વિધાનસભા સંગ્રામ 2022:વલસાડ જિલ્લામાં 5 ધારાસભ્યો રિપીટ

વલસાડ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • જીતી શકે તેવા મજબૂત ઉમેદવારને ટિકિટ ફાળ‌વવાના ક્રાઇટેરિયાનો અમલ કરાયો
  • સેન્સ લેવા​​​​​​​ આવેલા નિરીક્ષકો સમક્ષ અનેક ફરિયાદો છતાં પણ ભાજપે વર્તમાન ઉમેદવારો પર વિશ્વાસ મુકતા કેટલાક સ્થળોએ અસંતોષ જોવા મળ્યો

વલસાડ જિલ્લામાં ભાજપ મોવડીમંડળ દ્વારા વિધાનસભાની ચૂંટણીના ઉમેદવારોની જાહેરાત થતાં અનેક અટકળોનો અંત આવી ગયો છે. ભાજપ હાઇકમાન્ડ દ્વારા બહાર પડાયેલી ઉમેદવારોની યાદીમાં વલસાડ જિલ્લાના તમામ 5 ધારાસભ્યને ટિકિટ મળતાં તેમના કાર્યકરોમાં આનંદની લાગણી છવાઇ ગઇ હતી. આ ધારાસભ્યોમાં 2 મંત્રી, એક માજી મંત્રીને ટિકિટ ફા‌ળવવામાં આવી છે. જેમાં નાણાં મંત્રી કનુભાઇ દેસાઇ, પાણી પુરવઠા અને મત્સ્યદ્યોગ વિભાગના રાજ્યમંત્રી જીતુભાઇ ચૌધરી તથા માજી આદિજાતિ મંત્રી રમણભાઇ પાટકરનો સમાવેશ થાય છે. આ તમામ ઉમેદવારો ભાજપના સક્રિય કાર્યકરો તરીકે યશસ્વી કામગીરી, જિલ્લા સંગઠન અને પ્રજા સાથે સતત સંપર્ક, સરકાર અને સંગઠન સાથે રહીને વિકાસના કામોને આગળ વધારવા જેવા મહત્વના પાસાં તથા જીતી શકે તેવા ઉમેદવારને ટિકિટ આપવાના ભાજપના ક્રાઇટેરિયામાં આવતા હોય ભાજપ હાઇકમાન્ડ દ્વારા તમામ 5 ધારાસભ્યને રિપીટ કરવામાં આવ્યા છે. દક્ષિણ ગુજરાતમાં પાર, તાપી, નર્મદા, રિવર લિંક પ્રોજેક્ટના કારણે મોટી આંદોલન થયું હતું. જેના કારણે આ વખતે ભાજપે જોખમ લેવાનું ટાળી ઉમેદવારોને રિપિટ કર્યા છે.

14 નવેમ્બર સુધી ફોર્મ ભરવાનો ધસારો રહેશે
વલસાડ જિલ્લાની 5 બેઠકો ઉપર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી વચ્ચે સીધો જંગ થવાનો છે. ભાજપે ઉમેદવારોની વિધિવત જાહેર કરી દીધી છે. જ્યારે કોંગ્રેસે પણ ધરમપુર બેઠકને બાદ કરતા ચારેય બેઠકો પર ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. આમ આદમી પાર્ટીએ પણ ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. ઉમેદવારો ફોર્મ ભરવા માટે શુક્રવારથી પ્રારંભ કરશે. જેથી 14 નવેમ્બર સુધી મામલતદાર કચેરીઓમાં ચૂંટણીનો ધમધમાટ જોવા મળશે. બે દિવસથી ભાજપની યાદીને લઈ કાર્યકર્તા અને લોકોમાં ભારે આતૂરતા જોવા મળી રહી હતી. ગુરૂવારે નામોની જાહેરાત થતાં જ તમામ આતૂરતાનો અંત આવ્યો હતો. હવે ચૂંટણી પ્રચાર શરૂ થશે

​​​​​​​વલસાડ: મહિલાની ચર્ચા વચ્ચે કોળી સમાજને પ્રાધાન્ય અપાયું, તમામ અટકળોનો અંત આવ્યો
ભરતભાઈ પટેલ
એમએસસી,
વેપાર
2017નું પરિણામ
43092 મતોની લીડ મેળવી હતી
બે વાર ભાજપમાંથી ચૂંટાયા, ત્રીજી વખત

પસંદગીનું કારણ શું ઃ વલસાડ વિધાનસભા બેઠક પર જેમને ત્રીજીવાર ટિકિટ મળી છે તે વર્તમાન ધારાસભ્ય ભરતભાઇ પટેલ તેમના ગામ પારનેરાપારડીના સરપંચથી રાજકારણમાં આવ્યા બાદ તા.પં.માં ચુંટાયા હતા. તેમને 2012માં ધારાસભ્યની ટિકિટ મળી હતી.જેમાં 36 હજાર અને 2017માં ફરી રિપીટ થતાં 43 હજારની લીડથી જીત્યા હતા.આ સિવાય તેઓ વલસાડ તાલુકા કોળી પટેલ સમાજના પ્રમુખ પદ સંભાળી રહ્યા છે.ટિકિટ માટે તાલુકાના 52 પૈકી 44 સરપંચોએ તેમની તરફે લેખિત સમર્થન આપ્યું હતું.

પારડી: નાણામંત્રીની કામગીરીએ વિશ્વાસ વધાર્યો, સતત બે ટર્મના અનુભવના કારણે ટિકિટ મળી
કનુભાઈ દેસાઈ
બીકોમ એલએલબી,
વેપાર

2017નું પરિણામ 52086 મતોની લીડ મેળવી હતી સરકારમાં નાણા- પેટ્રો. કેમિકલ મંત્રી બન્યા

પસંદગીનું કારણ શું ઃ ભાજપે જિલ્લાની પારડી વિધાનસભાની બેઠક ઉપર વર્તમાન ધારાસભ્ય અને કેબિનેટ નાણાં મંત્રી કનુભાઇ દેસાઇને ત્રીજી વાર ટિકિટ આપી છે. જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે તેમના કાર્યકાળમાં જિલ્લાની 5 પૈકી 4 બેઠકો ભાજપના ફાળે ગઇ હતી.આ ઉપરાંત જિલ્લા અને 5 તાલુકા પંચાયતો,5 નગરપાલિકાઓમાં પણ ભાજપનું શાસન સ્થાપિત કરવામાં ભવ્ય સફળતા મેળવી હતી. સરકારમાં રહીને અનેક કામોને મજૂરી મેળવવામાં સફળ રહેતા ત્રીજી વખત રિપીટ કરવામાં આવ્યા છે.

ધરમપુર ઃ ધોડિયા પટેલ જ્ઞાતિના કારણે વિશ્વાસ મુકાયો, હવે ચૂંટણીમાં આ બેઠક પર અગ્નિ પરીક્ષા
અરવિંદભાઈ પટેલ
બીએ,
ખેડૂત
2017નું પરિણામ
22246 મતોની લીડ મેળવી હતી
બીજી વખત ભાજપે ચૂંટણી લડવા તક આપી

પસંદગીનું કારણ શું ઃ ધરમપુર વિધાનસભા બેઠક ઉપર ધોડિયા પટેલ મતદારો નિર્ણાયક રહે છે.ભાજપે વર્તમાન ધારાસભ્ય અરવિંદ પટેલને ફરી રિપીટ કર્યા છે.તેઓ આસુરા ગામે હાઇસ્કુલમાં હેડ કલાર્ક હતા.બાદમાં કાકળકુવા ગામે સરપંચ તરીકે ચૂંટાઇ રાજકીય શરૂઆત કરી હતી.તેઓ અગાઉ કોંગ્રેસમાં હતા.બાદમાં ભાજપમાં પ્રવેશ કર્યો હતો.તેઓ ધરમપુર 2010માં તાલુકા પંચાયતના પ્રમુખ રહી ચૂક્યા હતા. 2017માં તેમને ભાજપે ટિકિટ આપતાં 22 હજારની લીડથી ચૂંટાઇ આવ્યા હતા.

કપરાડા ઃ આદિવાસી મતદારો ઉપર વર્ષોથી પ્રભુત્વ ફળ્યું, આ વખતે ચૂંટણી અહીં રસપદ બની રહેશે
​​​​​​​જિતુભાઈ ચૌધરી
ધો. 9 પાસ,
ખેતી અને વેપાર
2017નું પરિણામ
170 મતોની લીડ મેળવી હતી
5 ટર્મ કોંગ્રેસમાંથી ચૂંટાઈ ભાજપમાં આવ્યા
​​​​​​​પસંદગીનું કારણ શું ઃ કપરાડા બેઠક પર જિતુભાઇ ચૌધરી ભાજપમાંથી પણ 2020ની પેટાચૂંટણીમાં જીતી જતાં ભાજપને આ બેઠક મેળ‌વવાનો લાભ મળ્યો હતો.આદિવાસી પટ્ટીના કપરાડા વિધાનસભા બેઠક ઉપર મજબૂત પકડ ધરાવતા પાણી પુરવઠા તથા મત્સ્યોદ્યોગ રાજ્ય મંત્રી 2002થી સતત 8 ટર્મથી ચૂંટાતા રહ્યા છે.તેમની રાજકીય સફર કોંગ્રેસથી શરૂ થઇ હતી.2017 સુધી તેઓ 7 ટર્મથી ધારાસભ્ય ચૂંટાતા રહ્યા હતા.8મી વાર 2020ની પેટા ચૂંટણીમાં તેઓ ટિકિટ મળતાં ભાજપના ધારાસભ્ય તરીકે ચૂંટાઇ આવ્યા હતા.

ઉમરગામ ઃ નવા ચહેરાને લઈ જોખમ લેવાનું સંગઠને ટાળ્યું, સતત જનસંપર્કનો ફાયદો મળ્યો
​​​​​​​રમણભાઈ પાટકર
ધો. 9 પાસ,
વેપાર
2017નું પરિણામ
41690 મતોની લીડ મેળવી હતી
સૌથી વધુ વખત MLA બનવાનો રેકોર્ડ

પસંદગીનું કારણ શું ઃ ઉમરગામ બેઠક છેલ્લી પાંચ ટર્મથી ભાજપનો ગઢ બનાવવામાં રમણભાઇ પાટકરનો મોટો ફાળો રહ્યો છે.વારલી સમાજના રમણભાઇનો તેમના સમાજ ઉપરાંત તમામ વર્ગના મતદારો પર સારું પ્રભુત્વ રહ્યું છે.તેઓ 2017ની ચૂંટણીમાં તેઓ 41690 મતની મોટી લીડથી બેઠક જીત્યા હતા.દરમિયાન આદિજાતિ વિકાસ મંત્રી બન્યા હતા.ભાજપે તેમને છઠ્ઠી વાર ટિકિટ આપવા માટે તેમનો આ બેઠક પર પ્રભુત્વ અ્ને પ્રજા સાથે સતત સંકલન, વિકાસના કામોને ધ્યાને લેવામાં આવ્યા છે.

જિલ્લાની 5 બેઠક પર કુલ 61 ફોર્મ ઉમેદવારો લઈ ગયા, માત્ર પારડી બેઠક પર એક ફોર્મ ભરાયુ
​​​​​​​
વલસાડ જિલ્લાની 5 વિધાનસભા મત વિસ્તારની બેઠક પર અત્યાર સુધી કુલ 61 ફોર્મ ઉમેદવારો લઈ ગયા છે પરંતુ એક માત્ર 180- પારડી બેઠક ઉપર જ 1 ઉમેદવારી પત્ર ભરાયું છે. ગુરૂવારે પારડી મામલતદાર કચેરી ખાતે 180- પારડી વિધાનસભા મતદાર વિભાગના ચૂંટણી અધિકારી અને આયોજન સહ તાલુકા વિકાસ અધિકારી એસ.ડી.પટેલ સમક્ષ પારડી બેઠક પરથી ભાજપના ઉમેદવાર કનુભાઈ મોહનલાલ દેસાઈ (ઉ.વ.71, રહે. 405/4, સંકલ્પ સોસાયટી, ગુંજન વાપી)એ ફોર્મ ભર્યું છે. જ્યારે ડમી ઉમેદવાર તરીકે ભાજપમાંથી મહેશ દેસાઈ(રહે. ઉમરસાડી, પારડી)એ ફોર્મ ભર્યું છે. પારડી સિવાય વલસાડ, ધરમપુર, કપરાડા અને ઉમરગામ બેઠક પર હજુ સુધી એક પણ ઉમેદવારે ફોર્મ ભર્યા નથી. ત્યારે હવે 11 નવેમ્બરને શુક્રવારે પાંચેય બેઠક પર ઉમેદવારો દ્વારા ફોર્મ ભરાઈ એવુ જણાય રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...