વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે નવસારીના ચીખલી તાલુકાના ખુડવેલ ગામે 10મી જૂને વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરોડોના વિકાસના કામોને લીલીઝંડી આપશે. વડાપ્રધાન અહીં જાહેર સભાને સંબોધન પણ કરશે. વડાપ્રધાનના આ કાર્યક્રમમાં 50 હજારની મેદની એકઠી કરવા વલસાડ જિલ્લામાંથી 800 બસો ફાળવવામાં આવી છે. જેને લઈ 9 અને 10 જૂન એમ 2 દિવસ વલસાડ, નવસારી જિલ્લાના એસ. ટી. બસના અનેક રૂટ રદ્દ થયા છે. જેથી મોટી સંખ્યામાં મુસાફરો અટવાશે.
તારીખ 10 જુનના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવસારીના ચીખલી તાલુકાના ખુડવેલ ગામે 764 કરોડના વિકાસના કામોનું લોકાર્પણ અને 200 કરોડના વિકાસના કામોનું ખાતમુર્હત કરવાના છે. ખુડવેલ ગામે મોદી જાહેર જનતાને સંબોધન પણ કરવાના છે. ત્યારે મોદીના આ કાર્યક્રમમાં 50 હજારની જનમેદની એકઠી કરવા વહીવટીતંત્રે તડામાર તૈયારીઓ આરંભી છે.
ખુડવેલના કાર્યક્રમ સ્થળે વલસાડ, નવસારી જિલ્લાના ભાજપના કાર્યકરો સહિત લોકોને એકઠા કરવા એસ. ટી.ની 800 જેટલી બસ ફાળવવામાં આવી છે. આ બસો મારફતે 15,000 લોકોને લઈ જવામાં આવશે. જેમાં વલસાડથી 170, પારડીથી 20, ધરમપુર 220, કપરાડા 220, વાપી 20, ઉમરગામ માટે 150 બસો ફાળવવામાં આવી છે. જેને પગલે વાપી ડેપોની માત્ર એક્સપ્રેસ બસો જ દોડશે જ્યારે લોકલ રૂટ બંધ રહેવાના હોય મુસાફરો અટવાય એવી શક્યતા છે. તો એસ.ટી. વિભાગ દ્વારા મળતી વિગતો મુજબ વલસાડ જિલ્લામાં એસટી બસોની ઘટ પુરવા આમદાવાદથી 50, ભાવનગરથી 20, મહેસાણા 40 બસો મંગાવવામાં આવી છે જે વલસાડથી મુસાફરો ભરીને રવાના થશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.