ધરપકડ:વલસાડમાં દારૂ લઇ જતા કારચાલકનો પોલીસને કચડવાનો પ્રયાસ

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • કારમાંથી 8 બોટલ દારૂ મળી આવ્યો
  • ​​​​​સુરત અડાજણના બેની ધરપકડ

વલસાડ હાઇવે પર ધરમપુર ચોકડીથી પસાર થતી એક કારને રોકવા જતાં ચાલકે પોલીસ જવાનને કચડી મારવાનો પ્રયાસ કરાતા સિટી પોલીસે ગુનો દાખલ કરી સુરતના બે ઇસમોની ધરપકડ કરી હતી. સિટી પોલીસના જવાન જયંતિ ભુનેતરે ધરમપુર ચોકડી ખાતે ફરજ પર હતા ત્યારે મોડી સાંજે વાપી તરફથી આવી રહેલી કારને રોકી તલાશી લેતા તેમાંથી 8 બોટલ દારૂ મળી આવ્યો હતો.જેને સિટી પોલીસ મથકે લઇ આવતા દરમિયાન કારચાલકે કાર હાલર ચાર રસ્તા તરફ ભગાડી દેતાં પોલીસ સ્ટાફે તેનો પીછો કર્યો હતો.

દરમિયાન ચાર રસ્તા પર ટ્રાફિકમાં કાર થોભી જતાં પોલીસ કર્મચારી જયંતિભાઇએ આવી પહોંચી કારની સામે ઉભા થઇ જતાં કાર ચાલકે કાર હંકારી મૂકી પોલીસ જવાનને કચડી મારવાનો પ્રયાસ કર્યો હતો.પોલીસે કારના બોનેટને પકડી લેતાં કાર ચાલકે બ્રેક મારી હતી,જેના પગલે પોલીસ જવાન રોડ પર ફેંકાઇ ગયો હતો.દરમિયાન કારચાલક અને તેમાં બેઠેલો એક અન્ય ઇસમ ફરાર થઇ ગયો હતો.

આ ઘટનાની તપાસ એલસીબીએ હાથ ધરી સુરતથી બંન્ને આરોપી જયેશ ઇશ્વર પટેલ,રહે.તાડવાડી,રાંદેર રોડ,સુરત અને તેજસ અરૂણ પટેલ રહે.વૃંદાવન રેસિડન્સી,અડાજણનાને ઝડપી લીધા હતા.પીઆઇ વી.ડી.મોરીએ બંન્ને વિરૂધ્ધ આઇપીસી કલમ 307 સહિતની કલમ અને પ્રોહિબિશનનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...