તસ્કરી:વલસાડના નંદાવલામાં 2 મકાનમાં 6 તોલા સોનાના દાગીનાની ચોરી થઇ

વલસાડ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • એક બંધ મકાનમાં પણ ચોરીનો પ્રયાસ કર્યો પણ કંઇ મળ્યું નહીં

વલસાડ તાલુકાના નંદાવલા ગામે એક સોસાયટીમાં ગત મોડી રાત્રે ચોરટાઓએ 3 મકાનને નિશાન બનાવ્યા હતા.જે પૈકી બે મકાનમાંથી 6 તોલા સોનાના દાગીના તથા રૂ.28 હજાર રોકડ રકમની ચોરી કરી ભાગી છૂટ્યા હતા. મળતી માહિતી મુજબ વલસાડ નજીક આવેલા નંદાવલામાં આવેલી શિવપૂજા સોસાયટીમાં પ્લોટ નં.172માં રહેતા રાકેશ નટુભાઇ પટેલ તથા તેમનો પરિવાર મોડી રાત્રે ઉઘમાં હતા.

ત્યારે ચોર ઇસમોએ મકાનના પહેલા માળે લોખંડી બારીની જાળી કાપી સળિયા વાંકા કરીને અંદર પ્રવેશી ગયા હતા.જ્યાં બેડરૂમમાં કબાટ તોડીને અંદર મૂકેલા 4 તોલા દાગીના અને રૂ.23 હજાર રોક઼ડ રકમની ચોરી કરી ગયા હતા.આ ઉપરાંત બીજા મકાનમાં રહેતા જયેશ વિક્રમભાઇ ટંડેલ અને તેમનો પરિવાર પણ નિંદ્રા માણી રહ્યો હતો.

જેનો ગેરલાભ ઉઠાવી પ્રથમ માળે બારીમાંથી પ્રવેશ કરી કબાટનો સામાન વેરવિખેર કરી તેમાં મુકેલા 2 તોલા સોનાના ઘરેણાં અને રૂ.5 હજાર રોકડ રકમ ચોરી ફરાર થઇ ગયા હતા.ત્યારબાદ ચોરટાઓએ આ જ સોસાયટીમાં ભોલાભાઇ નામના એક રહીશના ત્રીજા બંધ મકાનને પણ નિશાન બનાવ્યું હતું.

જો કે આ મકાનમાંથી કોઇ કિમતી ચીજવસ્તુ મળી ન હોવાથી ચોરટા ત્યાંથી ખાલી હાથ ભાગ્યા હતા.આ ઘટનાની જાણ વલસાડ રૂરલ પોલીસ મથકે કરતાં પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...