વલસાડ સિટી પોલીસે આરપીએ ગ્રાઉન્ડ સામે રોડથી પસાર થતી એક કારને રોકવા છતાં નહિ થોભતા પીછો કરી જિલ્લા પોલીસ અધિક્ષક કચેરી સામે ટ્રાફિક સર્કલ પાસે કારને આંતરી તલાશી લેતાં 13 હજારનો દારૂ મળી આવ્યો હતો.
વલસાડમાં રેલવે સુરક્ષાબળ કેન્દ્રના ગ્રાઉન્ડ પાસે સિટી પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી હતી.દરમિયાન એક કાર ચીખલી તરફ દારૂનો જથ્થો લઇને પસાર થનાર હોવાની માહિતીના પગલે પોલીસે આ કારને જોતા ઉભી રાખવા ઇશારો કર્યો હતો.પરંતું કારચાલક વાહન હંકારી કલ્યાણબાગ તરફ ભાગતાં પોલીસે પીછો કરી એસપી કચેરી ટ્રાફિક સર્કલ સામે તેને આંતરી લીધી હતી.
જેમાં ધરમપુર લાકડમાળ ગામના પટેલ ફળિયામાં રહેતો કારચાલકર રાકેશ ઇશ્વરભાઇ પટેલની પુછપરછ કરી કારની તલાશી લેતા પાછલી સીટના ખાનામાં સંતાડેલ 183 બોટલ કિ.રૂ.13450નો દારૂનો જથ્થો મળી આવ્યો હતો,પોલીસે રૂ.1 લાખની કાર સહિત મુદ્દામાલ કબજે કરી ગુનો દાખલ કર્યો હતો. પોલીસને જોઇ બુટલેગરે બેફામ રીતે કારને હંકારી મુકી હતી. શહેરના મુખ્યમાર્ગ પર પોલીસ અને બુટલેગર વચ્ચે થયેલી રેસને લઇ ફિલ્મી દૃશ્ય સર્જાયા હતાં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.