બાકી વેરા અંગે ફરિયાદ:વાપી ખાતે આવેલી એક કંપની સંચાલકે 7 વર્ષમાં 3 કરોડનો વેચાણ વેરો ન ભરતા કંપની સંચાલક સામે ગુનો નોંધાયો

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક

વલસાડ જિલ્લાના વાપી GIDC ખાતે આવેલી સપાર્ટન કેબલ પ્રા. લી. કંપનીના સંચાલકો દ્વારા વર્ષ 2010થી વર્ષ 2016 દરમ્યાન કંપની દ્વારા કરવા આવેલી વસ્તુઓની વેચાણ ઉપર વેચાણ વેરા વિભાગનો લાગતો કુલ રૂ.3,01,53,624 વેરો સરકારમાં જમા કરાવ્યા વગર કંપની બંધ કરી સરકારને કરોડો રૂપિયાનો ચુનો ચોપડ્યો હોવાનું સામે આવતા રાજ્ય વેચાણ વેરા વિભાગ દ્વારા વાપી GIDC પોલીસ મથકે સપાર્ટન કેબલ પ્રા. લી. કંપનીની મહિલા ડાયરેકટર સહિત 2 ડાયરેક્ટરો સામે ફરિયાદ નોંધાવી હતી. વાપી GIDC પોલીસ સપાર્ટન કેબલ પ્રા. લી. કંપનીના 2 ડાયરેક્ટરો સામે FIR નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

વલસાડ જિલ્લાના વાપી GIDC વિસ્તારમાં આવેલી સપાર્ટન કેબલ પ્રા. લી. કંપની ચાલી રહી હતી. કંપનીના ડાયરેકટર તરીકે જીજ્ઞેશભાઈ શંકરભાઇ પટેલ અને રમીલાબેન શંકરભાઇ પટેલ કંપનીના ડાયરેકટર તરીકે નોંધ કરાવી હતી. કંપની દ્વારા વર્ષ 2010થી 2016 દરમ્યાન કરેલા વેચાણ નો વેરો રાજ્ય વેરા વિભાગમાં જમા કરાવ્યો ન હતો. વેરા વિભાગ દ્વારા કંપની સંચાલકોને વેરો ભરી જાવા વારંવાર નોટિસ પાઠવી વેરાની વસુલાત અંગે ઉઘરાણી કરવામાં આવી હતી. પરંતુ કંપની સંચાલકોએ આજ દિન સુધી વેરો ન ભરતા રાજ્ય વેરા કમિશનર આદેશ અનુસાર રાજ્ય વેરા નિરીક્ષક દિનેશભાઇ પુનમચંદ્ર દરજીએ વાપી GIDC પોલીસ મથકે સપાર્ટન કેબલ પ્રા. લી. કંપનીના ડાયરેકટર જીગ્નેશ શંકરભાઇ પટેલ અને રમીલાબેન શંકરભાઇ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી અને રાજ્યમાં વેરા વિભાગના રૂ. 3.01 કરોડથી વધુની વેરા વસુલાત અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવતા વેચાણ વેરો ન ભરતા કંપની સંચાલકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. વાપી GIDC પોલીસે ફરિયાદ નોંધી કંપની બંધ કરી જતા રહેલા કંપનીના ડાયરેક્ટરો વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...