વરસાદમાં દક્ષિણ ગુજરાત:15 દિવસમાં સિઝનનો 70 ટકા વરસાદ, 24 કલાકમાં કપરાડા 15 અને ધરમપુરમાં 14 ઇંચ

વલસાડ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મેઘકહેર : કાંઠાના ગામો ભાગડાખુર્દ, લીલાપોર, વેજલપોર, ભદેલી, હિંગરાજનો ફરી સંપર્ક કપાયો, તંત્ર એલર્ટ મોડમાં
  • 5000થી વધુ ઘરોમાં 3 થી 4 ફુટ જેટલા પાણી ભરાયા, NDRFની ટીમે 600 લોકોનું સ્થળાંતર કરી રામલ્લા મંદિર અને શાળામાં ખસેડ્યા

વલસાડ જિલ્લામાં જળબંબાકાર જેવી સ્થિતિ થઇ છે. છેલ્લા ચોવીસ કલાકમાં કપરાડામાં 15 ઇંચ અને ધરમપુરમાં 14 ઇંચ વરસાદ પડ્યો છે. આ સાથે વાપી અને પારડીમાં પણ 11 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. અનેક નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો થયો છે. કપરાડા અને ધરમપુરના અનેક કોઝવે પાણીમાં ગરકાવ થયાં છે. મહત્વના માર્ગો પણ ધોવાયા છે.

ખાસ કરીને જુનની સરખામણીએ જુલાઇમાં સૌથી વધુ વરસાદ પડ્યો છે. જુલાઇમાં છેલ્લા 14 દિવસમાં સિઝનનો 70 ટકા વરસાદ વરસી ચુક્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ કપરાડા અને ધરમપુર તાલુકામાં પડ્યો છે. અત્યાર સુધીમાં સિઝનનો કુલ વરસાદ 62.94 ઇંચ વરસી ચુકયો છે. સતત પડી રહેલા વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો થયો હતો.

ઉપરવાસનો વરસાદી પ્રકોપ- ચીખલી હાઇવે પર પાણી ભરાતા વાપીમાં સૂરત તરફ જતા ભારે વાહનો અટકાવાયા, ઔરંગા નદી ફરી ગાંડીતૂર બની
નવસારીના આલીપોર હાઇવે પર વરસાદી પાણી ફરી વળતાં મુંબઇ-અમદાવાદ નેશનલ હાઇવેને ગુરૂવારે સવારે બંધ કરવાની ફરજ પડી હતી. પોલીસે ચીખલી,વાપી નજીક બગવાડા હાઇવે પર મુંબઇથી અમદાવાદ તરફ જતાં વાહનોને પોલીસે અટકાવી દીધા હતાં. જેના કારણે વાહનોની લાંબી કતારો લાગી ગઇ હતી. બગવાડા હાઇવે પર 4 થી 5 કિ.મી. લાંબી વાહનોથી કતારોથી વાહન ચાલકો અકળાયા હતાં. જો કે ચીખલી હાઇવે પરના પાણી ઓસરી જતાં રાબેતા મુજબ હાઇવેને ફરી કાર્યરત કરી દેવાયો હતો.

રાત્રે 10.30 વાગ્યે નદીની સપાટી વધવાની ચેતવણી, મળસ્કે 2 વાગ્યેથી પુર
બુધવારે ધરમપુર તાલુકામાં ભારે વરસાદથી સાંજે ઔરંગાની સપાટી વધવા માડતાં મોડી સાંજેેેે કૈલાસરોડ ઔરંગા બ્રિજ ડુબી જતાં જ વહીવટી તંત્ર અને લોકોમાં દોડધામ શરૂ થઇ ગઇ હતી. રાત્રે 10.30 વાગ્યે નીચાણવાળા વિસ્તારોમાં પોલીસે માઇક દ્વારા જાહેરાત કરી સલામત સ્થળે ખસી જવા ચેતવણી આપવાનું શરૂ કર્યું હતું. જોકે 12 સુધીમાં થોડી સપાટી ઘટી હતી,પરંતુ મળસ્કે 2 વાગ્યાથી અચાનક ઔરંગાની સપાટી 5 મીટરથી વધી જતાં શહેરના નીચાણવા‌‌‌ળા વિસ્તારમાં પાણી પ્રસરવાનું શરૂ થઇ ગયું હતું.જ્યારે સવારે 10 વાગ્યા સુધીમાં તો તમામ નીચા વિસ્તારોમાં નદી વહેતી થઇ ગઇ હતી.

આજે પણ શાળામાં રજા
વાપી સહિત વલસાડ જિલ્લામાં પડી રહેલા અતિભારે વરસાદના કારણે ફરી જિલ્લા કલેકટરે શુક્રવારે પણ આંગણવાડી, શાળા, કોલેજ,આઇટીઆઇ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. સતત પડી રહેલા વરસાદના કારણે વિદ્યાર્થીઓની સુરક્ષાને લઇ નિર્ણય લેવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...