા. 2 95 કરોડના ખર્ચે 247 કામો તેમજ નર્મદા અને જળસંપત્તિ વિભાગ દ્વારા 8 કરોડના ખર્ચે 138 કામો, વન વિભાગ દ્વારા 17.38 લાખના ખર્ચે 20 કામો અને જિલ્લાની નગરપાલિકાઓ હસ્તકના રૂા. 29.39 લાખના ખર્ચે 20 કામો મળી કુલ રૂા. 18.28 કરોડના ખર્ચે 510 કામો જિલ્લામાં શરૂ કરાયા છે તેમ જણાવ્યું હતું.
આ બેઠકમાં વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ અલકાબેન શાહ, સાંસદ ર્ડા. કે. સી. પટેલ, વલસાડ, ધરમપુર અને ઉંમરગામના ધારાસભ્ય ભરતભાઇ પટેલ, અરવિંદભાઇ પટેલ અને રમણલાલ પાટકર, વલસાડના કલેકટર ક્ષિપ્રા આગ્રે, જિલ્લા વિકાસ અધિકારી મનીષ ગુરૂવાની, પ્રાયોજના વહીવટદાર બી. કે. વસાવા, જિલ્લા ગ્રામવિકાસ એજન્સીના નિયામક જે. પી. મયાત્રા, વલસાડ, પારડી અને ધરમપુરના પ્રાંત અધિકારીઓ સર્વ નીલેશ કુકડીયા, આનંદુ અને કેતુલ ઇટાલીયા, પાણી પુરવઠાના કાર્યપાલક ઇજનેર ભૂંસારા, વાસ્મોના એચ. એમ. પટેલ તેમજ સંબધિત વિભાગના અધિકારીઓ હાજર રહયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.