રાજ્યમાં લઠ્ઠાકાંડમાં 50થી વધુ લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. ત્યારે વલસાડ જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં પોલીસે દારૂના અડ્ડાઓ પર દરોડા પાડી દારૂના વેપલાને અટકાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.વલસાડ રૂરલ પોલીસે શનિવારે ઓવાડા ગામમાં દેશી દારૂના અડ્ડા પર રેડ કરી હતી. પરંતુ, દારૂનું વેચાણ કરનાર ઝડપાયો ન હતો. જેથી પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી આજે પોલીસ સ્ટેશન હાજર થવા માટે ફરમાન કર્યું હતું. જો કે, આ શખ્સ આજે પોલીસ સમક્ષ હાજર થાય તે પહેલા જ કોઈ કારણોસર ગળેફાંસો ખાંઈ જિંદગી ટૂંકાવી લીધી હતી.
પોલીસ સમક્ષ હાજર થાય તે પહેલા જ આત્મહત્યા કરી
ગુજરાતમાં લઠ્ઠાકાંડ બાદ પોલીસ હરકતમાં આવી ગઈ છે અને દેશી દારૂ બનાવનાર અને વેચનારની ધરપકડ કરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે વલસાડના ઓવાડા ગામે ગત શનિવારના રોજ વલસાડ રૂરલ પોલીસના કર્મચારીઓએ વલસાડના ઓવાડા ગામે રાણી ફળિયામાં રહેતા 42 વર્ષીય મુકેશભાઈ રમણભાઇ પટેલના ઘરે રેડ કરી હતી. જેમાં રૂરલ પોલીસે મુકેશભાઈ પટેલના ઘરેથી દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. તે સમયે મુકેશભાઈ ઘરે હાજર નહિ હોવાથી મુકેશભાઈની ધરપકડ કરી ન હતી. ત્યારબાદ પોલીસે મુકેશભાઈની પત્ની ને જણાવ્યું હતું કે, સોમવારે મુકેશભાઈને વલસાડ રૂરલ પોલીસ મથકે હાજર થવા જણાવ્યું હતું. પરંતુ આજે સવારે આશરે 9:30 થી 9:45 વાગ્યાના સુમારે મુકેશભાઈએ પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું.
આત્મહત્યા પાછળનું કારણ અકબંધ
આત્મહત્યા કરનાર મુકેશભાઈએ આવું પગલું કેમ ભર્યું તે કારણ હજી સુધી જાણી શકાયું નથી. પરંતુ લઠ્ઠાકાંડ બાદ દેશી દારૂ વેચનાર પર ભારે તવાઈ આવવાથી કદાચ આવું પગલું ભર્યું હોય તેવી ચર્ચા ગામમાં ચાલી રહી છે. ત્યારે આગામી દિવસોમાં પોલીસ આ દિશામા કેવા પગલાં તેના પર લોકો ની મીટ મંડાઇ છે. હાલે વલસાડ રૂરલ પોલીસે મુકેશભાઈએ આત્મહત્યા કરી હોવાની નોંધી કરી આગળની તપાસ શરૂ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.